સાક્ષીના ભણવાના સપના એક તરફી પ્રેમમાં અંધ બનેલા મોહિતે ચકનાચુર કર્યા
આજે બપોર બાદ આરોપીને રિમાન્ડ માંગ સાથે કોર્ટમાં રજૂ કરાશે : ફોન કરીને વિદ્યાર્થિનીને કોલેજની બહાર બોલાવનાર સહ આરોપી હજુ પણ જી.કે.માં દાખલ : આરોપી સામે ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવી તાત્કાલિક સજાની માંગ બુલંદ બની
ભુજ : શહેરમાં સંસ્કાર કોલેજની બહાર ગુરુવારે સાંજે વિદ્યાર્થિનીનું છરી વડે ગળુ કાપી ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આ બનાવમાં મુખ્ય આરોપી ગાંધીધામના ભારતનગરના રર વર્ષિય મોહિત મૂળજીભાઈ સિદ્ધપુરાની ધરપકડ કરવામાં આવી છે, જેને આજે બપોર બાદ રિમાન્ડની માંગ સાથે એ-ડિવિજન પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ બનાવમાં સહ આરોપી જયેશ ઠાકોર હોસ્પિટલમાં દાખલ છે. જેની ધરપકડ હવે કરવામાં આવશે. હત્યા કેસના એક માત્ર નજરે જોનારા સાક્ષી જયેશ ઠાકોરના નિવેદન પર તપાસનો દારોમદાર રહેલો છે. આ અંગે જાણવા મળતી વિગતો મુજબ વર્ષ ર૦રર મા સુરતમાં ગ્રીષ્મા વેકરિયા નામની યુવતીનું ગળુ કાપી હત્યા કરવામાં આવી હતી. આવી જ ઘટના ભુજ બની છે. એક મહિના પહેલા ગાંધીધામથી અભ્યાસ માટે ભુજ આવેલી અને ભાનુશાલી હોસ્ટેલમાં રહેતી અને સંસ્કાર કોલેજમાં અભ્યાસ કરતી ૧૯ વર્ષિય વિદ્યાર્થિની સાક્ષી જેઠાલાલ ખાનીયાની ગળુ કાપી હત્યા કરવામાં આવતા સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે. કોલેજ છુટ્યા બાદ વિદ્યાર્થિની બસમાં બેસીને હોસ્ટેલ જવાની હતી. જોકે, આરોપીએ જયેશ ઠાકોરે ફોન કરીને તેને કોલેજ બહાર બોલાવી જ્યાં અગાઉથી પ્રેમમાં અંધ બનેલો મોહિત સિદ્ધપુરા હાજર હતો અને મને બ્લોક કેમ કર્યો તેમ કહી ગળાના ભાગે છરી ફરાવી દેતા લોહી લુહાણ હાલતમાં સાક્ષીને સારવાર માટે લઈ જવામાં આવી હતી. જેનું સારવાર દરમિયાન મોત થતા મામલો હત્યામાં ફેરવાયો હતો. પોલીસે આરોપીને ઝડપી શુક્રવારે ઘટનાનું રિ-કન્ટ્રકશન કરાવ્યું હતું. જેમાં આરોપીએ હત્યા કરી પોતે પગપાળા રોડ તરફ ભાગી રીક્ષામાં બેસી ભાગી ગયો હોવાનું જણાવ્યું હતું. વિદ્યાર્થીઓના કહેવા પ્રમાણે બપોરે આરોપી કોલેજ કેમ્પસમાં આંટો મારી ગયો હોવાનું પણ સામે આવ્યું છે. ખરેખર કોલેજ કેમ્પસમાં બહારના વ્યક્તિ આવી જાય તે સુરક્ષા વ્યવસ્થામાં મોટી ચુક છે. આ બાબતે ગત રોજ એબીવીપી દ્વારા સંસ્કાર કોલેજમાં રજૂઆત કરાતા કોલેજ દ્વારા કેમેરા અને સિક્યુરીટી વધારવાની ખાતરી આપી ૧૦ દિવસમાં અમલીકરણ કરવામાં આવશે તેમ લેખિતમાં જણાવ્યું છે. જો અગાઉથી સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવામાં આવી હોત તો આ બનાવ કદાચ અટકી શકત. ગત રોજ ગાંધીધામમાં વિદ્યાર્થિનીની અંતિમ યાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને મૃતકની આત્માને શાંતિ મળે તે પ્રાર્થના કરવામાં આવી હતી. આ બનાવ બાદ ભુજમાં સંસ્કાર કોલેજ અને જાહેર સ્થળોએ પોલીસનું પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. દર વખતે ઘટના બને તે પછી જાગતી પોલીસ અગાઉથી તકેદારી રાખે તે પણ જરૂરી બની રહે છે. સોશિયલ મીડિયામાં પણ આ બનાવના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. સૌ કોઈને આરોપીને કડક સજા આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.
