-ને હવે ભુજની વી.ડી. હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ વચ્ચે બબાલ : એક ઘવાયો
શાળામાં થયેલી બોલાચાલીના મનદુઃખે ધો. ૧૦ના વિદ્યાર્થીને સ્કૂલની બહાર બોલાવી સહપાઠી છાત્રોએ માર માર્યો : અમદાવાદની ઘટના તાજી છે ત્યાં ભુજના બનાવે વાલીઓમાં ઉચ્ચાટ ફેલાવ્યો
ભુજ : અમદાવાદના ખોખરામાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં સીડી પરથી ઉતરવા જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ ના વિદ્યાર્થીએ ધો. ૧૦ના વિદ્યાર્થીની હત્યા કરતા સમગ્ર ગુજરાતમાં વિરોધના સૂર ઉઠી રહ્યા છે. આજે પણ અમદાવાદમાં શાળાઓ બંધ છે અને વિદ્યાર્થીઓ અને વાલીઓનો આક્રોશ યથાવત છે. આ વચ્ચે ભુજમાં આવેલી વી.ડી. હાઈસ્કૂલ બહાર વિદ્યાર્થીઓ બાખડી પડતા એકને માથાના ભાગે ઈજાઓ થઈ હતી.
આ બાબતે મળતી વિગતો મુજબ શાળામાં થયેલી બોલાચાલીના મનદુઃખે ધો. ૧૦ અને ૧૧ ના વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં સ્કૂલની બહાર બોલાવી છોકરાઓના ટોળાએ ધો. ૧૦ વિદ્યાર્થી પર હુમલો કરતા માથાના ભાગે ઈજાઓ થઈ હતી. ભોગ બનનાર વિદ્યાર્થીનો આક્ષેપ છે કે, ર૦ જેટલા વિદ્યાર્થીઓના ટોળાએ માર માર્યો હતો.
શાળાના પ્રિન્સીપાલ બ્રિજેશ ઠક્કરના જણાવ્યા પ્રમાણે શાળાની બહાર આ બનાવ બન્યો હતો. અગાઉ થયેલી બોલાચાલીના મનદુઃખે મારામારી થઈ હતી. જે વિદ્યાર્થીને માથામાં ઈજા થઈ તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી અને વાલીને જાણ કરી બન્ને વિદ્યાર્થીઓના વાલીઓને સ્કૂલમાં બોલાવવામાં આવ્યા છે. બાળકોનું ભવિષ્ય ખરાબ ન થાય તે માટે હજુ સુધી પોલીસને જાણ કરવામાં આવી નથી. બન્ને વાલીઓ અને વિદ્યાર્થીઓ વચ્ચે સમજુતીના પ્રયાસો અને લેખિત બાંહેધરી લેવામાં આવશે તેમ જણાવ્યું હતું. આ બનાવની જાણ થતા શાળામાં અભ્યાસ કરતા અન્ય વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ઉચ્ચાટ ફેલાઈ જવા પામ્યો છે. અમદાવાદની ઘટનાના બીજા જ દિવસે કચ્છમાં બનેલા આ બનાવને શિક્ષણ જગત સાથે લોકોમાં ચકચાર જગાવી છે.

Comments