રેવન્યુ તલાટીની પરીક્ષામાં કચ્છના ઉમેદવારોને ફરી અન્યાય
સ્થાનિકના બદલે સૌરાષ્ટ્રના સેન્ટર આપવામાં આવતા ફરી ધક્કો પડશે
ભુજ : રાજ્યનો ચોથો ભુભાગ ધરાવતા કચ્છને અવાર-નવાર સરકાર દ્વારા અન્યાય કરવામાં આવે છે. ઔદ્યોગિક અને પ્રવાસનની દૃષ્ટીએ ગુજરાતમાં સૌથી વધુ આવક સરકારને કચ્છમાંથી થાય છે પરંતુ આ જિલ્લાને સુવિધા આપવામાં સરકાર સૌથી અંતિમ ગણે છે. સરકારી યોજનાઓમાં કચ્છ-સૌરાષ્ટ્ર એક ગણવામાં આવે તેમ વિવિધ પરીક્ષાઓમાં કચ્છના બદલે વિદ્યાર્થીઓને સૌરાષ્ટ્ર અને અમદાવાદના સેન્ટર આપવામાં આવતા હોવાથી હાલાકી વધી છે.
આગામી સમયમાં રેવન્યુ તલાટી વર્ગ -૩ ની પ્રાયમરી પરીક્ષા યોજાવાની છે. જેના કોલ લેટર આજથી ડાઉનલોડ થવાનું શરૂ થયો છે. આગામી ૧૪ તારીખે પરીક્ષા યોજાવાની છે પરંતુ કોલ લેટર ડાઉનલોડ કર્યા ત્યારે ઉમેદવારોને ખબર પડી કે તેઓને મોરબી, રાજકોટ, જામનગર, અમદાવાદના પરીક્ષા સેન્ટર આવ્યા છે. મહત્ત્વની પરીક્ષાઓ ભુજમાં લેવાતી હોય તો અન્ય પરીક્ષા કેમ ન લેવાય ? તેવો સવાલ વિદ્યાર્થીઓ ઉઠાવી રહ્યા છે. બે કલાકની પરીક્ષા માટે ઉમેદવારોને અપડાઉનની સાથે, રહેવા, જમવાની વ્યવસ્થા કરવી પડે છે. પરીણામે ખર્ચની સાથે હાલાકી પણ વધે છે. વારંવાર કચ્છમાં પરીક્ષા કેન્દ્ર ન આપી ઉમેદવારોને ધરમ ધક્કો ખાવા માટે મજબૂર કરવામાં આવે છે. કચ્છને સેન્ટર આપવામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ નિષ્ફળ સાબિત થયા છે.

Comments