દેશી આંબાની ગોટલી સાથે કેસર કેરીની કલમ કરી નવતર પ્રયોગથી પ્રાકૃતિક ખેતી કરતાં ભુજ તાલુકાના કોડકીના ખેડૂત
ભુજ : સિદ્ધિ તેને જઈ વરે, જે પરસેવે ન્હાય... આ કહેવતને સાર્થક કરતાં અને કંઈક નવું કરવાના વિચાર સાથે ૭ વર્ષથી ૧૦૦% જમીન પર પ્રાકૃતિક ખેતી કરી સ્વસ્થ સમાજની પહેલ કરતાં કચ્છના ભુજ તાલુકાના કોડકી ગામના રહેવાસી ખેડૂત માવજીભાઈ ખેતાણી સૌ ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે. પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી આંતરપાકમાં ટમેટા, મરચા, રીંગણા અને બાગાયતી પાકોમાં કેરી, પપૈયા, સીતાફળ, જામફળ, ચીકુ જેવા પાકો લેતા માવજીભાઈએ દેશી આંબાની ગોટલી સાથે કેસર કેરી કલમ કરી નવતર પ્રયોગ કર્યો છે.
કોડકીના ખેડૂત માવજીભાઈ જણાવે છે કે, શરૂઆતમાં તેઓ રાસાયણિક ખાતર અને દવાઓનો ઉપયોગ કરી ખેતી કરતાં હતાં. જેમાં પાકનું ઉત્પાદન ઓછુ થતું હતું તથા ખેતરમાં દવાનો ખર્ચ વધારે થતા ઘણી મુશ્કેલી વેઠવી પડતી હતી. જિજ્ઞાસુ મિજાજના ખેડૂત માવજીભાઈ એ ખેતરમાં કઈંક નવું કરવાના વિચાર સાથે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા હતાં. પોતાના અનુભવો વિશે વાત કરતાં કહે છે કે, ૭ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે. કુલ જમીન પર પ્રાકૃતિક ખેતીથી આંતરપાકમાં ટમેટા, મરચા, રીંગણા અને બાગાયતી પાકોમાં કેરી, પપૈયા, સીતાફળ, જામફળ, ચીકુ તથા નેપીયર ઘાસ સહિતનું વાવેતર કરે છે. પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરવી તેના માર્ગદર્શન પુરૂ પાડતાં આત્મા પ્રોજેક્ટ દ્વારા વિવિધ જગ્યાએ તાલીમ લીધી હતી.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીથી જમીનમાં છીદ્રોનું પ્રમાણ વધ્યું છે, જેના કારણે વરસાદી પાણીનો સંગ્રહ વધ્યો છે. જમીનની ફળદ્રુપતા તથા નિતારશક્તિમાં પણ વધારો થયો છે. ખેતી માટે જરૂરી તત્વો જેવા કે ખાતર, જીવામૃત, ગૌ-કૃપા અમૃત, બીજામૃત, દશપર્ણી અર્ક, વર્મીવોશ સહિત બધુ જાતે જ વાડીમાં બનાવી શકાય છે જેથી ઓછા ખર્ચમાં વધુ લાભ થાય છે. જમીનમાં સુક્ષ્મતત્વો તથા મિત્ર કીટકો, અળસિયાનું પ્રમાણ પણ વધ્યું છે. આચ્છાદાન પધ્ધતિનો ઉપયોગ કરતાં હોવાથી જમીનમાં ભેજનું પ્રમાણ વધતાં ઓછા પિયતથી ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવી શકાય છે.
વધુમાં તેઓ જણાવે છે કે, તેઓ પોતાની ખેતીમાં જાતે જ દેશી ગોટલીના છોડ તૈયાર કરી તેના પર કેસર કેરીની કલમ કરીને ખારી જમીન પર કેસર કેરીની મીઠાસ મેળવી રહ્યા છે. તેઓ ઉમેરે છે કે, દેશી કેરીના ગોટલા સાથે કલમ કરવાથી વૃક્ષના મૂળ જમીન સાથે જોડાઈ રહે છે. તેની મજબૂતીમાં વધારો થતાં વાવાઝોડામાં આ આંબા પડી જતાં નથી. આ સાથે બુસ્ટર ડોઝ એટલે શું તેના વિશે જણાવતાં ખેડૂત કહે છે કે, ગાયના ઝરમાં ગોબર, ગૌમુત્ર, ગોળ, ગૌકૃપા અમૃતને એક સાથે ભેળવીને ૩ થી ૪ મહિના સુધી સંગ્રહિત કરીને આ ખાતર તૈયાર કરવામાં આવે છે. બુસ્ટર ડોઝ ખાતર ખેતીમાં પાકનું પોષણ વધારે છે તથા પાકના રક્ષણ સાથે મૂળની મજબૂતી પણ વધારે છે.
ખેડૂત માવજીભાઈ જણાવે છે કે, પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા સરકાર દ્વારા પ્રાકૃતિક કૃષિનું જનઅભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. છેવાડાના ગામના પ્રત્યેક ખેડૂત પ્રાકૃતિક ખેતીથી થતાં ફાયદાઓથી અવગત થઈ શકે તેના માટે સરકાર પ્રયત્નોે કરી રહી છે. ત્યારે તેમાં સહભાગી બનીએ તેવો અનુરોધ કર્યો હતો. આ સાથે જ ઉમેર્યું હતુ કે જમીન જીવશે તો આપણે જીવીશું એ સંદેશ સાથે ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાઈને ઝેરમુક્ત પ્રાકૃતિક ખેતપેદાશો અપનાવી સ્વાસ્થ્યની જાળવણી કરે તે આજની જરૂરિયાત છે તેથી દરેક ખેડૂતો એ પ્રાકૃતિક ખેતી અપનાવવા અપીલ કરી હતી.
----

Comments