કચ્છ માટે ૧૧૨૫ કિ.મી.ની નવી રેલવે લાઇનની માંગ
ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ અને રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ રેલવે મંત્રીને પત્ર લખી પ્રોજેક્ટને મંજૂરી આપવા કરી રજુઆત
ભુજ : કચ્છ અને સૌરાષ્ટ્રના ધાર્મિક, ઐતિહાસિક અને પર્યટન સ્થળોને જોડતી નવી રેલવે લાઇનની માગણી ભુજના ધારાસભ્ય કેશુભાઈ એસ. પટેલ અને રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ કરી છે.
તેમણે કેન્દ્રના રેલવે મંત્રી અશ્વિનીકુમાર વૈષ્ણવને પત્ર લખીને અમદાવાદ, લોથલ, ચોટીલા, હળવદ,
પલાંસવા, રાપર, ધોળાવીરા, માતાનો મઢ, નારાયણ સરોવર, નલિયા, માંડવી, મુન્દ્રા, અંજાર સહિતના વિસ્તારોને આવરી લેતા આશરે ૧૧૨૫ કિ.મી. લાંબા રેલ માર્ગને તાત્કાલિક મંજૂરી આપવા વિનંતી કરી છે. ધારાસભ્યોએ કરેલી રજુઆતમા જણાવ્યું હતું કે, કચ્છના ધાર્મિક તથા પર્યટન સ્થળો જેમ કે મમાયમોરા માતાજીનું મંદિર, રવેચી માઁ મંદિર, માતાનો માઢ આશાપુરા માતાજી મંદિર, ધોળાવીરા હેરિટેજ સાઇટ અને નારાયણ સરોવર દર વર્ષે હજારો પ્રવાસીઓને આકર્ષે છે. જો આ સ્થળો સીધા રેલવે નેટવર્ક સાથે જોડાશે તો પ્રવાસીઓની સંખ્યા અનેક ઘણી વધી શકે છે, જેનાથી સ્થાનિક અર્થતંત્રને ગતિ મળશે. તે ઉપરાંત, આ રેલ લાઇન સુરક્ષા દૃષ્ટિકોણથી પણ મહત્વપૂર્ણ છે. નવો રૂટ ભારતીય સુરક્ષા એજન્સીઓ માટે વ્યૂહાત્મક માર્ગ તરીકે ઉપયોગી સાબિત થઈ શકશે, જે દેશની સીમાઓને વધુ સુરક્ષિત બનાવશે. આ રેલવે પ્રોજેક્ટથી પ્રવાસન ઉદ્યોગને ગતિ મળશે, પ્રતિવ્યક્તિ આવકમાં વધારો થશે, લોકોના જીવન માપદંડમાં સુધારો થશે અને સુખ-સમૃદ્ધિમાં વધારો થશે. સાથે ગુજરાત અને દેશના જીડીપીમાં વૃદ્ધિ થશે. આ પ્રોજેક્ટ કચ્છ અને સૌરાષ્ટ્ર માટે ગેમચેન્જર સાબિત થશે. ધારાસભ્યએ અંતે આશા વ્યક્ત કરી કે, આ બહુહેતુક રેલ લાઇન માત્ર ગુજરાત નહીં પરંતુ સમગ્ર દેશના વિકાસ માટે લાભકારી સાબિત થશે.

Comments