હવે આદીપુરમાં ચોકલેટ લેવા ગયેલી બાળાની સતામણી કરાઈ
કચ્છમાં સરાજાહેર છેડતીના વધતા બનાવો ચિંતાજનક
હેબતાયેલી સગીરાએ માતા-પિતાને વાત કરતા આરોપીએ હુમલો કરી દીધો
ગાંધીધામ : જિલ્લામાં સરાજાહેર છેડતીના બનાવો બની રહ્યા છે. ગત રોજ માધાપરમાં મોપેડ પર જતી કિશોરીઓની સ્કોર્પીયો કારમાં જતા ત્રણ શખ્સો દ્વારા છેડતી કરવામાં આવતા ફરિયાદ થઈ હતી. પોલીસે આરોપીઓને શોધતા તમામ સગીર નિકળ્યા હતા. ઝાંસી કી રાનીથી ગાંધી સર્કલને જોડતા રોડ પર સરાજાહેર બનેલી છેડતીની ઘટનાએ શહેરમાં કાયદો - વ્યવસ્થા સામે પ્રશ્નાર્થ ઉઠાવ્યા હતા. તે બાદ હવે આદીપુરમાં આવો બનાવ સામે આવ્યો છે.
આ બાબતે મળતી વિગતો મુજબ શ્રમજીવી પરિવારની ૧૧ વર્ષિય દિકરી આદીપુરમાં અંબે માં ના મંદિર સામે આવેલ પાનના ગલ્લા પર ચોકલેટ લેવા ગઈ ત્યારે આરોપી મહેશ્વરીનગરનો પ્રથમ નારાણભાઈ ધેડા ગલ્લા પર ઉભો હતો તેણે ભોગ બનનારનો હાથ પકડી છેડતી કરી હતી. હેબતાયેલી દિકરી હાથ છોડાવી માતા - પિતાને જાણ કરતા તેઓએ આવીને ઠપકો આપતા આરોપીએ સગીરાના પિતાનો હાથ મરડી નાખ્યો અને માતાને નખથી ઉજરડાની ઈજા પહોંચાડી હતી. નાની બાળા સાથે જાતિય સતામણીનો બનાવ બનતા ચકચાર મચી હતી. આદીપુર પોલીસે ગુનો દાખલ કરી છે. ખેરખર આવા ઈસમો સામે ધાક બેસાડતી કાર્યવાહી કરી જાહેરમાં તેઓના સરઘસ કાઢવા જોઈએ. જેથી આ પ્રકારની ઘટનાઓ અટકી શકે.

Comments