Trending News
સ્થાનિક સમાચાર

સચરાચર કચ્છમાં અનરાધાર મેઘવર્ષા : જનજીવન પ્રભાવિત

08 September


બંગાળની ખાડીમાં સર્જાયેલ વરસાદી સિસ્ટમની અસર તળે કચ્છના દસેય તાલુકામાં અવિરત વરસાદ : ૧૭ ઈંચથી વધુ વરસાદથી વાગડ પાણી પાણી : કચ્છના જળાશયોમાં નવાનીરની ભરપુર આવક : હવામાન 
વિભાગ દ્વારા વધુ બે દિવસ વરસાદની આગાહી  



ભુજ : બંગાળની ખાડીમાં સર્જાયેલ વરસાદી સિસ્ટમ હવે ડિપ્રેશનના સ્વરૂપમાં ફેરવાઈ છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા રવિવારથી કચ્છ જિલ્લામાં સતત ત્રણ દિવસ સુધી વારે થી અતિ ભારે વરસાદ થવાની આગાહી વચ્ચે કચ્છ જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં છેલ્લા ૨૪ કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે કચ્છનું જનજીવન પણ પ્રભાવિત થયું છે. વરસાદના પગલે રોડ-રસ્તાઓનું ધોવાણ થતા વાહન-વ્યવહાર પણ પ્રભાવિત થયો છે. હવામાન વિભાગ દ્વારા વધુ બે દિવસ ભારે વરસાદની આગાહીના પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગોતરી તકેદારીના પગલા લેવામાં આવ્યા છે. સાથે જિલ્લાભરમાં કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે. ખાસ કરીને પૂર્વ કચ્છના રાપર અને ખડીર વિસ્તારમાં અતિ ભારે વરસાદના કારણે અતિવૃષ્ટિ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. મિતેલા બે દિવસ દરમિયાન રાપર તાલુકામાં કુલ ૧૭ વરસાદ થયો છે. રવિવારે સંબેલાધાર ૧૩ ઇચ વરસાદ બાદ આજે પરોઢ થી સવારે ૧૦ વાગ્યા સુધીમાં વધુ ચાર ઇંચ વરસાદ નોંધાયો હતો. કચ્છમાં સર્વાધિક વરસાદ વાગડ વિસ્તારમાં થયો છે. વાગડના બંને તાલુકા રાપર અને ભચાઉમાં થયેલા વરસાદના કારણે નદી નાળાઓ છલકાઈ ઉઠ્યા છે. રાપર શહેરના વિવિધ વિસ્તારોમાં જળભરાવ થયો છે. રાપર શહેરમાં છેલ્લા ચોવીસ કલાક દરમ્યાન ભારે વરસાદ ના લીધે વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેર તથા તાલુકામાં સતર અઢાર ઈચ વરસાદ વરસ્યો છે તાલુકા ના તમામ ડેમો તળાવ ઓગની ગયા છે નદી નાળા મા પાણી વહી નિકળ્યા છે ત્યારે મુખ્ય મથક રાપર શહેર મા શંકરવાડી તકિયા વાસ પોલીસ લાઈન મામલતદાર ક્વાર્ટર તિરુપતિ નગર ગેલીવાડી સલારીનાકા ખોડીયાર મંદિર રોડ દુધડેરી વિસ્તારમાં ઘરો માં પાણી ભરાઈ ગયા હતા તો રોડ ટાપુ મા ફેરવાઈ જતા વહિવટી તંત્ર પહોચી શક્યું નથી રાપર શહેરમાં ડીઝાસ્ટર મેનેજમેન્ટ ના ધજાગરા ઉડયા હતા જવાબદાર અધિકારીઓ કોઈ પણ સ્થળ પર જોવા મળ્યા ના હતા આજે વહેલુ સવાર થી સતત વરસાદ રહ્યો હતો અને નવ વાગ્યા બાદ વરસાદે વિરામ લીધો હતો આમ વાગડ વિસ્તારના રાપર તથા ખડીર દ્વિપ સમુહ ટાપુમાં ફેરવાઈ ગયા હતા. રાપર તાલુકાના મોવાણા ગામે તમામ જળાશયો છલકાઈ ગયા હોવાનું સરપંચ ગજુભા વાઘેલાએ જણાવ્યું હતું. ખડીર બેટમાં તો છેલ્લા બે દિવસમાં જ ૧૩ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. ધોળાવીરા, જનાણ, રતનપર અને અમરાપર ગામોના ડેમ-તળાવો છલકાઈ જતાં ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે. પશુઓ માટે પાણી અને ચારો પુષ્કળ મળતા આ વરસાદ ખરેખર આશીર્વાદરૂપ સાબિત થયો છે. જોકે ભારે પવન સાથે વરસેલા વરસાદે કેટલીક મુશ્કેલીઓ પણ ઊભી કરી છે. ખડીરમાં વીજના થાંભલા પડી જતાં વીજ પુરવઠો ખોરવાયો છે, તો રાપરમાં અનેક માર્ગો તાત્કાલિક બંધ કરવા પડ્યાં છે. નગરપાલિકા અને તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. ગઈકાલે સાંજે મુદ્રા અને માંડવી સિવાય કચ્છના આઠ તાલુકામાં વરસાદ શરૂ થયો હતો. જ્યારે રાત્રે  વાગ્યા બાદથી કચ્છના દસેય તાલુકામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. રાજદીપ બારોટ થયેલા વરસાદ બાદ આજે સવારે ૧૦ વાગ્યા સુધી જિલ્લાભરમાં મેઘ મેહેર અવિરત રહી હતી. આજે સવારે છ વાગ્યાથી ૧૦ વાગ્યા સુધીના અરસામાં અબડાસામાં બે, રાપરમાં ૪,  ભચાઉમા દોઢથી બે, અંજારમાં એક, ભુજમાં દોઢ,  નખત્રાણામાં અઢી,  અબડાસમા એક, માંડવી અને મુદ્રામાં અડધોથી એક જ્યારે ગાંધીધામમાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો.ભુજના પાકા પણ જુના કે નવા મકાનની છત ઉપરથી ક્યાં ક્યાંક ઘરની અંદર પાણી ટપકી રહ્યા છે, ભુજનું હમીસર તળાવ છલકાવાની ખૂબ જ નજીક પહોંચી ગયો છે અને મોટાબંધમાંથી ધસમસ્તી આવને જોવા માટે ભુજના લોકો મોટાબંધ તરફ મોટી સંખ્યામાં જતા મોટા બંધની આજુબાજુના રસ્તાઓ પાણીની સાથે સાથે લોકોથી પણ છલકાઈ રહ્યા છે. ભુજના ઘણા બધા વિસ્તારોમાં ગઈકાલે રાત્રે લાઇટ આવજાવ થયા જ કરતી હતી. કેટલાક વિસ્તારોમાં પીજીવીસીએલ લાઈટ ચાલુ રાખવામાં સફળ થઈ હતી તો ભુજના નાગર ચકલા સહિતના કેટલાક વિસ્તારોના લોકોએ ફરિયાદ કરી હતી કે તેમને વીજ પુરવઠા વગર ખાસ તો બંધ થયેલા પંખાને કારણે હેરાન થઈ જવું પડ્યું હતું.ઉત્તર ગુજરાત અને તેની બાજુમાં દક્ષિણપશ્ચિમ રાજસ્થાન પર બનેલું ડીપ ડિપ્રેશન છેલ્લા ૧૦ કલાક દરમિયાન ધીમે ધીમે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ ૮કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. આજે પરોઢે ૫. ૩૦ કલાકે દક્ષિણપૂર્વ પાકિસ્તાન અને તેની બાજુમાં આવેલા રાજસ્થાન અને કચ્છ પર ભુજથી ૧૮૦ કિમી ઉત્તર-ઉત્તરપૂર્વમાં કેન્દ્રિત થયું હતું. આજે બપોર સુધી દક્ષિણપૂર્વ પાકિસ્તાન અને તેની બાજુમાં આવેલા રાજસ્થાનમાં ડીપ ડિપ્રેશન તરીકે ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની સંભાવના છે. ત્યારબાદ, તે લગભગ પશ્ચિમ તરફ આગળ વધતું રહેશે અને ધીમે ધીમે નબળું પડીને ડિપ્રેશનમાં ફેરવાશે તેવું ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે.અત્રે ઉલ્લેખની એ છે કે હવામાન વિભાગ દ્વારા રવિવારે કચ્છ જિલ્લામાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે મેઘરાજાએ જુદા જુદા વિસ્તારોમાં મહેર વરસાવી હતી. લખપતથી લઈને વાગડ સુધી વરસાદે પોતાની હાજરી નોંધાવી છે. સાંજ પડતા જ લખપત તાલુકામાં ઝરમર સાથે વરસાદની શરૂઆત થઈ હતી. દયાપરમાં અડધો ઇંચ વરસાદ વરસતા શેરીઓમાં પાણી વહી નીકળ્યાં હતાં, જ્યારે કોરિયાણી, કપુરાશી, પાનધ્રો અને નારાયણ સરોવરમાં ધીમી ધારે ઝરમર ચાલુ રહી હતી. ઘાસચારા માટે આ વરસાદ આશીર્વાદરૂપ બન્યો છે, રાપરમાં ગઈકાલે રાત્રે માત્ર ચાર કલાકમાં જ ૭ ઇંચ વરસાદ વરસતાં શહેર જળબંબોળ થઈ ગયું હતું. દિવસ દરમિયાન પડેલા વરસાદ સાથે આજે રાપરમાં કુલ ૧૭ ઇંચ વરસાદ ખાબક્યો છે. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. શહેરના તળાવો વર્ષો બાદ ઓગની જતા લોકોને ખાસ ખુશી અનુભવી છે. રાપરનું આંઢવાળું તળાવ, ગોરાસર તળાવ, થોરિયારી અને માણાબાનું તળાવ સહિત અનેક જળાશયો 
છલકાઈ ગયા છે.



