Trending News
સ્થાનિક સમાચાર

પર્યુષણ પર્વ : વાણી સંયમ દિવસની ભાવભીની ઉજવણી

23 August


ભુજ : પર્વાધિરાજ પર્યુષણની શ્રદ્ધામય ઉજવણી કચ્છભરમાં ચાલુ છે. ચોથા દિવસે વાણી સંયમ દિવસ તરીકે વિશેષ આરાધના કરવામાં આવી હતી. દેરાસરો તથા ઉપાશ્રયોમાં સવારથી જ શ્રાવક-શ્રાવિકાઓ એકઠા થઈને પ્રભુ આરાધનામાં લીન હતા. ગુરુ ભગવંતો તથા સાધ્વી ભગવંતોના માર્ગદર્શન હેઠળ વાણીની પવિત્રતા જાળવવાનો સંકલ્પ લેવાયો હતો.
ગુરુ ભગવંતો તથા સાધ્વીશ્રીજીએ પોતાના આશીર્વચનમાં કહ્યું હતું કે, વાણી મનુષ્યનું સૌથી શક્તિશાળી શસ્ત્ર છે. યોગ્ય વાણીથી હૃદય જીતી શકાય છે અને અયોગ્ય વાણીથી સંબંધ તૂટે છે. તેથી પર્યુષણના આ ચોથા દિવસે આપણે ઓછું બોલવાનો, મીઠું બોલવાનો અને સત્ય બોલવાનો સંકલ્પ લઈએ. સાધ્વી ભગવંતોએ સમજાવ્યું કે, વાણીનો સંયમ એ માત્ર મૌન જ નથી, પરંતુ તે હિંસક, કડવી, ખોટી અને નિરર્થક વાણીનો ત્યાગ કરીને મૃદુ, મીઠી, સત્ય અને કલ્યાણકારી વાણી ધારણ કરવાનો માર્ગ છે. ‘વાણી’ એટલે બોલેલા શબ્દો, અને ‘સંયમ’ એટલે નિયંત્રણ. એટલે કે આ દિવસે આપણે આપણાં બોલવામાં સંયમ લાવવાનો સંકલ્પ કરીએ છીએ. શબ્દોમાંથી અસીમ શક્તિ પ્રવાહિત થાય છે. શબ્દ કોઈનું જીવન બદલી શકે છે, તો ક્યારેક ઘા પણ આપી શકે છે. વાણીમાં મીઠાશ, નમ્રતા અને સત્યતા હોય તો તે ઉપચારક બની જાય છે અને ઉગ્રતા કે અહંકાર હોય તો સંબંધોને તોડી શકે છે.
માનવ જીવનમાં મોટાભાગના વિવાદો શબ્દોની અણઘડતાથી ઊભા થાય છે. ક્રોધભર્યું કે તીક્ષ્ણ વચન માણસને ઘેરી અસર કરે છે. નમ્ર અને સંયમિત ભાષા, પ્રેમાળ હૃદયનું પ્રતિબિંબ છે, જેથી મૌન પાલન કરવાનો પ્રયોગ (ઓછું બોલવું, શક્ય હોય તો પૂરેપૂરું મૌન), બોલતા પહેલાં વિચારવું કે મારું વાક્ય હિતકારી છે કે નહીં, અપશબ્દો, અતિશય ટીકા, અપ્રિય ચર્ચા, ખોટા દોષારોપણથી દૂર રહેવું અને શક્ય તેટલું પ્રશંસાત્મક, પ્રોત્સાહક અને નમ્ર શબ્દો વાપરવા જોઈએ.
જૈન શાસ્ત્રોમાં “મિથ્યા વાણી”નો ત્યાગ અને “સત્ય, પ્રિય, હિતકારી વાણી” અપનાવવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. વાણી સંયમ દિવસ એ જ આદર્શને વધુ ઘેરો બનાવવા માટેનો અવસર છે. આજની દોડધામભરી જિંદગીમાં માણસ વધારે બોલે છે, ઓછું સાંભળે છે. સોશિયલ મીડિયા, વ્હોટ્‌સએપ કે ચર્ચાઓમાં