Trending News
સ્થાનિક સમાચાર

સંસ્કાર કોલેજમાં અભ્યાસ કરતી ગાંધીધામની વિદ્યાર્થિનીનું કોલેજ બહાર ગળુ કાપી કરપીણ હત્યા

29 August

સુરતની ગ્રીષ્મા વેકરિયા જેવી ઘટના ભુજમાં બનતા ફેલાઈ ચકચાર 




ગઈકાલે સાંજે કોલેજ છૂટ્યા બાદ રોડ પર બન્યો બનાવ : ઘાયલ વિદ્યાર્થિનીએ આજે સવારે દમ તોડતા આરોપી સામે હત્યાનો ગુનો દાખલ કરાયો 
’

કેટલીક શાળાઓના અમુક બની બેઠલા શિક્ષકો તો કેટલીક કોલેજાના અમુક બની બેઠેલા પ્રોફેસરો પણ ખૂબ રૌફ જમાવતા ફરતા રહેતા હોય છે, તેઓને પણ ડોન બનવાના ખુબ અભરખાઓ હોય છે, વિદ્યાર્થીઓની સાથે ખુબજ તોછડાઈપૂૃવક અને રૌફથી વર્તતા હોય છે, જાણતા અજાણતા આવા ડોન બનવા ઈચ્છતા પ્રોફેસરો વિદ્યાર્થીઓની લાગણીને ઠેસ પહોચાડી જતા હોય છે, આવા અમુક-શિક્ષકો અને પ્રોફેસરોને પણ જમીન પર ચાલતા કરવા હોય છે જરૂરી : શાળા મેનેજમેન્ટ, ટ્રસ્ટીગણો વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો બન્નેના વર્તનો બાબતે સરખું ધ્યાન આપી સમયાંતરે જરૂરી સુચનો કરતા રહે તે પણ છે સમયની માંગ



ભુજ : શાળા-કોેલેજોમાં હિંસક હુમલાની વધતી ઘટનાઓ વચ્ચે ભુજમાં બનેલા બનાવે સૌને સ્તબ્ધ કરી દીધા છે. ભુજની સંસ્કાર કોલેજ બહાર કોલેજની વિદ્યાર્થિનીનું ગળુ કાપી હત્યા કરવામાં આવી હતી. આરોપી સામે ચારેય તરફથી ફીટકાર વરસી રહ્યો છે. 
આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ ભુજની ભાનુશાલી હોસ્ટેલમાં રહેતી અને સંસ્કાર કોલેજમાં બીસીએના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી યુવતીની હત્યા કરવામાં આવી હતી. આ યુવતી મૂળ ગાંધીધામના ભારતનગરમાં રહે છે અને અભ્યાસ માટે ભુજ આવી હતી. ગુરુવારે કોલેજનો સમય પૂર્ણ થયા બાદ કોલેજથી બહાર આવતા રોડ પર આ બનાવ બન્યો હતો. આરોપી ગાંધીધામના ભારતનગરમાં તેની જ સોસાયટીમાં રહેતા મોહિત મુળજી સિદ્ધપુરા નામનો યુવક આ યુવતીને મળવા માટે આવ્યો હતો. ભુજમાં ભણવાનું મુકીને ગાંધીધામ આવવા માટે યુવતી સાથે બોલાચાલી કરી ઉસ્કેરાઈને ગળાના ભાગે છરી ફેરવી ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડતા લોહીં લુહાણ થઈ હતી. 
આરોપી મોહિત સાથે આવેલો તેનો મિત્ર મેઘપર (બોરીચી)નો જયેશ જયંતીજી ઠાકોર બચાવવા માટે વચ્ચે પડતા તેને પણ છરી વડે ઈજાઓ થઈ હતી. ગુનાને અંજામ આપી આ મોહિત પગપાળા ભાગી ગયો હતો. બન્ને યુવક અને યુવતી લોહી-લુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. જેઓને તાત્કાલિક સારવાર માટે જી.કે.માં દાખલ કરવામાં આવ્યા હતા. ૧૯ વર્ષિય સાક્ષીબેન જેઠાલાલ ખાનિયા (ભાનુશાલી)ને ગળાના ભાગે ગંભીર ઈજાઓ થતા તાત્કાલિક જી.કે.માં ઓપરેશન કરવામાં આવ્યું હતું. બાદમાં તેને ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર માટે લઈ જવામાં આવી હતી. ઓપરેશન સફળ રહ્યું હતું પરંતુ ગળાના ભાગે છરી વાગતા પુષ્કળ પ્રમાણમાં લોહી વહી જવાના કારણે આ યુવતીનું મોડી રાત્રે કરૂણ મોત થતા ગમગીની ફેલાઈ જવા પામી હતી. આ બનાવમાં ગત રાત્રે યુવતીના પિતા જેઠાલાલ હેમરાજભાઈ ખાનિયાએ મોહિત અને જયેશ સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરાવ્યો હતો. પોલીસે હવે હત્યાની કલમનો ઉમેરો કરવાની તજવીજ હાથ ધરી છે. 


