Trending News
સ્થાનિક સમાચાર

ભુજનું હૃદય હમીરસર તળાવ વાજતે ગાજતે વધાવાયું 

09 September



સોમવારે સાંજે શહેરની શોભા સમાન તળાવ ઓગની જતા રાજાશાહી સમયની પરંપરા અનુસાર શાસ્ત્રોક્ત વિધિ અનુસાર વધાવાયું : ભુજના નગર અધ્યક્ષા રશ્મિબેન સોલંકીના હસ્તે હમીરસર તળાવ અને ઉપપ્રમુખ ઘનશ્યામ સી. ઠક્કરના હસ્તે દેશલપર તળાવ વધાવાયું : ભુજ નગરપાલિકા કચેરીથી વાજતે ગાજતે નીકળી શોભાયાત્રા : મોટી સંખ્યામાં ભુજવાસીઓ ઉજવણીમાં જોડાયા : શહેરીજનોને મેઘલાડુનું કરાયું વિતરણ 


ભુજ : માત્ર જિલ્લામથક ભુજ જ નહીં, સમગ્ર કચ્છવાસીઓના હૃદય સાથે જોડાયેલું ભુજનું ઐતિહાસિક તળાવ ગઈકાલે ઓગની જતા આજે પરંપરાગત રીતે વધાવવામાં આવ્યું હતું. રાજાશાહી કાળથી ચાલી આવતી પરંપરા અનુસાર ભુજ નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકીના હસ્તે તળાવમાં નવા નીરના વધામણા કરાયા હતા.
ભુજના હૃદય સમાન હમીરસર તળાવ કચ્છીમાડુઓની લાગણીનું પ્રતિક છે. સતત ચોથા વર્ષે સચરાચરી મેઘમહેરના પગલે તળાવ છલકાઈ જતા કચ્છભરમાં હર્ષની લાગણી ફેલાઈ છે. આજે સવારે ભુજ નગર અધ્યક્ષાના હસ્તે વાજતે-ગાજતે તળાવને વધાવાયું હતં ત્યારે હમીરસરના કાંઠે માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. સવારે ભુજ નગરપાલિકાથી વાજતે ગાજતે શોભાયાત્રા નીકળી હતી. ભુજના પારેશ્વર ચોકમાં આવેલ પાપડી ખાતે નગર અધ્યક્ષાના હસ્તે શાસ્ત્રોક્તવિધિ અનુસાર તળાવને વધાવવામાં આવ્યું હતું. બપોરે ૧રઃ૩૯ કલાકે હમીરસર તળાવ તળાવને વધાવાયું હતું. આ પ્રસંગે ઉપસ્થિત જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ વરચંદ, કચ્છના રાજવી પરિવારના સભ્યો, સંતો, મહંતો અને નગરપાલિકાના સત્તાધિશોએ ભુજવાસીઓને હમીરસર તળાવ ઓગન્યાની શુભેચ્છાઓ પાઠવી હતી ત્યારબાદ નગરપલિકાના ઉપપ્રમુખ 
ઘનશ્યામ સી.ઠક્કરના હસ્તે ભુજના ભીડનાકે આવેલા દેશલસર તળાવને વધાવવામાં આવ્યું હતું. ભુજવાસીઓને મેઘલાડુંનું વિતરણ કરાયું હતું. 
આ પ્રસંગે ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેન મહિદીપસિંહ જાડેજા, શાસક પક્ષના નેતા કમલ ગઢવી, દંડક રાજેશ ગોર, પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતા, પૂર્વ નગરપતિ દેવરાજભાઈ ગઢવી, હેમલતાબેન ગોર, પ્રાંત અધિકારી અને ઈન્ચાર્જ ચીફ ઓફિસર અનિલ જાદવ, ભુજ શહેર ભાજપ પ્રમુખ મીત ઠક્કર, ધર્મેન્દ્ર જેસર, જયંતભાઈ ઠક્કર, નગર સેવકો સહિત મોટી સંખ્યામાં ભુજવાસીઓ ઉમટી પડ્યા હતા.


.....................

ભુજનું હૃદય ર૯મી વખત છલકાયું 

ભુજ : શહેરના હૃદય સમાન હમીરસર તળાવ કચ્છીઓની લાગણીનું પ્રતિક છે. સતત ચોથા વર્ષે ધોધમાર વરસાદના પગલે સોમવારે હમીરસર તળાવ છલકાયું હતું. આજે સવારે શાસ્ત્રોક્તવિધિ અનુસાર ભુજના નગર અધ્યક્ષા રશ્મીબેન સોલંકીના હસ્તે તળાવના નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા. રાજાશાહીના સમયકાળમાં ૪પ૦ વર્ષ જુનું હમીરસર તળાવ ઓગને ત્યારે રાજવીના હસ્તે વધાવવામાં આવતું હતું. આઝાદી બાદ ૧૯પ૧ મા ભુજ નગરપાલિકાની રચના થઈ હતી. વર્ષ ૧૯પ૩ મા હમીરસર તળાવ ઓગનતા ત્યારે પ્રથમ વખત ભુજના નગરપતિ કુંદનલાલ ધોળકિયાના હસ્તે વધાવવામાં આવ્યું હતું. ગત વર્ષ સુધી ર૮ વખત હમીરસર તળાવ ઓગન્યું હતું. ગઈકાલે ર૯ મી વખત હમીરસર તળાવ ઓગન્યું હતું. 