ઘણીવાર અણધાર્યા શબ્દો બોલાઈ જાય છે, જે પછી પસ્તાવો જ બાકી રહે છે. જો આપણે આ દિવસે એકાદ ક્ષણ વિચારીએ “હું કેટલું અનાવશ્યક બોલું છું?” “મારા શબ્દોથી બીજાને સુખ મળે છે કે દુઃખ?” તો જીવનમાં મૌન, સંયમ અને મીઠાશને સ્થાન આપી શકીએ. વાણી સંયમ દિવસ આપણને યાદ અપાવે છે કે વચન એ એક પ્રકારનું તીર્થ છે. તેને સ્વચ્છ રાખીએ, મધુર રાખીએ અને સંયમિત બનાવીએ એ જ સાચી આરાધના છે.
પર્યુષણ પર્વના આ પવિત્ર દિવસોમાં ભુજ તથા કચ્છભરના દેરાસરોમાં અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તપસ્યા અને ઉપવાસ : શ્રાવકો-શ્રાવિકાઓએ ઉપવાસ, એકાસણ, બિયાસણ, અઠ્ઠાઈ જેવી તપસ્યામાં શ્રદ્ધાભેર જોડાયા છે તો કોઈ કોઈ મહામૃત્યુંજય તપ અને સિધ્ધિતપ પણ કરી રહ્યાં છે સૌ શ્રાવક શ્રાવીકાઓ પોતાની શકિત મુજબ આરાધનામાં આગળ વધી રહ્યાં છે. સામાયિકમાં ૪૮ મિનિટ સુધી સમતાભાવથી આત્મચિંતન કરવામાં આવ્યું હતું.દિવસ દરમ્યાન થયેલી ભૂલોનો પશ્ચાતાપ કરી ભવિષ્યમાં ન કરવા સંકલ્પ લેવાયો હતો. ભગવાન મહાવીરના જીવનપ્રસંગોનું શ્રવણ થશે એટલે ભક્તિભાવના તરંગો ફેલાશે. શ્રાવકોએ મૌન ધારણ કરી આંતરિક શાંતિનો અનુભવ કર્યો અને બાળકોને ધ્યાન-સાધનાની પ્રેરણા અપાઈ હતી. 
ભુજ શહેરના દેરાસરોમાં ચતુર્વિશતિ સ્તવન, આરતી અને ભજનના સ્વરો ગુંજી રહ્યા છે. શ્રાવક-શ્રાવિકાઓ સાથે નાનાં બાળકો પણ ધાર્મિક પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક જોડાઈ રહ્યાં છે. ઘણા શ્રાવકો આખો દિવસ મૌન રહીને વાણી સંયમની સાક્ષાત આરાધના કરી રહ્યા છે. પર્યુષણ પર્વના આ પવિત્ર દિવસો આપણને જીવનમાં ક્ષમા, કરુણા અને શાંતિની ભાવના વધારવાનો અનોખો અવસર આપે છે. વાણી સંયમ દિવસનો સંદેશ છે કે કડવી વાણીથી ઘેરાયેલી દુનિયામાં મીઠું બોલીને અને મૌન ધારણ કરીને પણ આપણે સંબંધોને મજબૂત બનાવી શકીએ છીએ. આ રીતે ભુજ સહિત સમગ્ર કચ્છભરમાં પર્યુષણ પર્વનો ચોથો દિવસ વાણી સંયમની અનોખી ઉજવણી સાથે ધર્મમય અને શાંતિમય બની ગયો હતો. શ્રદ્ધાળુઓના હૃદયમાં આત્મશુદ્ધિ, તપ અને સંયમની ભાવનાઓ વધુ મજબૂત બની છે તેવું એક યાદીમાં જૈન અગ્રણી તેમજ અણુવ્રત સમિતિના અધ્યક્ષ તથા રાષ્ટ્રીય કાર્યકારિણી સદસ્ય મહેશ પ્રભુલાલ મહેતાએ જણાવ્યું હતું. 
----

Comments

COMMENT / REPLY FROM