.....................


શિક્ષણ ક્ષેત્રને શર્મશાર કરતી ઘટનાઓ અટકાવી જરૂરી


કચ્છમાં વિદ્યાર્થીઓની ઘાતક માનસીકતા ચિંતાપ્રેરક :
છાશવારે બનતી ઘટનાઓ તંત્રની નિષ્કાળજીનો પુરાવો



શિક્ષણધામો-સ્કુલોને વ્યાપારીકરણના હાટડા બનતા અટકાવવાની દીશામાં સૌ કોઈએ આગળ આવવુ પડશે : જે રીતે વિદ્યાર્થીઓ-પ્રાફેસર-પ્રીન્સીપાલ પર હુમલાઓ થઈ રહ્યા છે તે કયાંક ને કયાંક જે-તે પ્રતિષ્ઠાનોની પણ લાપરવાહીની ખાઈ જાય છે ચાડી : વ્યાપારીકરણના આંધણા અનુકણમાં પડી ગયેલા શિક્ષણ સંકુલો શાળામાં અભ્યાસને પ્રાથમીકતા આપવાનું વિસરી રહ્યા છે તેવુ તો નથી ને..!


શાળાઓમાં વાલી સમીતી, શિસ્ત સમીતીઓ ફરજીયાત બનાવો, શાળાના તમામે તમામ નીતીવિષયક નિર્ણયોમાં શિસ્ત-વાલીઓની હાજરી હોય, વાલી તેનાથી જાણકાર રહે તે માટે આમ કરવુ જરૂરી : જો આમ થશે તો જ વિદ્યાર્થીઓના શિક્ષણ, ભણતર તથા સલામતી અને સુરક્ષાને લઈને પણ સંકુલ-પ્રતિષ્ઠાનો ચોકકસથી કડકાઈ દાખવતા થશે અને આવી ઘટનાઓ બનતી અટકશે : શાળાઓમાં વિદ્યાર્થીઓના મનોવેજ્ઞાનીક રીતે કાઉન્સેલીંગ સમયાંતરે થાય તે જોવુ પણ જરૂરી

ગાંધીધામ : કચ્છના શિક્ષણ જગતને શર્મશાર કરતી કેટલીક ઘટનાઓ ઉપરાછાપરી સતત બનવા પામી રહી છે. ઘટનાઓ બને અને તે બન્યા બાદ અટકી જાય તો તેમાં તંત્ર અને જવાબદારો સક્રીય થઈ ગયા હોવાનો આપોઆપ વર્તારો મળે પરંતુ કચ્છમાં જ અમદાવાદ બાદ ફરી ફરીને શાળાઓની બહરા કે શાળામાં વિદ્યાર્થીઓના એક બીજા પર ઘાતક હુમલા કરવાની ઘટનાઓના પ્રમાણ વધી રહ્યા છે. દરમ્યાન જ હવે ભુજની સંસ્કાર કોલેજ સલગ્ન જે ઘટના બનવા પામી છે તેણે તો શિક્ષણ જગતને શર્મશાર કરવામાં કંઈ જ બાકી જ ન રાખ્યુ હોય તેવી સ્થિતી સર્જી દીધી છે. આ ઘટના હકીકતમાં કચ્છના શિક્ષણ જગત, પ્રશાસન, તંત્ર, વાલીઓ સહિતનાઓએ ને માટે આત્મખોજનો અવરસ જ બનવા પામી રહી છે. પ્રબુદ્ધવર્ગ કહી રહ્યો છે કે, શિક્ષણધામો-સ્કુલોને વ્યાપારીકરણના હાટડા બનતા અટકાવવાની દીશામાં સૌ કોઈએ આગળ આવવુ પડશે. જે રીતે વિદ્યાર્થીઓ-પ્રાફેસર-પ્રીન્સીપાલ પર હુમલાઓ થઈ રહ્યા છે તે કયાંક ને કયાંક જે-તે પ્રતિષ્ઠાનોની પણ લાપરવાહીની ચાડી ખાઈ જાય છે. વ્યાપારીકરણના આંધણા અનુકણમાં પડી ગયેલા શિક્ષણ સંકુલો શાળામાં અભ્યાસને પ્રાથમીકતા આપવાનું વિસરી રહ્યા છે તેવુ તો નથી ને..? આ સવાલ પણ હવે સૌને થવો જ જોઈએ. 
શાળાઓમાં વાલી સમીતી, શિસ્ત સમીતીઓ ફરજીયાત બનાવો, શાળાના તમામે તમામ નીતીવિષયક નિર્ણયોમાં શિસ્ત-વાલીઓની હાજરી હોય, વાલી તેનાથી જાણકાર રહે તે માટે આમ કરવુ જરૂરી જણાઈ રહ્યુ છે. જો આમ થશે તો જ વિદ્યાર્થીઓના શિક્ષણ, ભણતર તથા સલામતી અને સુરક્ષાને લઈને પણ સંકુલ-પ્રતિષ્ઠાનો ચોકકસથી કડકાઈ દાખવતા થશે અને આવી ઘટનાઓ બનતી અટકશે . શાળાઓમાં વિદ્યાર્થીઓના મનોવેજ્ઞાનીક રીતે કાઉન્સેલીંગ સમયાંતરે થાય તે જોવુ પણ જરૂરીબની રહ્યુ છે.