.....................


ભુજના પ્રથમ બે નગરપતિઓને તક ન મળી 



ભુજ : શહેર સુધરાઈના પ્રથમ નગરપતિ સ્વ. મુળશંકર ગોર રપમી જૂન ૧૯પ૧ થી ર૪ મી જૂન ૧૯પર સુધી પ્રમુખ પદે રહ્યા હતા. ત્યારબાદ પરસોત્તમ ઠક્કરે ર૪ મી જૂન ૧૯પ૩ સુધી પ્રમુખ પદે રહ્યા હતા. જોકે, એ બન્ને કાર્યકાળ દરમિયાન હમીરસર તળાવ ઓગન્યું ન હોવાથી વધાવાયું નહોતું ત્યારબાદ સ્વ. કુંદનલાલ ધોળકિયા રપમી જૂન ૧૯પ૩થી ર૪ મી જૂન ૧૯પ૪ સુધી પ્રમુખ પદે રહ્યા હતા. જેમણે ૧૯પ૩ મા પ્રથમ વખત હમીરસર તળાવ ઓગની જતા વધાવ્યું હતું. આમ, સુધરાઈના બોર્ડ પર હમીરસર તળાવને સર્વ પ્રથમ વખત વધાવનાર પ્રમુખ તરીકે સ્વ. કુંદનલાલ ધોળકિયાનું નામ બોલે છે. ૧૯પ૩ બાદ સળંગ બે વર્ષ હમીરસર ઓગન્યું ન હતું. ૭મી ઓગસ્ટ ૧૯પ૬ ના રોજ ડો. મહિપતરાય મહેતાએ તળાવને વધાવ્યું હતું. ૧૯પ૬ થી ર૦રપ સુધી ૭૪ વર્ષો દરમિયાન માત્ર ર૯ વખત ઓગન્યું છે. 



...................



હમીરસર તળાવ વધાવનાર પ્રમુખશ્રીઓની યાદી 

નામ    તારીખ 
કુંદનલાલ ધોળકિયા    ૧૯પ૩
ડો.મહિપતરાય મહેતા    ૭/૮/૧૯પ૬
કૃષ્ણલાલ માંકડ    ૧૪/૭/૧૯પ૯
ભાઈલાલ પાઠક    ૧૯૬૧
ભાસ્કરભાઈ પંડ્યા    ર૬/૮/૧૯૬પ
તુલસીદાસ ઠક્કર    ૪/૭/૧૯૬૭
કિશોરચંદ્ર બુચ    ર૦/૮/૧૯૭૦
બહાદુરસિંહ જાડેજા    ૧૪/૯/૧૯૭પ
બહાદુરસિંહ જાડેજા    ૩૦/૮/૧૯૭૬
મંગલભાઈ મહેશ્વરી    ૧૧/૮/૧૯૭૯
હિરજીભાઈ ઠક્કર    ર૯/૬/૧૯૮૦
હિરજીભાઈ ઠક્કર    ર/૧૧/૧૯૮૧
અરૂણભાઈ વચ્છરાજાની    ર૯/૭/૧૯૮૮
અરૂણભાઈ વચ્છરાજાની    ર૯/૮/૧૯૮૯
મનુભાઈ ગજ્જર    ૭/૮/૧૯૯ર
મનુભાઈ ગજ્જર    ૧૯૯૪
પ્રવિણસિંહ વાઢેર    ૧૬/૧૦/૧૯૯૮
હંસાબેન છેડા    ર૬/૭/ર૦૦૩
બાપાલાલ જાડેજા    ૧૩/૮/ર૦૦૬
બાપાલાલ જાડેજા    ૯/૮/ર૦૦૭
દેવરાજભાઈ ગઢવી    ૯/૮/ર૦૧૦
નરેન્દ્રભાઈ ઠક્કર    ૭/૯/ર૦૧૧
હેમલતાબેન ગોર    ર૭/૯/ર૦૧૩
હેમલતાબેન ગોર    ર૮/૭/ર૦૧પ
લતાબેન સોલંકી    ૩૧/૮/ર૦ર૦
ઘનશ્યામ ઠક્કર    ૧૬/૮/ર૦ર૦
ઘનશ્યામ ઠક્કર    ૧૦/૭/ર૦ર૩
રશ્મિબેન સોલંકી    ર૯/૮/ર૦ર૪
રશ્મિબેન સોલંકી    ૯/૯/ર૦રપ


........



૧૯૭૦ થી રજા જાહેર કરવાની પરંપરા 


ભુજ : રાજ્યમાં એકમાત્ર એવું શહેર છે કે જ્યાં તળાવ છલકાઈ જાય તો શહેરની રાજ્ય સરકારની કચેરીઓ અને શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવે છે. આ પરંપરા વર્ષ ૧૯૭૦ થી શરૂ થઈ હતી જે આ વર્ષે પણ અકબંધ રહી છે. ગઈકાલે સાંજે હમીરસર ઓગની જતા આજે શહેરની તમામ સરકારી કચેરીઓમાં રજા જાહેર કરવામાં આવી હતી. 

 

Comments

COMMENT / REPLY FROM