..તો કચ્છમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ભાજપ માટે બનશે કપરા ચઢાણ સમાન
અતિ આત્મવિશ્વાસમાં રાચતા આગેવાનોને કાબૂ નહીં કરાય
કચ્છમાં ઉદ્યોગો અને પવનચક્કીઓના આગમન બાદ સત્તાપક્ષના કેટલાક હોદ્દેદારોએ ગ્રામજનોના હિતના બદલે અંગત સ્વાર્થને આપ્યું છે પ્રાધાન્ય : કચ્છના ગ્રામિણ ક્ષેત્રમાં સ્વાર્થી કાર્યકર્તાઓના પાપે પાર્ટીનો જનાધાર થઈ રહ્યો છે કમજોર : વહીવટી તંત્રના કેટલાક અધિકારીઓ પણ સતાપક્ષના અમુક હોદ્દેદારોની સતત દખલગીરીથી ખફા
સંગઠનના પીઢ હોદ્દેદારો પાણી પહેલા પાળ નહીં તો આગામી ચૂંટણીમાં મત પેટીમાં દેખાશે વિપરીત પરિણામ : ભાજપની જેમ કોંગ્રેસ પણ જિલ્લા પ્રમુખ પદે આહિરની નિમણુંક કરી છે... ત્યારે હાલ જિલ્લા વિવિધ પ્રશ્નો લોકો સમક્ષ મુકવામાં આવી રહ્યા છે.... તે પણ એક ચર્ચાના પ્રશ્ન બન્યો છે....
કચ્છના પ્રાણ પ્રશ્નો, ખેડૂતો અને માલધારીઓની સમસ્યા, શિક્ષક ભરતી અને બેરોજગારી જેવા મુદ્દાઓ સાથે બન્ને પ્રમુખ વિપક્ષી દળો કચ્છવાસીઓનો વિશ્વાસ જીતવા લગાવી રહ્યા છે એડી ચોટીનું જોર જેની સામે સત્તા પક્ષ ભાજપમાં પક્ષ કરતા પોતાના
ગૃપને વધુ મજબુત કરવા હુ તું અને રતનીયો જેવો તાલ...
સ્વરાજ્યની ચુંટણીના બ્યુગલ બહુ દુર નથી ત્યાં જિલ્લામાં કોંગ્રેસ અને આપ સંગઠનને વધુ મજબૂત કરવા થયા સક્રિય : કચ્છમાં કોંગ્રેસને મજબૂત કરવા થયા સક્રિય : કચ્છમાં કોંગ્રેસને મજબૂત કરવા પાર્ટી હાઈ કમાન્ડે ફરી અનુભવી નેતાને સુકાન સોપતા કાર્યકર્તાઓ ઉત્સાહિત : સૌરાષ્ટ્રની બેઠક ઉપર આપ જીત્યા પછી અને ગત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મળેલા સમર્થનથી આપના કાર્યકરોમાં પણ નવું જોમ ઉમેરાયું
ભુજ : કચ્છ સહિત ગુજરાત રાજ્યમાં કોંગ્રેસ પાર્ટીએ સંગઠન સૃજન અભિયાન સાથે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તૈયારીઓ આરંભી છે. ગત વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામો કોંગ્રેસ માટે નિરાશાજનક રહ્યા બાદ તાત્કાલિન પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપતા ગુજરાત પ્રદેશનો પદભાર અમિત ચાવડાને સોંપાયો છે. સાથે કચ્છ જિલ્લામાં કોંગ્રેસને ફરી મજબૂત કરવા પાર્ટી હાઈ કમાન્ડે પીઢ અને અનુભવી આહિર અગ્રણી વી.કે. હુંબલની પસંદગી કરી તેમને ફરીથી જિલ્લા પ્રમુખનો પદભાર સોંપ્યો છે. આ તરફ વી.કે. હુંબલે કોંગ્રેસ પ્રમુખ તરીકેની નવી ઈનિંગની ધુઆધાર શરૂઆત કરી છે. કચ્છને કનડતા પ્રશ્નો, ખેડૂતો, માલધારીઓ, શિક્ષક ભરતી સહિતના સાંપ્રત પ્રશ્નોને લઈ પ્રજાની વચ્ચે જવાની શરૂઆત કરી છે. કચ્છ કોંગ્રેેસે વિરોધી પાર્ટીઓને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, આગામી વિધાનસભાની ચૂંટણીઓ પૂર્વે થનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પોતાનો દેખા સુધારવા અને સતાપક્ષને કાંટાની ટક્કર આપવા કોંગ્રેસ એડીચોટીનું જોર અજમાવશે. બીજી તરફ દિલ્હીમાં સતાસુત્રો છિનવાયા બાદ આમ આદમી પાર્ટી સંગઠનને ગુજરાતમાં તેને મળતા આવકારને ધ્યાને લઈ ગુજરાતના પોતાના સંગઠનને વધુ મજબૂત કરવા કવાયત આદરી છે. ખાસ કરીને કચ્છ જિલ્લામાં આપનું નાનકડું સંગઠન સક્રિય રીતે લોકપ્રશ્નોને વાચા આપી રહ્યું છે. ગત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપ નોંધપાત્ર આવકાર પણ મળતા પાર્ટી સંગઠન ઉત્સાહથી છલકાઈ રહ્યું છે.
