નખત્રાણામાં વ્યાજખોરે ૭ લાખની સામે ર૦ લાખ પડાવ્યા
સ્કોર્પિયોમાં બેસાડી છરીની અણીએ મકાનનો કબ્જો માંગ્યો
નખત્રાણા : અહીં વ્યાજખોરીનો શિકાર બનેલા યુવાને વ્યાજખોર સામે નખત્રાણા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ બાબતે મળતી વિગતો મુજબ દેવકીનગરમાં રહેતા ગૌતમ શામજીભાઈ પટેલે ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે, બે વર્ષ પહેલા જરૂરિયાત ઉભી થતાં પાંચ લાખ રૂપિયા ૧૦ ટકા વ્યાજે મૂળ ખાનાયના હાલે ઉમિયાકૃપાનગરમાં રહેતા બળવંતસિંહ સોઢા પાસેથી લીધા હતા. જેમાં ૧૦ ટકા વ્યાજ ચુકવ્યું બાદમાં વધુ બે લાખ ૧૦ ટકા વ્યાજે લીધા હતા. જેની અવેજીમાં સહીવાળા ચાર ચેક લઈ લીધા હતા. ફરિયાદીએ બે વર્ષમાં ટુકડે ટુકડે ર૦ લાખ ચુકવ્યા હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. છતાં હજુ પણ વધુ વ્યાજની પઠાણી ઉઘરાણી કરી સ્કોર્પિયો કારમાં બેસાડી ધકબુશટનો માર મારી ગાળો આપી છરીના હાથા વડે મુઢ મારની ઈજા પહોંચાડી મકાનનો કબ્જો આપી દેવા જણાવ્યું હતું. જેથી નખત્રાણા પોલીસમાં ગુનો દાખલ કરવામાં
આવ્યો હતો.

Comments