સરહદી કચ્છના ઔદ્યૌગીક એકમમાં આજે પણ આઈટીની ટુકડીનો સર્ચ-સર્વેનો ધમધમાટ યથાવત
કંઈક મોટું રંધાઈ રહ્યું છે.. : તગડો બિનહિસાબી વ્યવહાર મળ્યો કે શું?
દેશના અન્ય ભાગોમાં ઈન્ટમટેક્ષ વિભાગ દ્વારા આદરાયેલી તપાસનો રેલો કચ્છની કંપની ભણી પણ લંબાયો : ખાવડા-હાજીપીરથી માંડી અને ભુજ-માધાપર વચ્ચેના વિસ્તારોમાં પણ આ એકમથી સંકળાયેલા સલગ્ન વેપારીઓના પગથિયા પર આઈટી ટુકડી ચડતા મચી છે આંતરીક દોડધામ : કચ્છ આઈટીના અધિકારીઓને પણ તપાસમાં જોતરાવાયા
ગાંધીધામ : ઈન્કમટેક્ષ દ્વારા દેશના એક મહાકાય ઔદ્યોગીક એકમ પર સર્ચ અને સર્વેની કાર્યવાહી હાથ ધરવામા આવતા તેનો રેલો દેશના અન્ય રાજયોથી કચ્છ ભણી પણ ફંટાયો હતો. ગત રોજ આઈટીની ટુકડી અહી આવી પહોચી અને રીતસરનો પડાવ જ નાખ્યો હોય તેમ આ એકમ તથા તેના સલગ્ન યુનિટો કે વેપારીઓ અથવા તો તે એકમોના પણ પગથિયાઓ ચડવા પામતા ખાવડા-હાજીપીર પટ્ટાથી લઈ અને ભુજ-માધાપર વચ્ચેના પટ્ટા સુધીમાં મોડી રાત સુધી આંતરીક હલચલની સ્થિતી સર્જાયેલી જોવા મળી આવી હતી.
આ મામલે ચર્ચાતી વિગતો અનુસાર દેશના વિવિધ રાજયોમાં મોટાપાયે આઈટી વિભાગ દ્વારા સર્ચ અને સર્વેની કામગીરી હાથ ધરાઈ હતી તેના ભાગરૂપે પરમ દીવસ મોડી સાંજથી કચ્છમાં પણ આઈટીની ટીમો આવી પહોચી હતી. ખાવડા-હાજીપીર પટ્ટામાં આવેલ એકમમાં વહેલી સવારથી મોડી રાત સુધી આ ક્રોસ વેરીફીકેશનની કાર્યવાહી ચાલી હતી. તો વળી બીજીતરફ આ એકમની સાથે સંકળાયેલા ભુજ-માધાપર વિસ્તારની અંદર પણ આવેલા એકમો અને યુનિટોના પગથીયા પણ અઈટીની ટુકડીઓ ચડી હોવાની વાત ભુજની બજારોમાં વાયુવેગે ફેલાવવા પામી જતા આંતરીક રીતે વેપારી આલમમાં ગભરાટ ફેલાઈ જવા પામ્યો હતો. લંબાણપૂર્વ્કની ચાલેલી કામગીરીથી અઈટી વિભાગના હાથમાં કોઈ મોટો દલ્લો બેનામી હિસાબ લાગ્યો છે કે શું? તેવી અટકળો પણ જોર પકડતી હોવાનુ સામે આવી રહ્યુ છે. જો કે સત્તાવાર રીતે હજુ સુધી આ બાબતે કોઈજ ફોડ પાડવામા આવી નથી.

Comments