........................


પ્રેમ સબંધમાં યુવતીની હત્યા કરવામાં આવી હોવાનું ખુલ્યું 


ભુજની કોલેજમાં ભણવાનું છોડી પરત ગાંધીધામ આવી જવાનું કહેતા યુવતીએ ના પાડી : ઈન્સ્ટ્રાગ્રામ અને ફોનમાં નંબર બ્લોક કરી નાખતા ભુજ આવીને કરૂણ બનાવને અંજામ અપાયો : ડીવાયએસપીએ આપી માહિતી 



ભુજ : ભુજની સંસ્કાર કોલેજ બહાર યુવતી પર હુમલો અને બાદમાં મોત નિપજતા સમગ્ર મામલો હત્યામાં ફેરાવાયો છે. આ બનાવ અંગે પોલીસ દ્વારા સતાવાર વિગતો જાહેર કરવામાં આવી હતી, જેમાં ભુજ ડીવાયએસપી આર.ડી. જાડેજાએ જણાવ્યું કે, સંસ્કાર કોલેજ ખાતે અભ્યાસ કરતી ૧૯ વર્ષિય સાક્ષીબેન ખાનિયાને ગાંધીધામમાં તેમના ઘર પાસે રહેતા મોહિત મુળજીભાઈ સિદ્ધપુરા નામના યુવક સાથે પ્રેમ સબંધ હતો. આ વિદ્યાર્થિની ભુજ ખાતે અભ્યાસ કરે છે. આરોપીએ ભુજમાં અભ્યાસ મુકી પરત ગાંધીધામ આવી જવા કહેતા યુવતીએ ના પાડી હતી. આ બાબતે માતાને વાત કરતાં નંબર બ્લોક કરી નાખવા કહ્યું હતું, જેથી નંબર બ્લોકમાં નાખતાં આરોપી ઉશ્કેરાયો અને મિત્ર જયેશને સાથે લઈ ગાંધીધામથી ભુજ આવ્યો હતો. કોલેજ બહાર આવી જયેશએ ફોન કરી સાક્ષીને બહાર બોલાવી ત્યારે મોહિત સાથે હતો અને નંબર કેમ બ્લોક કરી નાખ્યો અને પરત ગાંધીધામ આવી જવા કહેતા યુવતીએ ના પાડી હતી. જેથી ઉશ્કેરાઈને ગળામાં છરી મારતા ગંભીર ઈજાઓના કારણે સારવાર દરમિયાન મોત થયું હતું. જયેશ હોસ્પિટલમાં દાખલ છે. એ ડિવિઝનમાં હત્યાની કોશિષનો ગુનો દાખલ કરાયો હતો. યુવતીનું મોત થતાં હત્યાની કલમ ઉમેરવામાં આવી છે. આરોપીને ભુજ એ ડિવિઝન પોલીસના હવાલે ક રવામાં આવ્યો હોવાનું ઉમેર્યું હતું. 


....................


બનાવ એટલો ગંભીર કે સ્થળ પર લોહીના ખાબોચીયા 


બનાવ એટલો ક્રુર હતો કે સ્થળ પર લોહીના ખાબોચીયા ભરાઈ ગયા હતા. આરોપી મોહિતે જનૂની પૂર્વક સાક્ષીના ગળામાં છરીનો ઉંડો ઘા મારતા ઈજાથી કણસતી યુવતી પોતાનું ગળું પકડીને નીચે બેસી ગઈ હતી. અન્ય વિદ્યાર્થીઓ ત્યાંથી નીકળ્યા અને ખબર પડતા તાત્કાલિક અન્ય વાહન મારફતે તેને સારવાર માટે જી.કે.માં લાવવામાં આવી હતી. 


..............
એક મહિના પહેલા કોલેજમાં મેળવ્યો હતો પ્રવેશ 


સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ યુવતીએ એક મહિના પહેલા ભુજની સંસ્કાર કોલેજમાં બીસીએના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવ્યો હતો તે હોસ્ટેલથી કોલેજ સુધી બસમાં અપડાઉન કરતી પરંતુ ગત રોજ તે બસમાં ગઈ ન હતી. 



