Trending News
સ્થાનિક સમાચાર

કચ્છના મોટી સિંચાઈના ૮ ડેમમાં હજુ પણ પ૦ ટકાથી ઓછી જળરાશી

20 August



સાર્વત્રિક વરસાદના ફુલ ગુલાબી ચિત્ર વચ્ચે માત્ર ચાર જ ડેમ સરકારી ચોપડે ઓવરફલો : કેટલાક ડેમોમાં જળસ્તર 
ઘટતું ગયું 



ભુજ : જિલ્લામાં કચ્છ સિંચાઈ વર્તુળ હસ્તક મધ્યમ સિંચાઈના યોજનાના ર૦ ડેમ આવેલા છે, જેમાં આજે ર૦મી ઓગસ્ટની સ્થિતિએ માત્ર ચાર ડેમ ઓવરફલો છે. અને ૮ ડેમમાં પ૦ ટકાથી પણ ઓછી જળરાશી છે. જિલ્લામાં મહત્વનો ગણાતો રૂદ્રમાતા ડેમ હાલમાં ૩૧.૧ર ટકા જેટલો ભરાયેલો છે. ભુજમાં સરકારી ચોપડે ૧૬ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો છે. પણ ડેમમાં જોઈએ તેટલું પાણી આવ્યું નથી. આ સિવાય લખપત તાલુકાના ગોધાતડમાં ૪૦, સાન્ધ્રોમાં ૧૩, નરામાં ર૮, ગજણસર ડેમ ૮૪ ટકા ભરેલો હોવાનું સામે આવ્યું છે. સરકારી ચોપડે આ તાલુકામાં માત્ર ૧૦ ઈંચ પાણી વરસ્યું છે. છેવાડાના વિસ્તારમાં આવેલા ૩ ડેમમાં પ૦ ટકાથી પણ ઓછી જળરાશી છે. સમગ્ર તાલુકો વર્ષ દરમિયાન પાણીની ખપત માટે આ ડેમો પર નિર્ભર છે. ત્યારે જળરાશીનો સંગ્રહ થવો જરૂરી છે. અંજારનો ટપ્પર ડેમ ૬પ ટકા ભરાયેલો છે, જો કે, ