ભચાઉની જૈન સોસાયટીમાં તાળા તોડી ચોરીને અંજામ અપાયો
તહેવારોમાં બનેલી ઘટનાથી લોકોમાં ચિંતા ફેલાઈ : સીસીટીવી કેમેરાનો અભાવ
ભચાઉ : અહીં તહેવારના દિવસો દરમિયાન જૈન સોસાયટીમાં ચોરીની ઘટના બની જતા રોષ વ્યાપ્યો છે. આ બનાવમાં કેટલી માલમત્તા ગઈ છે તે જાણવા મળ્યું નથી પરંતુ ચોરીથી ઉચ્ચાટ ફેલાયો છે.
આ અંગે જાણવા મળતી માહિતી મુજબ એક તરફ જૈન સમાજના પર્યુષણ ચાલુ છે. તો બીજી તરફ લોકો ગણેશ મહોત્સવની ઉજવણીની તૈયારી કરી રહ્યા છે. તેવામાં ગત રાત્રિના મકાન માલિક નીચેના રૂમમાં સુતા હતા અને ઉપરના રૂમને તાળુ હતું તે કોઈ અજાણ્યા શખ્સોએ તોડી તેમાંથી ચોરી કરી ગયાની ઘટના બહાર આવતા લોકોમાં ભારે ચિંતા પ્રસરી છે. જોકે અવાર-નવાર આ વિસ્તારમાં નાની મોટી ચોરીઓના બનાવ બનતા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તો તહેવારો સમયે ચીલ ઝડપ સહિતની ઘટનાઓ ભૂતકાળમાં બની ગઈ છે ત્યારે નવા બસ સ્ટેશન પાછળ આવેલ જૈન સમાજ સોસાયટીમાં આ ઘટના બની હોવાની
જાણ થતા ભચાઉ વિસ્તારની પ્રજામાં ચર્ચા જાગી છે. જોકે આ બનાવ અંગે હજુ સુધી પોલીસમાં કોઈપણ જાતની નોંધ થઈ ન હોવાનું જાણવા મળેલ છે. તો હિંમતલાલ જેઠાલાલ મહેતાના ઘરમાં ચોરી થયાનું જાણવા મળેલ છે. આટલી મોટી સોસાયટી હોવા છતાં સીસીટીવી કેમેરા ન હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. પોલીસ દ્વારા પગલાં ભરવામાં આવે તે જરૂરી બની રહે છે.

Comments