Trending News
સ્થાનિક સમાચાર

કચ્છનું રણ મહેરામણ બની જતા ઉદ્યોગ જગતને મોટું નુકસાન 

10 September

ભારે વરસાદના પગલે 



ડિપ્રેશનની અસર તળે થયેલા અતિભારે વરસાદથી નમક સહિત ઔદ્યોગિક એકમોને ફટકો : કચ્છના નાના રણમાં રાજસ્થાન, રાધનપુરના વરસાદી પાણી આવતા નમક એકમોનું ધોવાણ : હાજીપીર-લખપત પંથકમાં બ્રોમાઈન સહિતના ઉદ્યોને પણ વ્યાપક નુકશાની થયાની ભીતિ 


ભુજ : ભાદરવા મહિનાના મધ્ય ભાગે કચ્છ જિલ્લામાં વ્યાપક વરસાદ થયો હતો. બંગાળની ખાડીમાં સર્જાયેલ ડિપ્રેશનની અસર તળે જિલ્લામાં રાપરથી માંડી લખપત સુધીના વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો હતો. આ વરસાદના પગલે રોડ, રસ્તા, વીજ માળખા સહિત સાર્વજનિક સુવિધાઓને મોટું નુકસાન થયું હતું. તો બીજી તરફ કચ્છના રણ વિસ્તારમાં ખાબકેલા વરસાદ, ભારે પવન અને જળભરાવના કારણે ઔદ્યોગિક ક્ષેત્રે પણ નુકસાન થયાના અહેવાલ પ્રાપ્ત થયા છે. 
આ અંગે મળતી વિગતો મુજબ ગત શનિવારથી સોમવાર સુધી કચ્છમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી હતી. કચ્છ ઉપરાંત સૌરાષ્ટ્ર, સાબરકાંઠા વિસ્તારમાં પણ ભારે વરસાદ થયો હતો. કચ્છના નાના રણમાં વાગડના વરસાદ ઉપરાંત રાજસ્થાન અને રાધનપુર વિસ્તારમાં થયેલ વરસાદનું પાણી ભરાતા રણ વિસ્તારમાં નમક ઉદ્યોગને ભારે નુકસાન થયાની ભીતિ સેવાઈ રહી છે. કચ્છના પ્રવેશદ્વાર એવા સુરજબારી વિસ્તારથી માંડી નાના રણ, ખાવડા સરહદી વિસ્તાર અને લખપતના છેવાડાના વિસ્તારોમાં કાર્યરત નમક, બ્રોમાઈન સહિતના ઉદ્યોગોને નુકસાન થયું છે. પૂનમના દિવસો દરમિયાન દરિયાઈ ભરતીના કારણે સુરજબારી વિસ્તારમાં મીઠાના પાડા ધોવાયા હતા. ભરતીના પાણીમાં વરસાદી પાણીનો વધારો થતા છેક રણ સુધી પહોંચી ગયેલા પાણીથી નમક ઉદ્યોગને નુકસાન થયાનું જાણવા મળી રહ્યું છે. લખપત, હાજીપીર વિસ્તારમાં આવેલ ઔદ્યોગિક એકમો, ખાવડાના આરઈ પાર્ક અને પૂર્વ કચ્છના નમક સહિતના ઉદ્યોગને મોટો ફટકો પડ્યો હતો. આ અંગે મીઠા સાથે સંકળાયેલા સંગઠનના આગેવાનોને આ બાબતે પુછતા હાલ પાણી ભરાયેલ છે પરંતુ પાણી ઓસર્યા બાદ જ નુકશાનીનો સાચો આંક જાણી શકાશે. 

 

Comments

COMMENT / REPLY FROM