ડ્રગ્સના દુષણને નાથવા માટે પૂર્વ કચ્છ પોલીસ હરહંમેશ કટિબદ્ધ
એસપી સાગર બાગમારની હાજરીમાં વધુ એક કરોડના ડ્રગ્સનો નાશ કરવામાં આવ્યો : પૂર્વ કચ્છના પાંચ પોલીસ સ્ટેશનના અલગ અલગ ર૭ ગુનામાં કબજે કરાયેલ ડ્રગ્સને લાકડીયાની કંપનીની ભઠ્ઠીમાં સળગાવી દેવાયું
ગાંધીધામ : પૂર્વ કચ્છ પોલીસ દ્વારા જિલ્લામાં ડ્રગ્સના દુષણને નાથવા માટે નો ડ્રગ્સ ઈન ઈસ્ટ કચ્છ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત પોલીસ દ્વારા વિવિધ સ્થળોએ તપાસ કરીને પોસડોડાથી માંડી મોંઘેરા હેરોઈન, કોકેઈન સહિતના ડ્રગ્સ ઝડપી પાડવામાં આવે છે ત્યારે આજે એસપી સાગર બાગમારની હાજરીમાં એક કરોડના ડ્રગ્સનો નાશ કરવામાં આવ્યો હતો. લાકડીયા પોલીસ મથક વિસ્તારમાં આવેલ સૌરાષ્ટ્ર એન્વાયરો પ્રાઈવેટ પ્રોજેકટ કંપનીમાં પૂર્વ કચ્છના પાંચ પોલીસ મથકે નોંધાયેલા એનડીપીએસના ર૭ ગુનામાં કબજે કરાયેલ નાર્કોટીકસ મુદામાલનો નિકાલ કરાયો હતો. જેમાં ગાંજો, ડ્રગ્સ, કોકેઈન, હેરોઈન, મેેફેડ્રોન સહિતનો મુદ્દામાલ સામેલ હતોે. એક કરોડની કિંમતના ડ્રગ્સને ધગધગતી ભઠ્ઠીમાં સળગાવી દેવામાં આવ્યું હતું. આ સમયે ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાબડા, એસઓજી પીઆઈ ડી. ડી. ઝાલા, લાકડીયા પીઆઈ જે. એમ. જાડેજા તેમજ પોલીસ સ્ટાફ જોડાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત રપ જુલાઈના ગુજરાતના ગૃહ રાજયમંત્રી હર્ષભાઈ સંઘવી કચ્છમાં હતા ત્યારે તેઓની હાજરીમાં ૮૭પ કરોડના ડ્રગ્સનો નાશ કરવામાં આવ્યો હતો. જેના એક મહિના બાદ પૂર્વ કચ્છ પોલીસે ફરી એજ કંપનીમાં એક કરોડના ડ્રગ્સને રાખમાં ફેરવી દીધું છે.

Comments