.....................



કચ્છની તમામ શાળા-કોલેજો બંધ 

ભુજ : સમગ્ર કચ્છ જીલ્લામાં આજે સોમવારે તમામ શાળાઓ અને કોલેજોમાં શિક્ષણ કાર્ય બંધ રહ્યું હતું. જીલ્લા કલેકટર દ્વારા સુચના અન્વયે અતિભારે વરસાદના કારણે આજે કચ્છ જીલ્લાની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રખાયું હતું. જીલ્લા શિક્ષણ અધિકારી અને જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા જીલ્લાની તમામ શાળાઓને શિક્ષણ કાર્ય બંધ રાખવા અને બાળકોને શાળાએ ન બોલાવવા સુચન કરાયું હતું. 



...............


ભારે વરસાદના લીધે કચ્છમાં ૬ જેટલા રસ્તાઓ પ્રભાવિત થતા વાહન વ્યવહાર બંધ કરાયો 


ભુજ : કચ્છ જિલ્લામાં ભારે વરસાદના લીધે વિવિધ ૬ જેટલા રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવેલા છે. આ રસ્તાઓ ઉપર અવરજવર ન કરવા જાહેરજનતાને કચ્છ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનુરોધ છે. જેમાં રાપર તાલુકાના ત્રંબો જેસડા રવ રવેચી રોડ, ભચાઉ રામવાવ રાપર રોડ, સુવઈ ગવરીપર રોડ, ભચાઉ તાલુકાના વામકા લખાવટ કરમરિયા રોડ, ગાંધીધામ તાલુકાના સતાપર અજાપર મોડવદર મીઠી - રોહર રોડ, ભુજ તાલુકાના તુગા જુણા રોડભારે વરસાદની પરિસ્થિતિમાં કચ્છ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સમયાંતરે આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા તેમજ ભયજનક નદી નાળા તેમજ નીચાણવાળા વિસ્તારમાં ન જવા અનુરોધ છે. 


