ભુજની અક્ષર હિલ્સમાં કરંટ લાગતા બે પુત્રો સહિત માતા-પિતાને ઈજા
બાળકો ઝાડ પર ચડીને રમતા હતા ત્યારે ઉપરથી પસાર થતી વિદ્યુત લાઈનના કારણે બાળકોને કરંટ લાગ્યો : બચાવવા માટે ગયેલા માતા-પિતા પણ જખ્મી થતા એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ લઈ જવાયા
ભુજ : છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ વચ્ચે ઝરમર રૂપે વરસાદ થતો હોવાથી ભેજવાળુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ વચ્ચે કરંટ લાગવાના કારણે ગંભીર ઘટનાઓ બની રહી છે. નાના બાળકો રમતા હોય ત્યારે સાવધાની રાખવી જરૂરી બની રહે છે. ભુજની ભાગોળે કોડકી રોડ પર આવેલી અક્ષર હિલ્સમાં બનેલી ઘટના વાલીઓ માટે લાલબત્તી સમાન છે.
આ અંગે જી.કે.જનરલ હોસ્પિટલમાંથી જાણવા મળતી વિગતો મુજબ રર તારીખે સાંજના આ બનાવ બન્યો હતો. કોડકી રોડ પર આવેલ અક્ષર હિલ્સ સોસાયટીમાં રહેતા છ અને નવ વર્ષના ક્રિષ્ના અને કરન નામના બાળકો ઘરની સામે ઝાડ પર ચડીને રમતા હતા ત્યારે ઝાડની ઉપર વિદ્યુત લાઈન પસાર થતી હોઈ તે ઝાડને ટચ થઈ જતા બન્ને બાળકોને કરંટ લાગ્યો હતો. જેથી તેના પિતા સામજીભાઈ ધનજીભાઈ કોલી અને પત્ની મંજુબેન બચાવવા માટે દોડી ગયા ત્યારે તેઓને પણ કરંટ લાગ્યો હતો. ચારેય જણાને એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જી.કે.માં લઈ જવામાં આવ્યા હતા. હાલ તેઓની સારવાર ચાલુમાં છે. હાલમાં વરસાદી માહોલ વચ્ચે આ પ્રકારની ઘટના વાલીઓ માટે લાલબત્તી રૂપ છે. આપણા સંતાનો કે કોઈ વ્યક્તિ વિદ્યુત તારને અડકે નહીં તે બાબતે સાવધાની રાખવામાં આવે તે જરૂરી બની રહે છે.

Comments