......................

પગપાળા ભાગેલા મુખ્ય આરોપીને મોડી રાત્રે દબોચી લેવાયો 


ભોગ બનનાર સાક્ષીએ મોહિત સાથેના સંબંધો તોડી નાખ્યા હતા. જેથી મોહિતે તેના મિત્ર જયેશને સાથે રાખી બન્ને જણા ભુજ આવ્યા અને કોલેજ બહાર જઈ જયેશે ફોન કરી સાક્ષીને બહાર બોલાવી હતી. જેથી યુવતી આવી ત્યારે મોહિતે તેની સાથે બોલાચાલી કરી ઝઘડો કર્યો અને અચાનક છરી કાઢી હુમલો કરતા જયેશ વચમાં પડ્યો હતો. જેમાં તેને પણ છરી વાગતા જી.કે.માં દાખલ કરવામાં આવ્યો છે. હુમલાને અંજામ આપી બાઈક લઈને ભાગવાને બદલે આરોપી યુવક પગપાળા ભાગ્યો હતો. જેને મોડી રાત્રે ઝડપી લેવામાં આવ્યો હતો. જયેશે ફોન કરીને યુવતીને બહાર બોલાવી ગુનામાં મદદગારી કરી હોવાથી તેની સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 



......................


આરોપી યુવક સાથે મિત્રતા તોડતા બનાવને અંજામ આપ્યાનું પ્રાથમિક તારણ 


પોલીસની અત્યાર સુધીની તપાસ અને હોસ્પિટલમાંથી મળેલી વિગતો પ્રમાણે મુખ્ય આરોપી મોહિત અને ભોગ બનનાર યુવતી સાક્ષી ભારતનગરમાં એક જ સોસાયટીમાં રહે છે. જેથી બન્ને એક બીજાને ઓળખતા હતા અને મિત્રતા હતી. કોઈ કારણોસર યુવતીએ મોહિત સાથે બોલવાનું બંધ કર્યું હતું અને ગાંધીધામથી ભુજ ભણવા માટે આવી હતી. જેથી આરોપી યુવક ભુજ આવ્યો અને હોસ્ટેલ તરફ જતી સાક્ષીને અટકાવી ઈન્સ્ટાગ્રામમાં મને બ્લોક કેમ કર્યો ? તે સહિતની ચર્ચાઓ કરી ભુજમાં ભણવાનું મુકી ગાંધીધામ આવી જવા દબાણ કર્યું હતું. જોકે, યુવતીએ વાત માનવાનો ઈનકાર કરતા ઉસ્કેરાયેલા મોહિતે છરી વડે હુમલો કરી આ ગંભીર બનાવને અંજામ આપ્યો હતો. 


.......................


આરોપીને ફાંસીની સજાની માંગ 



ભુજની આ ઘટનાએ ર૦રર મા સુરત ખાતે બનેલા ગ્રીષ્મા વેકરિયા હત્યા કાંડની યાદ તાજી કરી છે. જેમાં ર૧ વર્ષિય ગ્રીષ્મા વેકરિયા નામની કોલેજીયન યુવતીની હત્યા કરવામાં આવી હતી. બ્રેકઅપ કરવા મુદ્દે પૂર્વ પ્રેમી ફેનિલ ગોયાણીએ સરાજાહેર ચાકુથી ગળુ વેતરી નાખતા યુવતીનું મોત થયું હતું. આ ગુનામાં સુરતની અદાલતે આરોપીને 
મૃત્યુ દંડની સજા ફટકારી હતી. ભુજમાં આ જ બનાવ બન્યો છે ત્યારે આરોપીને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. 


................

સમાજના આગેવાનો હોસ્પિટલમાં દોડી આવ્યા 


ભાનુશાલી સમાજની હોસ્ટેલમાં રહેતી અને અભ્યાસ કરતી યુવતી પર હુમલાની જાણ થતા ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં તાબડતોબ પરિવારજનો અને સમાજના આગેવાનો પહોંચી આવ્યા હતા અને આજે સવારે પીએમ દરમિયાન પણ સૌ કોઈ સાથે રહ્યા હતા. આ ઘટનામાં કડક પગલાં ભરવાની માંગ કરવામાં આવી હતી. દરમિયાન ગત રોજ સંસ્કાર કોલેજના આચાર્ય, ટ્રસ્ટીઓ, વિદ્યાર્થીઓ પણ હોસ્પિટલમાં પહોંચી આવ્યા હતા. આ બનાવને દુઃખદ ગણાવ્યો હતો. 

 

Comments

COMMENT / REPLY FROM