જ્યાં એકતરફ બન્ને પ્રમુખ વિપક્ષી પાર્ટીઓ કચ્છમાં સંગઠનને વધુ મજબૂત કરવાના પ્રયાસોમાં જોતરાઈ છે ત્યાં બીજીતરફ પંચાયતથી પાર્લામેન્ટ સુધીનું પ્રતિનિધિત્વ ધરાવતા સતાપક્ષ ભાજપમાં આંતરિક જુથવાદ વધ્યો છે. કેટલાક જન પ્રતિનિધિઓ અને સંગઠનના હોદ્દેદારો વચ્ચે સારાસારી ન હોવાનું સપાટીએ આપ્યું છે. ખાસ કરીને ગ્રામિણ વિસ્તારોમાં પાર્ટીની પક્કડ ધીમેધીમે કમજોર પડી છે. પશ્ચિમ કચ્છના સરહદી વિસ્તારોમાં માળખાગત સુવિધાઓની ભરમાર વચ્ચે પવનચક્કીઓ, થાભલા અને ઉદ્યોગોના આગમન બાદ સંગઠનના કેટલાક હોદ્દેદારોએ ગ્રામજનોના હિતના બદલે અંગત સ્વાર્થને પ્રાધાન્ય આપતા પાર્ટીનો જનાધાર કમજોર પડી રહ્યો છે. માત્ર અને માત્ર પોતાની તિજોરીઓ ભરવામાં રસ ધરાવતા કેટલાક હોદ્દેદારોના કરતૂતોના વિપરીત પરિણામો પાર્ટીને મતપેટીઓમાં જોવા મળશે તેવું સ્થાનિક રાજકીય સમીક્ષકો ચર્ચી રહ્યા છે.
કચ્છ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીને અભૂતપૂર્વ જન સમર્થન મળ્યું છે. ગત વિધાનસભા ચૂંટણીમાં છએ છ બેઠક ભાજપના ફાળે રહી હતી. લોકસભાની છેલ્લી આઠ ચૂંટણીઓમાં ભાજપને જીત મળી છે. ગ્રામ પંચાયતથી માંડી તમામ તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયત અને તમામ નગરપાલિકાઓના સતાસુત્રો ભાજપા પાસે છે ત્યારે ઓવર કોન્ફિડેન્સમાં આવી ગયેલ પાર્ટીના કેટલાક હોદ્દેદારો અને કાર્યકરો કચ્છના મતદારોને પોતાની જાગીર સમજી બેફિકર બન્યા છે. સૂત્રોનું માનીએ તો વહીવટી તંત્રના કેટલાક અધિકારીઓ સતાપક્ષના હોદ્દેદારોની સતત દખલગીરીથી કંટાળ્યા છે. ગાંધીધામ મનપા, નગરપાલીકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે સતાપક્ષ માટે પાણી પહેલા પાળ બાંધવાનો સમય છે તેવું રાજકીય સમીક્ષકો જણાવી રહ્યા છે. ગ્રામિણ ક્ષેત્રમાં વધીરહેલ નારાજગી-નજર અંદાજ કરવી સતાપક્ષને પાલવશે નહીં. આગ લાગે તે પહેલા કૂવો ખોદવા જિલ્લાના પીઠ કાર્યકર્તાઓ આગળ આવી ઓવર કોન્ફિડેન્સમાં રાચી રહેલા નવી પેઢીના યુવા કાર્યકર્તાઓને શિસ્તના પાઠ ભણાવે તે
જરૂરી છે.

Comments