.................
ન્યાય માટે વિદ્યાર્થીઓ મેદાને : શિક્ષણ કાર્ય રાખ્યું બંધ
આદિપુરની તોલાણી આટ્ર્સ એન્ડ સાયન્સ કોલેજમાં ગત ર૬ ઓગસ્ટના એક વિદ્યાર્થી દ્વારા પ્રિન્સિપાલને થપ્પડ મારવામાં આવી ત્યારે આ બનાવના વિરોધમાં મોટી રેલી કાઢવામાં આવી અને તાત્કાલિક કોલેજોએ શિક્ષણ કાર્ય ટુંકાવી આવેદન પત્ર આપ્યો હતો પરંતુ જ્યારે ભુજમાં આ ગંભીર પ્રકારની ઘટનામાં દીકરીએ જીવ ગુમાવ્યો ત્યારે કોલેજો અને અધ્યાપકોના પેટનું પાણી હલ્યું નથી. જેથી વિદ્યાર્થીઓને મેદાને ઉતરવાનો વારો આવ્યો છે. કચ્છમાં પ્રથમ વખત કોલેજ બહાર આ પ્રમાણે વિદ્યાર્થિનીની હત્યા કરવામાં આવી છે. આ ઘટના બીજીવાર ન બને તે માટે વિદ્યાર્થીઓ સતત બે દિવસથી રેલી કાઢી રજૂઆતો કરી રહ્યા છે અને આજે સ્વૈચ્છિક ધોરણે શિક્ષણકાર્ય બંધ રાખ્યું છે પરંતુ યુનિવર્સિટી કે જિલ્લાની કોલેજો દ્વારા આ મુદ્દે કોઈ પ્રતિક્રિયા આપવામાં ન આવતા ચર્ચાઓ તેજ બની છે. ખરેખર કોલેજોએ પણ આગળ આવી આરોપીને કડક સજા થાય તે માટે રજૂઆતો કરવી જોઈએ.
..................
કોલેજ કેમ્પસમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવો અને અસામાજિક તત્ત્વોને ડામો
એબીવીપીના નેજા હેઠળ વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ રેલી કાઢી ડીવાયએસપી કચેરીએ કરી રજૂઆત
ભુજ : ગત રોજ એબીવીપી અને એનએસયુઆઈ દ્વારા કલેક્ટર, કુલપતિ અને સંસ્કાર કોલેજમાં રજૂઆત કરવામં આવી હતી. જે બાદ આજે એબીવીપીના નેજા હેઠળ કલેક્ટર કચેરીથી વિદ્યાર્થીઓએ મૌન રેલી શરૂ કરી જ્યુબિલી સર્કલ થઈ ડીવાયએસપી કચેરી ખાતે રજૂઆત કરી હતી.
વિદ્યાર્થીઓએ રજૂઆતમાં જણાવ્યું કે, આવી ઘટનાઓ વિદ્યાર્થીઓ અને પ્રોફેસર બન્નેમાં ભયનું વાતાવરણ ઊભું કરે છે. આરોપી સામે ફાસ્ટટ્રેક કોર્ટમાં કાર્યવાહી કરવામાં આવે, પીડિત પરિવારને ન્યાય મળે, શાળા કોલેજો બહાર પેટ્રોલિંગ વધારવામાં આવે, ખાસ કરીને બસ સ્ટેશન, કોલેજો અને યુનિવર્સિટી પાસે પોલીસ પહેરો રહે, મોટા કોલેજ કેમ્પસમાં આવતા-જતા લોકોની ઓળખ ચકાસવા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવે, અજાણ્યા લોકોને કેમ્પસમાં પ્રવેશ ન અપાય, યુનિવર્સિટી ખાતે કાયમી પોલીસ ચોકી શરૂ કરવામાં આવે, જિલ્લા શૈક્ષણિક સુરક્ષા સમિતિની રચના કરવામાં આવે, કોલેજ કેમ્પસ અને આજુબાજુ અસામાજિક તત્ત્વોની અવર-જવર રોકવામાં આવે, જિલ્લાસ્તરે શૈક્ષણિક સંસ્થાઓમાં બહેનોને સ્વરક્ષણની તાલીમ આપવામાં આવે તે સહિતની માંગો કરવામાં આવી છે, જો પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચિમકી આપવામાં આવી છે.
