આખરે છઠ્ઠા દિવસે ભુજ પોલીસે મદદગાર આરોપીની ધરપકડ બતાવી
ભુજના ચકચારી વિદ્યાર્થિનીના હત્યા કેસમાં મુખ્ય આરોપીના રિમાન્ડ આજે પૂર્ણ થતા કોર્ટમાં કરાશે રજૂ : પોલીસ વિગતો જાહેર કરવાના બદલે છુપાવતી હોવાના આક્ષેપોથી ઉઠ્યા સવાલો
ભુજ : શહેરમાં સંસ્કાર કોલેજ બહાર વિદ્યાર્થિનીની હત્યા કરવાના ચકચારી બનાવમાં મદદગાર આરોપીની આખરે પોલીસે ધરપકડ બતાવી છે.
મુખ્ય આરોપી ગાંધીધામના મોહિત મુળજીભાઈ સિદ્ધપુરાએ મારો નંબર બ્લોકમાં કેમ નાખ્યો ? તેમ કહીં ગત ગુરુવારે સાંજે સાક્ષીના ગળાના ભાગે છરી ફેરવી હતી. જેનું સારવાર દરમિયાન મોડી રાત્રે મોત થયું હતું. મોહિતનો નંબર બ્લોક હોવાથી તે તેના મિત્ર જયેશ ઠાકોરને લઈને તેની બાઈક પર ભુજ આવ્યો અને કોલેજ બહાર ગાડી રાખી હતી. મોહિતનો નંબર બ્લોક હોવાથી જયેશે ફોન કરીને સાક્ષીને કોલેજ બહાર બોલાવી હતી. જે બાદ મોહિતે બનાવને અંજામ આપ્યો હતો. જયેશ બચાવવા માટે વચ્ચે પડતા તેને છરી વાગી હતી. જેથી તેને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. આરોપીની સાથે મદદગારીમાં રહેવા ઉપરાંત કોલેજમાંથી યુવતીને બહાર બોલાવવામાં જયેશનો હાથ હોવાથી તેને મદદગારીમાં ગણી હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. છ દિવસ સુધી તેની સારવાર ચાલી અને આખરે મંગળવારે પોલીસ દ્વારા તેની અટકાયત કરવામાં આવી હતી. દરમિયાન મુખ્ય આરોપી મોહિતના ચાર દિવસના રિમાન્ડ આજે બુધવારે પૂર્ણ થતા તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. કચ્છ સહિત રાજ્યમાં ચકચાર જગાવનારા આ કેસમાં ભુજ એ-ડિવિઝન પોલીસની ધીમી ગતિની કામગીરી સામે લોકોએ સવાલ ઉઠાવ્યા છે. આરોપી મોહિતને હોમગાર્ડ જવાને પકડ્યો હતો અને આ બનાવ પછી પોલીસ દ્વારા વિગતો આપવાના બદલે મોઢા પર તાળા મારી દેવામાં આવ્યા છે. જેથી પોલીસની કામગીરી સામે લોકો સવાલો ઉઠાવી રહ્યા છે. ખરેખર આવા કેસોમાં પોલીસે ધાક બેસાડતી કાર્યવાહી કરવી જોઈએ. આ બનાવ પછી કોલેજ, યુનિવર્સિટી અને શૈક્ષણિક સંસ્થાઓ આસપાસ પોલીસ પેટ્રોલિંગ સહિતની માંગો ઉઠી છે પરંતુ તેની પર યોગ્ય અમલીકરણ થયું નથી જે પણ એક હકીકત છે.
.............
ભુજમાં છાત્રાની હત્યા બાદ કોલેજોમાં કડક સુરક્ષા પગલાં લેવા તાકીદ
કચ્છ યુનિવર્સિટીના કુલસચિવ દ્વારા સીસીટીવી, કાઉન્સેલિંગ અને સ્વબચાવ
તાલીમની વ્યવસ્થા કરવા કોલેજોને આદેશ
ભુજ : અહીંની સંસ્કાર કોલેજમાં અભ્યાસ કરતી એક છાત્રાની કરૂણ હત્યાની ઘટનાએ સમગ્ર જિલ્લામાં ચિંતાનો માહોલ સર્જ્યો છે. આ બનાવને પગલે કચ્છ યુનિવર્સિટીના કુલસચિવ દ્વારા જિલ્લાના તમામ કોલેજો તથા અનુસ્નાતક ભવનોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવા તાત્કાલિક આદેશો આપવામાં આવ્યા છે. આદેશ અનુસાર, દરેક કોલેજમાં સીસીટીવી કેમેરા સ્થાપિત કરવા, વિદ્યાર્થીઓની સલામતી માટે યોગ્ય વ્યવસ્થા ઉભી કરવાની તેમજ કોઈ અનિચ્છનીય ઘટના બને તો તાત્કાલિક નજીકના પોલીસ મથકને જાણ કરવાની ફરજિયાતી કરવામાં આવી છે. સાથે જ, આવી પરિસ્થિતિમાં શું કરવું, સ્વબચાવ કેવી રીતે કરવો અને તાત્કાલિક પોલીસને જાણ કેવી રીતે કરવી તે અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાનું પણ જણાવાયું છે. વિદ્યાર્થીઓમાં સર્જાયેલા માનસિક તણાવને દૂર કરવા માટે મનોવૈજ્ઞાનિક તજજ્ઞોને બોલાવી કાઉન્સેલિંગ યોજવાનું અને સ્વબચાવ તાલીમના કાર્યક્રમો દ્વારા તેમને આત્મવિશ્વાસ આપવાનો પણ આદેશમાં ઉલ્લેખ કરવામાં
આવ્યો છે.

Comments