ગાંધીધામમાં ક્રિકેટ સટ્ટાના ૧૩.૫૫ કરોડ ભાડાનાં ૧૯ બેંક એકાઉન્ટથી દુબઈમાં ટ્રાન્સફર કરનારો અમદાવાદથી ઝડપાયો
મોનુ સિંધી દુબઈથી આવી એરપોર્ટ નજીકની હોટેલમાં રોકાયો હતો, એસઓજીએ પકડી પાડ્યો : કચ્છમાં ગુનો કરીને બે વર્ષથી દુબઈ સ્થાયી હતો, આ કેસમાં મોનુનો ભાઈ પકડાઈ ચૂક્યો છે
ગાંધીધામ : ભાડાના એકાઉન્ટ ખોલાવીને ક્રિકેટ સટ્ટાના પૈસા દુબઈ ટ્રાન્સફર કરનારા આરોપીની સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (એસઓજી)એ ધરપકડ કરી હતી. કચ્છમાં સાઇબર ગુના આચરીને બે વર્ષથી દુબઈ સ્થાયી થયેલો મોનુ સિંધી દુબઈથી પૈસા લેવા આવ્યો હતો અને એરપોર્ટ પાસેની એક હોટેલમાં રોકાયો હતો. આરોપી વિરુદ્ધ ગાંધીધામમાં ક્રિકેટ સટ્ટાના રૂ.૧૩.૫૫ કરોડ ટ્રાન્સફર કરવાનો ગુનો નોંધવામાં આવ્યો હતો, જેમાં તેણે ભાડાંનાં ૧૯ બેંક એકાઉન્ટનો ઉપયોગ કર્યો હતો. આરોપી બે વર્ષથી ફરાર હતો અને તે દુબઈથી આવીને એરપોર્ટ નજીકની હોટેલમાં રોકાયો હતો.એસઓજીના પીએસઆઈ એમ. બી. ચાવડાને બાતમી મળી હતી કે, ક્રિકેટ સટ્ટાના કરોડો રૂપિયા દુબઈ ટ્રાન્સફર કરવા માટે આરોપી દિલીપ ઉર્ફે મોનુ સિંધી દુબઈથી આવ્યો છે. એટલું જ નહીં, મોનુ સિંધી એરપોર્ટ નજીક કોઈ હોટેલમાં રોકાયો હોવાની માહિતી પણ મળી હતી, જેથી તેમણે ડીસીપી રાહુલ ત્રિપાઠી તેમ જ એસીપી બી. સી. સોલંકીને જાણ કરી હતી, જેના આધારે તેમણે ટીમો બનાવીને એરપોર્ટ નજીકની હોટેલમાં તપાસ શરૂ કરી હતી.
તેમાંથી હોટેલ મહેર ઇનમાંથી દિલીપ ઉર્ફે મોનુ સિંધી રમેશભાઈ સંગતાણી (ઉં.૪૨, કચ્છ)ને ઝડપી લીધો હતો. તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે, મોનુ સિંધી અને તેનો ભાઈ નરેશ સંગતાણી ભાડાના બેંક એકાઉન્ટ રાખીને ક્રિકેટ સટ્ટાના કરોડો રૂપિયા દુબઈ ટ્રાન્સફર કરતા હતા. આ બંને ભાઈ વિરુદ્ધ ગાંધીધામના આદિપુર પોલીસ સ્ટેશનમાં ક્રિકેટ સટ્ટાના ૧૩.૫૫ કરોડ દુબઈ ટ્રાન્સફર કરવાનો ગુનો નોંધાયો હતો, જેમાં તેમણે ભાડાનાં ૧૯ બેંક એકાઉન્ટનો ઉપયોગ કર્યો હતો. આ કેસમાં મોનુનો ભાઈ નરેશ અગાઉ પકડાયો હતો અને તે હાલમાં જેલમાં છે. આ માહિતીના આધારે એસઓજીની ટીમે કચ્છ પોલીસને જાણ કરતા ત્યાંથી
પોલીસની એક ટીમ અમદાવાદ આવીને મોનુ સિંધીને સાથે લઈ ગઈ હતી.
..................
જો પોલીસે પકડ્યો ન હોત તો ૩ સપ્ટેમ્બરે દુબઈ ભાગી જવાનો હતો, રિટર્ન ટિકિટ પણ કરાવેલી હતી
મોનુ સિંધી બે વર્ષથી ફરાર હતો. તે અગાઉ ત્રણ વખત દુબઈથી અમદાવાદ આવ્યો હતો. અત્યારે પણ ૪ દિવસ
પહેલાં જ દુબઈથી ક્રિકેટ સટ્ટાના પૈસા લેવા માટે આવ્યો હતો. આટલું જ નહીં તેણે ૩ સપ્ટેમ્બરની રિટર્ન ટિકિટ પણ કરાવડાવી હતી. જો પોલીસે તેની ધરપકડ કરી ન હોત તો તે ૩ સપ્ટેમ્બરે પાછો દુબઈ ભાગી જવાનો હતો. જોકે મોનુને કચ્છ પોલીસ લઈ ગઈ છે.
.................................
મુંબઈથી સીમ કાર્ડ ખરીદી વાપરતો હતો અને
યુપીઆઈનો ક્યુઆર કોડ મોકલી પૈસા લેતો હતો
મોનુ સિંધી ક્રિકેટ સટ્ટાના પૈસા દુબઈ ટ્રાન્સફર કરવા માટે ૮ હજાર ભાડું આપીને એકાઉન્ટ ખોલાવતો હતો. જ્યારે તેમાં મોબાઇલ ફોન નંબર રજિસ્ટ્રેશન કરાવવા મુંબઈથી સીમ કાર્ડ ખરીદતો હતો. જ્યારે એકાઉન્ટધારક પાસેથી ડેબિટ કાર્ડ, ચેકબુક, પાસબુક સહિતની કિટ લઈ લેતો હતો. ત્યાર બાદ દુબઈમાં બેઠા બેઠા લોકોને ગૂગલ
પેથી ક્યુઆર કોડ મોકલીને પૈસા ટ્રાન્સફર કરતો હતો. મોનુ સિંધી તેના ભાઈ અને અન્ય સાગરિતો સાથે મળીને સાઇબર ફ્રોડ સ્કીમ ચલાવતો હતો.

Comments