...............


કચ્છમાં ભારે વરસાદની આગાહી સાથે મૌસમનું ૬૧પ.૭ મીમી વરસાદ નોંધાયો 


ભુજ : કચ્છમાં જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે તા.૭ ના ૮૧.૯ મીમી તથા તા. ૮ના સવારે ૧૨ કલાક સુધી ૫૪.૬ મીમી સહિત કચ્છમાં અત્યાર સુધી મૌસમનો સરેરાશ ૬૧૫.૭ મીમી વરસાદ નોંધાયો છે. કચ્છ જિલ્લાના તાલુકા વાઇસ વરસાદના આંકડા જોઇએ તો, લખપત તાલુકામાં કુલ ૪૮૦ મીમી, રાપરમાં તાલુકામાં  કુલ ૮૭૩ મીમી, ભચાઉ તાલુકામાં કુલ ૬૪૪ મીમી, અંજાર કુલ ૫૭૫ મી, ભુજ તાલુકામાં કુલ ૬૧૩ મીમી, નખત્રાણા તાલુકામાં કુલ ૬૫૯, અબડાસા તાલુકામાં કુલ ૩૯૪ મીમી, માંડવી તાલુકામાં કુલ ૫૮૫ મીમી, મુંદરા તાલુકામાં ૬૧૦, ગાંધીધામ તાલુકામાં કુલ ૭૨૫ મીમી આમ, કચ્છમાં તા.૭/૯ના કુલ ૮૧.૮ મીમી તથા તા. ૮/૯ના સવારે ૧૨ કલાક સુધીમાં ૫૪.૬ મીમી વરસાદ નોંધાયો છે. આમ કચ્છમાં કુલ મૌસમનો ૬૧૫.૭ મીમી વરસાદ નોંધાયો છે. 
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ૧/૦૬/૨૦૨૪ થી ૩૦/૧૧/૨૦૨૪ સુધીમાં ૯૧૫.૧મીમી વરસાદ કચ્છ જિલ્લામાં નોંધાયો હતો. અત્યાર સુધી માનવ મૃત્યુ, મકાન નુકશાન, રેસ્કયુ તથા પશુ મૃત્યુ નોંધાયું નથી. 



............................


રાત્રે ૧૦થી બપોરે ૧ર સુધી થયેલ વરસાદ 


તાલુકો      વરસાદ (મિમિ)
લખપત    ૧૦૯
રાપર    ૨૪૭
ભચાઉ    ૧૦૪
અંજાર    ૧૧૨
ભુજ    ૯૮
નખત્રાણા    ૯૯
અબડાસા    ૪૫
માંડવી    ૪૩
મુન્દ્રા    ૪૩
ગાંધીધામ    ૧૪૯



...........



