ડિપ્રેશન ગ્રહણ મોક્ષ : કચ્છમાં મહદઅંશે નિકળ્યો વરાપ
બંગાળની ખાડીમાં સર્જાયેલા હવાના દબાણની અસર તળે ૪૮ કલાક અનરાધાર વરસાદ બાદ મેઘરાજાએ લીધો વિરામ : કચ્છનું જનજીવન મહદઅંશે થાળે પડ્યું : જિલ્લા વહિવટીતંત્ર વરસાદ બાદ સ્થિતિને સુધારવાની કવાયતમાં જોતરાયું : બંધ થઈ ગયેલા રસ્તાઓનું યુદ્ધના ધોરણે સમારકામ : પવન અને વરસાદથી વીજ માળખાને થયેલ નુકશાનનું અવિરત સમારકામ
પશ્ચિમ કચ્છ નખત્રાણા પંથકમાં સવા ઈંચ વરસાદ : લખપતમાં ઝરમર અને ઝાપટા
ભુજ : ભાદરવી પૂનમના થયેલા ખગ્રાસ ચંદ્રગ્રહણના દિવસો દરમ્યાન જ કચ્છ જિલ્લામાં બંગાળની ખાડીમાં સર્જાયેલ વરસાદી સિસ્ટમની અસર તળે વ્યાપક વરસાદ થયો હતો. અનંત ચૌદસ, પૂનમ અને સોમવારે બપોર સુધી ડિપ્રેશનની અસર તળે કચ્છના દસેય તાલુકામાં ભરપુર વરસાદ થયા બાદ ગઈકાલે બપોર બાદ મેઘરાજાએ વિરામ લેતાં કચ્છવાસીઓને મોટી રાહત મળી છે.
ડિપ્રેશનની અસર તળે વાગડથી માંડી લખપત સુધી થયેલ ભારે - અતિભારે વરસાદમાં કોઈ વ્યાપક નુકશાન ન થતાં વહીવટી તંત્રને પણ હાશકારો થયો છે. અવિરત વરસી રહેલા વરસાદના પગલે ખોરવાઈ ગયેલું કચ્છનું જનજીવન મહદઅંશે પુનઃ પાટે ચડ્યું છે. કચ્છ પર સર્જાયેલા ડિપ ડિપ્રેશન હવે નબળું થયું છે અને પાકિસ્તાન તરફ ફંટાઈ ગયું છે. જો કે, ડિપ ડિપ્રેશનની પાછોતરી અસર તળે કચ્છમાં વધુ બે દિવસ છુટાછવાયા વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યકત કરી છે.
ડિપ્રેશનની અસર હેઠળ કચ્છમાં સતત બે દિવસ સુધી મેઘરાજાએ ધબધબાટી બોલાવી હતી. ખાસ કરીને રાપર પંથકમાં સાડા ચાર દાયકા બાદ વ્યા પક વરસાદ થયો હતો. ર૪ કલાક જેટલા સમયગાળામાં ૧૭ ઈંચથી વધુ વરસાદ ખાબકતા રાપર અને ખડીરમાં સર્વત્ર જળભરાવના દ્રશ્યો જોવા મળ્યા હતા.
વ્યાપક વરસાદના પગલે જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. મધ્યમ સિંચાઈના ર૦ પૈકી ૧૧ અને નાની સિંચાઈના ૧૭૦ પૈકી ૯૩ ડેમો ઓવરફલો થયા હતા. કચ્છમાં સોળ આની વરસાદની પારાશીશી ગણાતું ભુજનું હૃદય સમાન હમીરસર તળાવ પણ સોમવારે સાંજે ઓગની જતાં કચ્છીજનોના હૈયા તૃપ્ત થયા હતા. ગઈકાલે કચ્છના દસેય તાલુકાઓમાં બેથી સાત ઈંચ વરસાદ નોંધાયો હતો. ચોમાસાના પ્રારંભે વરસાદથી વંચિત લખપતમાં સાત, ગાંધીધામમાં છ, ભુજમાં સાડા પાંચથી છ, અંજાર, નખત્રાણામાં પાંચ, કાંઠાળ અબડાસા, માંડવી અને મુંદરા પંથકમાં બેથી ત્રણ ઈદ વરસાદ થયો હતો.
સોમવારે બપોરે મેઘરાજાએ વિરામ લેતાં જિલ્લા વહિવટીતંત્ર હવે રોડ - રસ્તાઓને થયેલા નુકશાનની સુધારણા, બંધ થઈ ગયેલા રસ્તાઓ યુદ્ધના ધોરણે શરૂ કરવા, રાપર વિસ્તારમાં વરસાદના પગલે સલામત સ્થળે રેસ્કયું કરાયેલા પરિવારોને પુનઃ થાળે પાડવા સહિતની કામગીરીમાં જોતરાયું છે. જિલ્લા વીજ વિભાગ પણ ભારે પવન અને વરસાદથી વીજ માળખાને થયેલા નુકશાનના સમારકામની કામગીરી કરી રહ્યું છે. છેલ્લા ૩ દિવસ દરમિયાન સૂર્યનારાયણના દર્શન દુલર્ભ બન્યા હતા. આજે જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરાપ નિકળતાં કચ્છવાસીઓએ રાહત અનુભવી છે.

Comments