હવે ભુજની ભાગોળે એફડીઆર રિસોર્ટ નજીક તળાવમાં ડૂબી જતા યુવકનું મોત
હમીરસર તળાવમાં ડૂબી જવાથી મહિનામાં પાંચ મોત બાદ વધુ એક બનાવથી ફેલાઈ ચિંતા
ભુજ : વરસાદી માહોલ વચ્ચે જિલ્લામાં તળાવ, ડેમમાં ડૂબી જવાથી આપઘાતના બનાવો સતત વધી રહ્યા છે. ભુજની ભાગોળે કોડકી રોડ પર આવેલ એફડીઆર રિસોર્ટ નજીકના વરસાદી પાણી ભરેલા નાનકડા તળાવમાં ડૂબી જવાના કારણે યુવાનનું મોત થયું હોવાનું મામલો સામે આવ્યો છે.
આ બાબતે મળતી વિગતો મુજબ આજે સવારે સાત વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો. કોડકી રોડ પર ન્યુ ભુજ તરીકે ઓળખાતા વિસ્તારમાં આવેલ એફડીઆર રિસોર્ટ નજીક તળાવમાં આ બનાવ બન્યો હતો. ભુજ ફાયર વિભાગને ફોન આવ્યો હતો કે, ફ્લોટિંગ ડક નામની હોટલ પાસે આવેલા તળાવમાં વ્યક્તિ ડૂબી ગયો છે. જેથી ભુજ ફાયર બ્રિગેડની ટીમ બોટ સહિતના સાધનો લઈને પહોંચી હતી. વોટર રેસ્ક્યૂના સાધનો વડે તપાસ કરવામાં આવી અને જેમાં મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. જેને જી.કે.માં લઈ જવામાં આવ્યો હતો. બનાવ અંગે માનકૂવા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. હતભાગી અક્ષર રેસિડેન્સીમાં રહેતો ગોવિંદ કેસરામ ગૌતમ હોવાનું પોલીસ સ્ટેશનેથી જાણવા મળ્યું હતું. તળાવમાંથી વ્યક્તિને બહાર કાઢવાની કામગીરીમાં ફાયર વિભાગના જિજ્ઞેશભાઈ જેઠવા, અસલમ પટ્ટણી, સોહમ ગોસ્વામી, યશપાલસિંહ વાઘેલા, કમલેશ મતિયા જોડાયા હતા. ભુજના હમીરસર તળાવમાં ડૂબી જવાના કારણે એક મહિનામાં પાંચ મોત થયા છે. જે બાદ હવે શહેરની ભાગોળે વરસાદી પાણીના ખાબોચીયામાં ડૂબી જવાથી વધુ એક બનાવ બનતા લોકોમાં ચિંતા ફેલાઈ
રહી છે.

Comments