રીક્ષા સરખી ચલાવવાનું કહેતા સમાઘોઘામાં બે જુથ તુટી પડયા
પથ્થર મારા સાથે પાઈપ, ધોકા વડે સામ સામે તુટી પડતા છથી વધુ લોકો ઘવાયા : ૧૪ જણા સામે નોંધાઈ ફરિયાદ
ભુજ : જિલ્લામાં પોલીસની ધાક ઓસરી રહી છે. સામાન્ય બાબતે ઉશ્કેરાટમાં આવીને હિંસક મારામારીના બનાવો બની રહ્યા છે. મુંદરા તાલુકાના સમાઘોઘા ગામે રીક્ષા સરખી ચલાવવાનું કહેતા બે જુથ સામ સામે આવી જતા કાયદો - વ્યવસ્થા જોખમાઈ હતી.
આ બાબતે મળતી વિગતો મુજબ મુંદરા તાલુકાના સમાઘોઘા ગામના ગેટ પાસે બાપા સીતારામ મઢુલી નજીક આ બનાવ બન્યો હતો. ફરિયાદી પ્રદીપસિંહ ભુપતસિંહ વાઘેલાના જણાવ્યા પ્રમાણે તે અને હરપાલસિંહ રીક્ષા લઈને જતા હતા ત્યારે આરોપી જયપાલસિંહ તખતસિંહ જાડેજા અને તખતસિંહ બળવંંતસિંહ જાડેજા સામેથી આવતા હોઈ ફરિયાદીને રીક્ષા સરખી ચલાવવાનું કહેતા બોલાચાલી થઈ હતી. જેમાં આરોપીએ ફરિયાદી અને સાહેદ હરપાલસિંહને માથામાં પથ્થર મારી ઈજા પહોચાડી હતી. બાદમાં સમાઘાન માટે જતા આરોપીઓ જયપાલસિંહ, તખતસિંહ, રોહિતસિંહ જયેન્દ્રસિંહ જાડેજા, ક્રિપાલસિંહ ઘનશ્યામસિંહ જાડેજા, ઘનશ્યામસિંહ બળવંતસિંહ જાડેજા અને ચંદ્રસિંહ પ્રવીણસિંહ જાડેજાએ લાકડાના ધોકા, લોખંડના પાઈપ ધારણ કરી ફરિયાદીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મારામારી દરમ્યાન હરપાલસિંહનું માથું ફુટી ગયું અને જયેન્દ્રસિંહને માથામાં પાંચ ટાંકા, હિંમતસિંહને ૯ ટાંકા આવ્યા હતા. જે મામલે ગુનો દાખલ કરાવાયો હતો. તો સામે પક્ષે જયપાલસિંહ તખુભા જાડેજાના જણાવ્યા પ્રમાણે તે અને તેના પિતા જતા હતા ત્યારે છકડા ચાલક અને તેની સાથેના ઈસમે રીક્ષા વાળવા બાબતે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો. બાદમાં સમાઘાન માટે ગયા ત્યારે મારામારી કરવામાં આવી હતી. જેમાં ફરિયાદીને માથામાં સ્ટીલનો પાઈપ મારતા પાંચ ટાંકા આવ્યા હતા જયારે પિતાને માથાના ભાગે હેલ્મેટ ફટકારી મુઢ ઈજા કરવામાં આવી હતી. આરોપીઓ કિશનસિંહ પ્રેમસિંહ વાઘેલા, પ્રેમસિંહ વાઘેલા, ધ્રુવરાજસિંહ વાઘેલા, શક્તિસિંહ જાડેજા, રણજીતસિંહ વાઘેલા, અન્ય એક અજાણ્યા ઈસમે ફરિયાદી અને સાહેદોને મુઢ માર મારી ઈજાઓ પહોંચાડી હતી. જે અંગે ફરિયાદ થતા પીએસઆઈ વી. એમ. ડામોરે સામ સામે ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

Comments