Trending News
સ્થાનિક સમાચાર

ઝારખંડથી રોજગારી માટે મુંદરા આવેલા પરપ્રાંતિય યુવકની ઘાતકી હત્યા

04 September



સવારે આવ્યો અને રાત્રે બોથડ પદાર્થથી મોતને ઘાટ ઉતારી દેવાયો : બોરાણા રોડ પર આજે સવારે દેહ મળતા પોલીસને જાણ કરાઈ : પીએમ કરાવી પરિવારને જાણ કરવા સાથે અજ્ઞાત હુમલાખોરોને ઝડપી લેવા તપાસ તેજ : ઔદ્યોગીક વસ્તી બાદ મુંદરામાં વધી રહેલી ગુનાખોરીથી ચિંતા ફેલાઈ


મુંદરા : ઔદ્યોગીક નગરી મુંદરામાં પરપ્રાંતિય વસ્તી રોજગારી માટે આવે છે. જો કે આ સાથે ગુનાખોરીમાં પણ વધારો થયો છે. દેશી શરાબની બોલબાલા વધી છે અને ગંભીર પ્રકારના બનાવો વધતા લોકોમાં પણ ઉચ્ચાટ ફેલાયો છે. આ વચ્ચે ઝારખંડથી મજુરી માટે આવેલા યુવાનનું ખુન થતા ચકચાર ફેલાઈ હતી.
આ બાબતે મળતી વિગતો મુજબ વીર માણશી સર્કલથી બોરાણા જતા રસ્તા પર આવેલ કુવા નજીક આ બનાવ બન્યો હતો. આજે સવારે દસ વાગ્યા પછી લોકો પસાર થયા ત્યારે યુવાનનો દેહ જોયો હતો. જે મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. પીઆઈ આર. જે. ઠુમ્મર અને સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. દેહને પીએમ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પ્રાથમિક તબકકે જાણવા મળેલી વિગતો મુજબ હતભાગી ઝારખંડનો છે અને તેનું નામ ૧૯ વર્ષિય ઓમચંદ્ર માંજી હોવાનું સામે આવ્યું છે. મજુરીની શોધમાં બુધવારે સવારે તે મુંદરા આવ્યો અને રાત્રે તેનું ખુન થયું હતું. ઝઘડો થયા બાદ ઉશ્કેરાટમાં આવીને બોથડ પદાર્થ મારી હત્યા કરવામાં આવી અને દેહને આ સુચિત રોડ પર ફેંકી દેવામાં આવ્યો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. આ બનાવથી અરેરાટી ફેલાઈ હતી. પોલીસે પીએમના આધારે મોતનું કારણ જાણવા સાથે તેના પરિવારને જાણ કરવાની તજવીજ હાથ ધરી છે. મુંદરામાં કોના કહેવાથી આવ્યો હતો ? ગઈકાલે કોને કોને મળ્યો ? તે સહિતની દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. આ પ્રમાણેના બનાવો કચ્છમાં ઔદ્યોગીક વસ્તી આવ્યા બાદ ગુનાખોરી વધી હોવા પર પ્રકાશ ફેંકયો છે.

Comments

COMMENT / REPLY FROM