Trending News
સ્થાનિક સમાચાર

અંજારમાં પાણીના ટાંકામાં ડૂબી જવાથી સહોદરના કરૂણ મોત

07 September


પરિવાર પર આભા ફાટયું : સમગ્ર વિસ્તારમાં શોક અને અરેરાટી

અંજાર : ભારે વરસાદની આગાહી વચ્ચે પૂર્વ કચ્છના અંજાર શહેરમાં એક અત્યંત કરુણ ઘટનામાં બે માસૂમ સગા ભાઈઓનું પાણીના ખુલ્લા ટાંકામાં ડૂબી જવાથી મોત થયું છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોક અને અરેરાટી ફેલાવી દીધી છે. આ દુર્ઘટના અંજારની કર્મચારી કોલોનીમાં બની હતી. મળતી માહિતી અનુસાર, મૂળ બિહારના શ્રમિક બિટ્ટુ તિવારીના ૬ વર્ષના પુત્ર અંકુશ અને ૭ વર્ષના પુત્ર અભિનંદન ઘરની નજીક રમી રહ્યા હતા. રમતા-રમતા તેઓ એક નવા બની રહેલા મકાનની બાજુમાં આવેલા ખુલ્લા પાણીના ટાંકા પાસે પહોંચી ગયા અને અકસ્માતે તેમાં પડી ગયા હતા. બાળકો લાંબા સમય સુધી ન દેખાતા પરિવારજનોએ તેમની શોધખોળ શરૂ કરી હતી. ભયભીત થયેલા પરિવારજનોએ આ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. અંજાર પોલીસ સ્ટેશનના પીઆઈ એ.આર. ગોહિલ અને તેમની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આ દરમિયાન બંને બાળકોના મૃતદેહ પાણીના ટાંકામાંથી મળી આવ્યા હતા.બાળકોને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબે તેમને 
મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાએ પરિવાર પર આભ તૂટી પડ્યો છે. આ ઘટનાની જાણ થતા જ સમગ્ર કચ્છ જિલ્લામાં ભારે શોકની લાગણી છવાઈ ગઈ છે અને આ ઘટનાથી બધા સ્તબ્ધ થઈ ગયા છે. આ કરુણ ઘટનાથી ખુલ્લા પાણીના ટાંકા અને ખાડાઓથી બાળકોની સુરક્ષાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.

Comments

COMMENT / REPLY FROM