કચ્છના નાની સિંચાઈ યોજનાના ડેમોના ઓગન ઉંચા કરવા જરૂરી
ભ્રષ્ટાચારનો પર્યાય બનેલી સુજલામ-સુફલામ યોજનામાં નાણાંના વેડફાટને બદલે
ખેડૂતો માટે આશીર્વાદરૂપ એવા ૧૭૦ ડેમોમાં જળસંગ્રહ વધારવા તજજ્ઞોનો મત : ખાણેત્રુ કરવાથી નીકળતી માટી જેટલા જ પાણીનો થઈ શકે સંગ્રહ : ઓગનની ઉંચાઈ એક મીટર વધે તો ડેમની ક્ષમતાના ૪૦ થી પ૦ ટકા પાણીનો વધુ થાય સંગ્રહ
સુજલામ - સુફલામના કામો વખતે પૂરતું સુપરવિઝન થતું ન હોવાથી ભ્રષ્ટાચારનો રહે છે અવકાશ : યોજના પાછળ સરકારનો હેતુ ઉમદા હોવા છતાં નથી મળતા ધાર્યા પરિણામ
પૂર્વ ધારાસભ્ય અને વિધાનસભાના પૂર્વ અધ્યક્ષા ડૉ. નિમાબેનના વખતમાં ભુજના ૩ ડેમોના ઓગન થયા હતા ઉંચા : ઓગન ઉંચા થતાં ત્રણેક ડેમો ખેડૂતો માટે બન્યા છે આશીર્વાદરૂપ
ભુજ : સરહદી સૂકા મુલક ગણાતા કચ્છ પ્રદેશ માટે પાણી એ સુવર્ણ સમાન કિંમતી જણસ છે. કુદરતી પાણી સ્ત્રોત અપુરતા હોવાથી અને કચ્છમાં એકય બારમાસી નદી ન હોવાના કારણે કચ્છમાં પાણીના સંગ્રહ માટે ભારે મથામણ કરવી પડે છે. કચ્છ જિલ્લામાં નાની સિંચાઈ યોજના હેઠળ ભૂતકાળમાં ૧૭૦ ડેમોનું નિર્માણ કરવામાં આવ્યું હતુું. ત્યારબાદ વિતેલા અઢી દાયકામાં સુજલામ - સુફલામ જેવી યોજના અંતર્ગત નાના-મોટા તળાવો, ખેત તલાવડી અને ચેકડેમો બનાવવામાં આવ્યા છે. દાયકાઓ અગાઉ બનેલા નાની સિંચાઈ યોજનાના ૧૭૦ ડેમો પૈકી મોટાભાગના ડેમોને વર્ષ ર૦૦૧માં આવેલા વિનાશક ભૂકંપમાં નુકસાન થયું હતું. જે-તે સમયે સરકારે મોટો ખર્ચ કરીને ડેમો અને કેનાલોનું સમારકામ કરાવ્યું હતું. ત્યારબાદ સમયાંતરે કચ્છમાં પાણીના સંગ્રહ માટે સરકાર દ્વારા સુજલામ - સુફલામ યોજના હેઠળ તળાવો અને ડેમોને ઉંડા ઉતારવા કામગીરી કરવામાં આવતી રહી છે, પરંતુ જળસંગ્રહ ક્ષેત્રના અનુભવી તજજ્ઞોના મત અનુસાર પાણીના સંગ્રહ માટે ડેમો ઉંડા કરવાના બદલે ડેમોના ઓગનને એકાદ મીટર ઉંચા કરવામાં આવે તો ડેમોની સંગ્રહશક્તિના ૪૦ થી પ૦ ટકા જેટલું વધુ પાણી સંગ્રહ કરી શકાય તેમ છે. ખાણેત્રુ કરવાથી સંગ્રહ શક્તિમાં ખાસો વધારો થતો નથી, પરંતુ તે કામ માટે થતા મોટા ખર્ચામાં વ્યાપક ભ્રષ્ટાચાર થાય છે.
કચ્છ જિલ્લામાં સુજલામ - સુફલામ યોજના હેઠળ ઘણા કામો માત્ર કાગળ પર જ થતાં હોવાની ફરિયાદો વખતોવખત ઉઠતી રહી છે. આ ઉપરાંત સુજલામ સુફલામની કામગીરી પર દેખરેખ રાખવા અનુભવી સ્ટાફની જરૂર પડે છે. જિલ્લા પંચાયતની સિંચાઈ શાખા પાસે ટેકનિકલ અનુભવી સ્ટાફની અછત હોવાથી યોજનાના કામો પર પૂરતું સુપરવિઝન થતું નથી, જેથી સારા કામોને ભ્રષ્ટાચાર નડી જાય છે. સુજલામ - સુફલામ યોજના પાછળ સરકારનો હેતુ ખૂબ ઉમદા હોવા છતાં ધાર્યું પરિણામ મળતું નથી.
પૂર્વ ધારાસભ્ય અને વિધાનસભાના પૂર્વ અધ્યક્ષા ડૉ. નિમાબેન આચાર્યના વખતમાં ભુજ તાલુકાના ત્રણ ડેમોના ઓગન એક-એક મીટર ઉંચા કરવામાં આવ્યા હતા. જે આ વિસ્તારના ખેડૂતો માટે આશીર્વાદરૂપ બન્યા છે. જાણકારોના મત અનુસાર કચ્છની નાની સિંચાઈ યોજનાના ૧૭૦ પૈકીની કોઈપણ યોજનામાં ટેકનિકલ રીતે શક્ય હોય ત્યાંં ઓગનને એક મીટર ઉંચા કરવામાં આવે અને માટી પાળાને ઉંચા કરવામાં આવે તો ડેમોની સંગ્રહશક્તિમાં વધારો થાય અને ખર્ચાયેલા નાણાં પણ લેખે લાગે. પાંચેક દાયકા જૂના નાની સિંચાઈના ડેમોના માટી પાળા મજબૂત હોવાથી ઉંચાઈ વધારવામાં કોઈ મોટી મુશ્કેલી પડે તેવું નથી તેવો મત તજજ્ઞો વ્યક્ત કરી રહ્યા છે.

Comments