Trending News
સ્થાનિક સમાચાર

ગાયને રાજ્યમાતાનો દરજ્જો આપવા ભુજથી આંદોલનના મંડાણ

25 August



કલેક્ટર કચેરી સામે એકલધામના મહંત દેવનાથબાપુ સહિતના આગેવાનોએ ઉપવાસ આંદોલન શરૂ કર્યું, જ્યાં સુધી દરજ્જો નહીં મળે ત્યાં સુધી લડત યથાવત રહેશે 

ભુજ : વાગડની રણકાંધીએ આવેલા શક્તિપીઠ એકલધામના મહંત દેવનાથ બાપુ દ્વારા ગુજરાતમાં ગાયને રાજ્ય માતા જાહેર કરવાની માંગ સાથે ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ સંસ્થાઓને આગેવાનો દ્વારા ટેકો જાહેર કરવામાં આવ્યો છે. 
એકલધામના મહંત યોગી દેવનાથબાપુ દ્વારા આજે સોમવારથી ભુજની કલેક્ટર કચેરી સામે અચોક્કસ મુદ્દતનું ઉપવાસ આંદોલન શરૂ કરાયું છે. તેમણે ગૌમાતાને રાજ્ય માતા જાહેર કરવાની માંગ કરી છે. અગાઉ જુલાઈ મહિનામાં આ બાબતે જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું હતું. જે-તે વખતે ૧૦ દિવસમાં કાર્યવાહીની મહેતલ અપાઈ હતી પરંતુ દોઢ મહિનો થયો પણ સરકાર દ્વારા ગૌમાતાને રાજ્ય માતા જાહેર કરવા અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને સરકાર તરફથી કોઈ પ્રતિભાવ ન મળતા સંતો સાથે વિચારવિમર્શ કરી ઉપવાસ આંદોલન શરૂ કરી ગાય માતાને રાજ્ય માતા બનાવવા લડતને વેગવંતી બનાવવામાં આવી છે. કચ્છની સાથે ગુજરાતના સંતો ભુજ ખાતે આવી આંદોલનમાં જોડાઈ સંસ્થાઓ, ગૌરક્ષકો પણ ટેકો આપવા માટે આગળ આવી રહ્યા છે. 
આ બાબતે એકલધામના મહંત દેવનાથબાપુએ જણાવ્યું કે, સતયુગમાં આપણે ગાયનું દૂધ પીને ઉછર્યા છીએ અને કળયુગમાં પણ ગાયનું દૂધ પીને ઉછરી રહ્યા છીએ ત્યારે શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ગાયો રસ્તા પર રખડી રહી છે. પ્લાસ્ટિક અને કચરો ખાય છે, અકસ્માતમાં મૃત્યુ પામે છે, સનાતન ધર્મમાં ગૌમાતા પૂજનીય છે. તેમજ સારા કાર્યમાં પણ ગાયનું દૂધ અને ઘીનો પહેલો ઉપયોગ થાય છે, સરકારને રજૂઆતો કરી છતા કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી જેથી અન્નશન આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. શું આપણે ગાયને પૂજીએ છીએ તો રાજ્યમાતાનો દરજ્જો કેમ ન મળે. દરેક સનાતની ૩૦ વર્ષથી ગુજરાતમાં મત આપીને ભાજપને જીતાડીયે છીએ તો માંગ કેમ ન કરી શકીએ. વાત સાંભળવામાં આવતી નથી જેથી લોકશાહીમાં નક્કી કર્યું છે કે, સંતો અને સનાતનીઓ સાથે ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું છે. જ્યાં સુધી રાજ્યમાતાનો દરજ્જો નહીં મળે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે અને મોટી સંખ્યામાં સનાતનીઓ પણ જોડાય તેવી માંગ કરી હતી. ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ સમર્થન માટે ગૌપ્રેમીઓ ઉપવાસ પર બેઠા છે. દરેક જગ્યાએ ઉપવાસ આંદોલન કરી ટેકો જાહેર કરવામાં આવશે. આ આંદોલનમાં દેવનાથબાપુની સાથે મહંત કૃષ્ણાનંદજી ઉદાસીન, રવીગિરિજી મહારાજ, ચમનગિરિજી મહારાજ, ધનંજયગિરિ મહારાજ, કિશોરદાસજી મહારાજ, કૈલાશપુરી મહારાજ, મહંત હંશગિરિજી, મહંત રમેશગિરિજી, મહંત રઘુનાથગિરિ નારાયણ સરોવરના ગાદીપતિ સોનલ લાલજી મહારાજ, કૈલાશ ગુફાના ભારતબા સહિત વિવિધ સંતો-મહંતો તેમજ કિસાન સંઘના પૂર્વ પ્રમુખ શિવજીભાઈ બરાડિય, અશ્વિન શાસ્ત્રી-ખોંભડી, કરશન પટેલ, ગૌરક્ષા ફોર્સના કે.ડી.જાડેજા, આમ આદમી પાર્ટીના સંજયભાઈ બાપટ સહિતના આગેવાનો જોડાયા હતા. આ સાથે બાપાસિતારામ ડેવલોપમેન્ટ ટ્રસ્ટ, ગૌ સેવા સમિતિ ભુજ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, જીવદયા સર્વોપરી કચ્છ ફાઉન્ડેશન, ગૌરક્ષક ગ્રૂપ ભચાઉ, ગૌરક્ષક દળ મોરબી, શિવશક્તિ ગ્રૂપ દહીંસરા સહિતનાએ ટેકો જાહેર કર્યો છે.




.....................



હાજીપીર મુજાવર પરિવારે ટેકો આપ્યો 

કચ્છની રણકાંધીએ આવેલા અને કોમી એક્તાના પ્રતિક એવા હાજીપીર બાબા કે જેમણે ગરીબ મહિલાની હજારો ગાયોને કત્તલ ખાને લઈ જતા લૂંટારાઓ સામે જંગે ચડી ગાયોને બચાવી હતી અને લૂંટારાનો સામનો કરતા શહીદ થયા હતા. હાજીપીર દરગાહે મોટી સંખ્યામાં લોકો માથુ ટેકવવા આવે છે ત્યારે મુજાવર પરિવારના હાજી અબ્બાસ તેમજ દરગાહ સમિતિના પ્રમુખે સરકારને પત્ર લખી ગૌમાતાને રાજ્ય માતાનો દરજ્જો આપવા માંગ કરવા સાથે એકલધામના મહંતના ઉપવાસ આંદોલનને ટેકો જાહેર કર્યો છે.



.........


કોંગ્રેસ સહિત સંસ્થાઓએ પણ સમર્થન આપ્યું 

કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ વી.કે.હુંબલ, મુસ્લિમ અને કોંગ્રેસના અગ્રણી હાજી જુમાભાઈ રાયમા તેમજ પક્ષના આગેવાનોએ પણ આ લડતને ટેકો આપ્યો છે જ્યાં સુધી રાજ્યમાતાનો દરજ્જો ન મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. વિવિધ સંસ્થાઓ પણ સહયોગ આપવા માટે આગળ આવી રહી છે.

Comments

COMMENT / REPLY FROM