નેત્રા પીએચસીમાં ઓક્સિજનના અભાવે દર્દીનું મોત થતા આક્રોશ
ફરજ પરના કર્મીઓની બેદરકારીના કારણે દર્દીનું મોત થયાના આક્ષેપ : જવાબદારો સામે કડક પગલાં લેવા દર્દીના સ્વજનોએ કરી માંગ : ગ્રામજનો દ્વારા પીએચસીને તાળા બંધી કરવાની તજવીજ
નખત્રાણા : તાલુકાના નેત્રા ગામે આવેલી પીએચસી સેન્ટર ખાતે ફરજ પરના કર્મીઓની બેદરકારીના પગલે દર્દીનું મોત થતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. મૃતક દર્દીઓના સ્વજનોએ પીએચસીના ઈન્ચાર્જ અધિકારી સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. લોકોનો વિરોધ ભારે ઉગ્ર બનતા માહોલ ગરમાયો હતો.
આ અંગે સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત મુજબ ગઈકાલે નેત્રા પીએચસી ખાતે સારવાર લેવા પહોંચેલા દર્દીને ઓક્સિજનની જરૂર પડી હતી ત્યારે પીએચસીમાં ઓક્સિજનની વ્યવસ્થા હોવા છતાં ફરજ પરના ઈન્ચાર્જે ઓક્સિજન આપવાની ના પાડી દીધી હતી. દર્દીની હાલત ગંભીર બનતા દર્દીના સ્વજનોને નખત્રાણાથી ઓક્સિજન સિલિન્ડર મંગાવવાની ફરજ પડી હતી. દર્દીના સગા-વ્હાલાઓએ નખત્રાણાથી ઓક્સિજન મંગાવવા તજવીજ હાથ ધીર હતી તે દરમિયાન જ ઓક્સિજન સિલિન્ડર નેત્રા પહોંચે તે પહેલાં જ દર્દીનું મોત નીપજ્યું હતું. આરોગ્ય કેન્દ્રના ઈન્ચાર્જ અધિકારીની બેદરકારીના કારણે દર્દીનું મોત થયાના આક્ષેપ સાથે દર્દીના સગા-વ્હાલાઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને જવાબદારો સામે તાત્કાલિક પગલાં લેવા માંગ કરી હતી. દર્દીના મોતની ગમગીની વચ્ચે આરોગ્ય કેન્દ્રના જવાબદારો સામે આક્રોશ સાથે માહોલ ગંભીર બન્યો હતો. લોકોના આક્રોશ ઉગ્ર બનતા ભારે અફરાતફરી મચી ગઈ હતી.
આ અંગે નેત્રાના સરપંચ બહાદુરસિંહ જાડેજાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, નેત્રાનું સરકારી આરોગ્ય કેન્દ્ર શોભાના ગાંઠિયા સમાન જ છે. આ આરોગ્ય કેન્દ્ર પર કોઈ નિષ્ણાત તબીબ હોતા નથી. તેમજ સાપ કે કૂતરા કરડવાના બનાવ બને ત્યારે પણ લોકોને સ્થાનિકે લોકોને સારવાર મળતી નથી. એક વર્ષ અગાઉ પણ ઓક્સિજનના કારણે એક દર્દીનું મોત થયાની ઘટના બની હતી. જે-તે સમયે પણ ગ્રામજનો દ્વારા પીએચસી પર કાયમી તબીબ અને યોગ્ય સારવાર વ્યવસ્થા ગોઠવવા રજૂઆતો કરવામાં આવી હતી. આ આરોગ્ય કેન્દ્ર નેત્રા ઉપરાંત આસપાસના ૧૬ ગામોને સાંકડે છે. તેમ છતાં લોકોને સરકારી ધોરણે પુરતી સારવાર મળતી નથી. ઓક્સિજનના અભાવે દર્દીનું મોત થતા ફરી એક વખત લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે અને શોભાના ગાંઠિયા સમાન બની ગયેલ આરોગ્ય કેન્દ્રને તાળા બંધી કરવાનો ગ્રામજનોએ નિર્ણય કર્યો છે. પીએચસી સેન્ટર ખાતે ઉગ્ર બબાલના પગલે તાલુકા આરોગ્ય અધિકારી એ.કે. પ્રસાદ નેત્રા જવા નીકળ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

Comments