કચ્છના મધ્ય સિંચાઈના ૯ ડેમ છલકાતા અપાયું એલર્ટ 


ભુજ : કચ્છમાં ભારે વરસાદના લીધે જિલ્લામાં આવેલા મધ્યમ સિંચાઇ યોજના હેઠળના કુલ ૯ ડેમ સંપૂર્ણ ભરાયેલા છે. આ ડેમોના નીચાણવાળા વિસ્તારમાં આવતા ગામોના નાગરિકોને સતર્ક રહેવા અને કોઈપણ સહાયતા માટે જિલ્લા કંટ્રોલ રૂમ (૦૨૮૩૨-૨૫૦૯૨૩/૨૫૨૩૪૭) સંપર્ક કરવા કચ્છ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનુરોધ કરાયો છે. મધ્યમ સિંચાઈ યોજનાના રાપર તાલુકાના ફતેહગઢ અને સુવઈ ડેમ ઓવરફ્લો થતા ગેડી, ફતેહગઢ, ગવરીપર, સુવઈ, જેસડા, વણોઈ ગામને એલર્ટ કરાયા છે. ભુજ તાલુકાનું કાયલા ડેમ ભરાઈ જતા ઝુરા, ઝુરા કેમ્પ, જતાવાંઢ અને લોરિયાને એલર્ટ કરાયા છે. મુન્દ્રાનું કારાઘોઘા ડેમ ભરાઈ જતા બયારા, સમાઘોઘા, બોરાણા અને ધ્રબ ગામને એલર્ટ કરાયા છે. અબડાસાના કંકાવટી, મીઠી અને બેરાચીયા ડેમ ઓવરફ્લો થતા હાજાપર, મિયાણી, નુંધાતડ, વિંઝાણ, બીટીયારી, ભાચુંડા, બેરાચિયા, રવા, ત્રંબૌ, રાપર, છસરા, વડાસર, કોરવાડી વાંઢ ગામને એલર્ટ કરાયા છે. નખત્રાણાનું નિરોણા ડેમ ઓવરફ્લો થતા નિરોણા, ઓરીરા, હરીપરા, અમરગઢ, લક્ષ્મીપુરા ગામને એલર્ટ કરાયા છે. માંડવીનો ડોણ ડેમ ઓવરફલો થતા રાજડા અને ડોણને એલર્ટ કરાયા છે. 


..............

કચ્છમાં વીજપુરવઠો પૂર્વવત કરવા યુદ્ધના ધોરણે કામગીરી 
’
ભારે વરસાદના પગલે અસરગ્રસ્ત વીજપોલ તથા ફીડરોને પૂર્વવત કરવા વીજ વિભાગની કવાયત 


ભુજ : કચ્છમાં બે દિવસથી ભારે વરસાદના પગલે વીજ પોલ તથા ફીડરોને નુકશાન થતાં વીજ પુરવઠાને પણ અસર થઇ છે. જો કે, ચાલુ વરસાદે પીજીવીસીએલ દ્વારા યુધ્ધના ધોરણે મરંમતની કામગીરી કરવામાં આવી છે. વરસાદમાં વીજશોક કે અન્ય અકસ્માત ન ઘટે તે માટે નાગરિકોને સાવચેત રહેવા અનુરોધ કરાયો છે. ભારે વરસાદના કારણે પૂર્વ કચ્છમાં ૫૬ વીજપોલને નુકશાન થયું છે. જયારે ૧૩૪ ફીડરોને અસર થતાં તત્કાલ ધોરણે હાથ ધરાયેલી મરંમત કામગીરી હેઠળ ૨૭ રીપેર કરાઇ ચૂક્યા છે. જ્યારે ૧૦૭ની કામગીરી ચાલુ છે (જેમાં ૯૫ ખેતવાડી તથા ૧૨ જ્યોતિગ્રામ યોજના હેઠળ સમાવેશ થાય છે) જ્યારે પશ્ચિમ કચ્છમાં ૧૧૭ અસરગ્રસ્ત ફીડરમાંથી ૬૩ રીપેર કરાયા છે, જયારે ૫૪ ફીડર મરંમતની કામગીરી યુધ્ધના ધોરણે ચાલુ છે. (૫૧ ખેતીવાડી તથા ૩ જ્યોતિગ્રામ હેઠળના છે.) વરસાદના કારણે પૂર્વ કચ્છમાં ૧૮ ગામ તથા પશ્ચિમ કચ્છના ૨૦ ગામના વીજપુરવઠાને અસર પહોંચી છે. 
જિલ્લામાં કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા વહીવટીતંત્ર સજ્જ છે. ભુજ ખાતે એનડીઆરએફની ટીમ તથા રાપર ખાતે એસડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. નાગરિકોને કોઇપણ પ્રકારની મદદની જરૂર હોય તો જિલ્લા કંટ્રોલ રૂમ (૦૨૮૩૨) ૨૫૦૯૨૩ પર સંપર્ક કરી શકાશે.

Comments

COMMENT / REPLY FROM