કચ્છમાં પોલીસની ધાકના ઉડતા ધજાગરા : પખવાડીયામાં ચાર ખૂન
ખાખીને માત્ર દારૂ - જુગાર - ખનિજ ચોરીના હપ્તામાં જ રસ...?
કોલેજમાં જતી વિદ્યાર્થીનીથી માંડી રોજગારી માટે આવતા મજુરો અને મેળો મહાલવા જતા યુવકોને સુરક્ષા આપવામાં સદંતર નિષ્ફળ સાબિત થતી પોલીસ : પેટ્રોલીંગ અને કડક કાર્યવાહીના દાવા માત્ર કાગળ પર રહ્યા : આરોપીઓને પણ હોમગાર્ડ પકડે છે ત્યારે પોલીસની ભૂમિકા સામે લોકો ઉઠાવી રહ્યા છે સવાલ : ‘ચમરબંધી’ને ન છોડવાના દાવાઓ વચ્ચે જિલ્લામાં કાયદો - વ્યવસ્થાની સ્થિતિ કથળતા નાગરીકો આજે ખુદ પોતાના જિલ્લામાં અસલામતી અનુભવી રહ્યા છે
ભુજ : રાજ્યનો સૌથી મોટો જિલ્લો કચ્છ એક સમયે શાંત અને રહેવા માટે આનંદ દાયી જિલ્લો ગણાતો. પરંતુ કચ્છમાં ઔદ્યોગીક ક્રાંતિ બાદ પરપ્રાંતિયોના આગમનના કારણે વધેલી ગુનાખોરી અને પોલીસને અંધી આવક દેખાયા પછી સુરક્ષા વ્યવસ્થાનો મુદ્દો કોરાણે મુકી દેવાતા આ જિલ્લામાં યુપી - બિહાર જેવી સ્થિતિ ઉભી થઈ છે. મર્ડર તો હવે જાણે સામાન્ય બની ગયા હોય તેમ પંદર દિવસમાં ખુનની ચાર ઘટના કચ્છ જિલ્લામાં બની છે. આ સિવાય અપહરણ કરીને માર મારવો, હુમલા કરવા, બાતમીદારો પણ સલામત નથી. ચોરી, લૂંટ, ખંડણી જેવા ગુનાઓના કારણે કચ્છ આજે ગુનાખોરીનું હબ બનવા જઈ રહ્યું છે.
આંકડાકીય વાત કરીએ તો ગત ર૧ ઓગસ્ટના પડાણા નજીક બસમાંથી ઉતરીને ઘરે જતા સુનીલ નટ્ટ નામના પરપ્રાંતિય યુવકની છરીના ઘા મારી લુંટના ઈરાદે હત્યા કરવામાં આવી હતી. આ બનાવમાં આરોપી પકડાયા પછી પણ આ જ સ્થળે ટ્રક ડ્રાઈવરને લૂંટી લેવામાં આવ્યો હતો. જે બાદ ગત ગુરૂવારે ભુજમાં સંસ્કાર કોલેજ બહાર ગાંધીધામની સાક્ષી ખાનીયા નામની વિદ્યાર્થીનીને ગળાના ભાગે છરી ફરાવી નિર્મમ હત્યા કરવામાં આવી હતી. આ બનાવમાં ન્યાય માટે વિદ્યાર્થીઓ રોડ પર ઉતર્યા પરંતુ કઠણ કાળજું ધરાવતા વાલીઓ પણ કંપી ઉઠયા પરંંતુ પ્રજાનો મિત્ર કહેવાતી પોલીસે કડક કાર્યવાહી ન કરી હોવાના આક્ષેપથી લોકોમાં નારાજગી છે. બુધવારે રાપરમાં મેળો મહાલવા ગયેલા યુવાનની પોલીસની હાજરી વચ્ચે સરાજાહેર હત્યા કરવામાં આવી અને હવે રોજગારી માટે આવેલા યુવાનનું ઢીમ ઢાળી દેવામાં આવ્યું છે. ઉપરા ઉપરી આ પ્રમાણે બની રહેલી ઘટના પોલીસની ગેરહાજરી તથા બેદરકારી દર્શાવે છે. એક તરફ પોલીસ દ્વારા કડક પેટ્રોલીંગ અને સુરક્ષાના દાવા કરવામાં આવે છે પરંતુ આવી ઘટનાઓ ખાખીની બેદરકારી ઉજાગર કરે છે. અગાઉ પોલીસની બેદરકારી અંગે ખાતાકીય પગલા ભરવામાં આવતા પરંતુ હવે એસએમસી રેડ પાડે પછી પણ કોઈ કાર્યવાહી થતી નથી. જેથે કહેવું કોને તેવો સવાલ ઉભો થયો છે. નેતાઓ દ્વાર કડક કાર્યવાહીના નિવેદનો આપવામાં આવે છે પરંતુ તે કેટલા સાચા હોય છે તે હવે સૌ કોઈ જાણી ગયા છે. ગુનાખોરીનો હબ બનેલા કચ્છમાં હવે સ્થાનીક લોકોને સુરક્ષા પ્રદાન કરવામાં આવે તે જરૂરી બની રહ્યું છે. અન્યથા અગાઉ અલગ કચ્છની માંગ સાથે આંદોલનો થયા તેમ હવે કચ્છના લોકોને કચ્છમાં સલામત રીતે રહેવા માટે આંદોલન કરવું પડશે તેવી સ્થિતિ ઉભી થાય તો નવી નવાઈ નહીં કહેવાય...

Comments