Trending News
સ્થાનિક સમાચાર

જવાહરનગર પુલિયા પાસે લૂંટના ઈરાદે યુવાનની હત્યાથી ચક્ચાર

22 August

આર્થિક પાટનગરમાં ગુનાખોરી બેફામ, રાતના નિકળવું પણ બન્યું મુશ્કેલ 


હતભાગી મોરબીથી રાત્રે બસમાં ઉતર્યો અને ઘરે જતો હતો ત્યારે બાઈક પર આવેલા શખ્સોએ મોબાઈલની લૂંટના ઈરાદે ઝપાઝપી કરી છરી હુલાવી દેતા યુવકનું મોત : પચરંગી સંકુલમાં પેટીયું રળવા આવતા શ્રમજીવીની ઘાતકી હત્યાના પગલે શ્રમીક સમુદાયમાં ગમગીની છવાઈ : બી-ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા 



ગાંધીધામ : આર્થિક પાટનગર ગાંધીધામ દિવસ રાત ધમધમતું હોય છે. હવે મહાનગરપાલિકાનો દરજ્જો પણ મળી ગયો છે પરંતુ અહીં ગુનાખોરી એટલી બેફામ છે કે, રાતના નિકળવું પણ મુશ્કેલ બની ગયું છે. સરેઆમ છેડતી, હુમલા મારામારી સહિતના બનાવો તો બની રહ્યા છે પરંતુ લૂંટ અને હત્યા જેવા ગંભીર બનાવો વધી જતા લોકોમાં ચિંતા ફેલાઈ છે. ગત રોજ મોડી રાત્રે મોરબીથી શ્રમીક બસ ઉતર્યો અને ઘરે જતો હતો ત્યારે લૂંટના ઈરાદે ઘાતકી હત્યા કરવામાં આવતા ચકચાર મચી હતી. 
આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ મૂળ બિહારના સુનિલ કનૈયાલાલ નટ નામનો યુવાન પોતાના પિતરાઈ ભાઈ સાથે મોરબીથી ગાંધીધામ આવી બસમાં ઉતરી જવાહરનગર બ્રીજથી પગપાળા પોતાના ઘરે જતો હતો ત્યારે રાતના ૧ર વાગ્યાના અરસામાં ત્રણ બાઈક સવાર આવ્યા અને યુવકનું મોબાઈલ લૂંટ કરવાનો પ્રયાસ કરતા ઝપાઝપી થઈ હતી. જેમાં એક આરોપીએ સુનીલને પેટમાં છરી હુલાવી દેતા ઘટનાસ્થળે ગંભીર ઈજાઓના કારણે આ યુવાનનું મોત થયું હતું. હત્યા બાદ આરોપીઓ ભાગી ગયા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. બી-ડિવિઝન પોલીસે હત્યા અને લૂંટના પ્રયાસની કલમો તળે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. રાતના સમયે આ પ્રમાણે લૂંટ થતા શહેરમાં કાયદો વ્યવસ્થા સામે સવાલો ઉઠવા સાથે પોલીસની ધાક ઓસરી રહી હોવાનું જાગૃત્ત નાગરિકોએ જણાવ્યું હતું સરેઆમ આ પ્રમાણે હુમલા સમાજ માટે ચિંતાજનક છે. ખરેખર આવા તત્ત્વો સામે ધાક બેસાડતી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ બાબતે બી-ડિવિઝન પીઆઈ એસ.વી. ગોજિયાનો સંપર્ક કરતા તેમણે લૂંટના પ્રયાસ સાથે હત્યાનો બનાવ બન્યો હોવાનું જણાવી આરોપીઓને ઝડપી લેવા માટે વિવિધ ટીમો બનાવવામાં આવી હોવાનું જણાવ્યું હતું. 

Comments

COMMENT / REPLY FROM