અનુસૂચિત જનજાતિના લોકો માટે ઓછા વ્યાજે ધીરાણ યોજનાની ઓનલાઇન ફોર્મ ભરવા મુદ્દત લંબાવો
રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાના રાષ્ટ્રીય સચિવ રાજેન્દ્ર ટાંકે મુખ્યમંત્રી સમક્ષ કરી માંગ
ભુજ : અનુસૂચિત જનજાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા અનુસૂચિત જનજાતિના લોકો માટે ઓછા વ્યાજે ધીરાણની સ્વરોજગારલક્ષી ઉપયોગી યોજના સરકારે અમલમાં મુકી છે, પરંતુ કચ્છના છેવાડાના ગામડાઓમાં ક્યાંક નેટવર્કની તકનીકી મુશ્કેલી તો ક્યાંક ગામડાઓમાં તલાટીઓની ગેરહાજરીને કારણે ઘણાં લોકો ઓનલાઈન અરજી કરી શક્યા નથી, આવા લોકો યોજનાનો લાભ લઈ શકે તે માટે રિપ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા (આઠવલે)ના રાષ્ટ્રિય સચિવ રાજેન્દ્ર ટાંકે રાજ્યના મુખ્ય મંત્રીને પત્ર પાઠવી મુદત તા.૩૦/૧૦ સુધી લંબાવવા અપીલ કરી છે.
તેમણે મુખ્યમંત્રીને આ યોજના બદલ ધન્યવાદ પાઠવતા પત્રમાં જણાવ્યું હતું કે, અનુસૂચિત જનજાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા અમલમાં મુકાયેલી તાજેતરની યોજના મુજબ આ વર્ગના લોકો સ્વરોજગારી મેળવી અને હાલના તેમના વ્યવસાયને વિકસાવી પગભર થઇ થઈ શકે તે માટે બહુ ઓછા નજીવા એક ટકાથી બે ટકા વ્યાજથી લોન આપવાની સરાહનીય યોજના અમલમાં મુકાઈ છે. આ યોજના અંગે છેવાડાના ગામડાના અલ્પ-શિક્ષિત લોકો સુધી જાણકારી મર્યાદિત પ્રચાર પ્રસાર અને લોકોની અજ્ઞાનતાના કારણે મોડી પહોંચતી હોય છે અને આ માટે ઓનલાઇન અરજી કરવાની હોવાથી ક્યાંક ગામડામાં નેટવર્કની ખામી તો ક્યાંક તલાટીઓની ગેરહાજરી જેવા અનેક તકનીકી કારણોથી ઘણાં ઇચ્છુક લાભાર્થી લોકો અરજી કરવાથી સમય મર્યાદાના કારણે વંચિત રહી જતા હોય છે. ઘણાં લોકો તા.૧૭/૮ સુધીમાં ઓનલાઇન અરજી ફોર્મ ભરી શક્યા નથી તેથી વધુ બે માસની મુદત અરજી કરવા માટે વધારવામાં આવે તેવી માંગ કરાઈ છે.
રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાના રાષ્ટ્રીય સચિવ શ્રી ટાંકે વધુમાં જણાવ્યું હતું કે, ઘણા લોકો સબંધિત અધિકારીને મળવા પણ ગયા હતા, પરંતુ કોઈને કોઈ તકનીકી કારણોસર ધક્કા પડ્યા હતા. તા.૨૨ જુલાઈથી તા.૧૭ ઓગષ્ટ સુધી જ અરજી કરવા યોજના ખુલ્લી મુકાઇ હતી, પરંતુ અરજી કરવા ગામડાઓમાં ઉપલબ્ધ નેટવર્ક જેવી સુવિધાના અભાવે રાજ્યમાં અને ખાસ કરીને છેવાડાના કચ્છ જિલ્લાના ઘણાં લોકો વંચિત રહી ગયા છે તે હકીકત મુખ્યમંત્રીના ધ્યાને મુકી છેવાડાના જરૂરિયાત મંદ લોકોને વ્યાપક લાભ સાંપડે તે હેતુ મુદત વધારવા રજૂઆત કરી આશા વ્યક્ત કરી હતી કે સંવેદનશીલ મુખ્યમંત્રી આ વાસ્તવિક હકીકત ધ્યાને લઈ ન્યાયપૂર્ણ રીતે મુદ્ત લંબાવી આપશે.
--------

Comments