.................
ભુજના જાહેર માર્ગો પર હત્યારાનું કાઢો સરઘસ
શાળા અને કોલેજો ઉપરાંત બગીચાઓ પાસેથી આરોપીને ફેરવાય તો અન્ય લવર
મુછીયાઓ થાય ઘરભેગા : ભુજમાં પોલીસની ઓસરી રહેલી ધાક ફરી જમાવવી જરૂરી
ભુજ : કચ્છના પાટનગર કહેવાતા ભુજમાં હવે આરોપીઓને પોલીસની બીક રહી નથી. સરેઆમ મારામારી, હુમલા સહિતના બનાવો બની રહ્યા છે. ગુનેગારને ખોટું કરતા પહેલાં પોલીસની બીક હોવી જોઈએ. એક સમયે પશ્ચિમ કચ્છમાં ગુનેગારો પોલીસના નામથી ફફડતા હતા પરંતુ હવે ગુનેગારોને કોઈ બીક ન હોય તેવું ઉપરા ઉપરી બની રહેલી ઘટનાઓ પરથી જણાઈ રહ્યું છે.
ભુજની સંસ્કાર કોલેજ બહાર બનેલી ઘટનામાં કારણ જે હોય તે પરંતુ કાયદાની પકડ ઢીલી બને પછી આવા ગંભીર બનાવો બનતા હોય છે. આરોપી પાસે એવી હિંમત ક્યાંથી આવી કે ગાંધીધામથી ભુજ આવી યુવતી પર હુમલો કરી હત્યાના બનાવને અંજામ આપે. આવું કૃત્ય કરતા પહેલાં તેને પોલીસની બીક હોવી જોઈએ. ખરેખર આવા ગંભીર ગુનામાં આરોપીનું સરઘસ કાઢી તેને ફેરવવો જોઈએ જેથી લોકોને ખબર પડે કે, નિર્દોષ યુવતીનો હત્યારો આ છે.
ખાસ કરીને કોલેજો અને શાળા બહાર અને બગીચા પાસેથી સરઘસ કાઢવું જોઈએ જેથી પડ્યા પાથર્યા રહેતા આવારા તત્ત્વો અને લવરમુછિયાઓની શાન ઠેકાણે આવે તેવું
જાગૃત નાગરિકો જણાવી ભુજમાં પોલીસની ધાક ફરી મજબૂત બને તેવી માંગ કરી રહ્યા છે.
...............
ત્રણ બહેનોમાં બીજા નંબરની હતી સાક્ષી
ગાંધીધામના સોનલનગરમાં રહેતા જેઠાલાલ ખાનીયા (ભાનુશાલી) કરિયાણાની દુકાનમાં મજૂરી કામ કરતા હોવાનું જાણવા મળ્યું છે. તેમને ત્રણ દીકરી છે. જેમાં મોટી દીકરીએ અભ્યાસ કરી લીધો છે, જ્યારે બીજા નંબરની દીકરી સાક્ષી ભણવા માટે ગાંધીધામથી ભુજ આવી હતી અને સૌથી નાની દીકરી ધો.૬ મા અભ્યાસ કરે છે. દીકરીના નિધથી પરિવાર પર આભ તુટી
પડ્યું છે.
.................
આરોપી એસી રીપેરીંગનું કરે છે કામ
મુખ્ય આરોપી મોહિત ગાંધીધામમાં એસી રીપેરીંગનું કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે. તેના પિતા મજૂરી કામ કરે છે. એક જ સોસાયટીમાં રહેતા યુવક અને યુવતી વચ્ચે રહેલી મિત્રતાનો અંજામ મોત આવ્યું હતું.

Comments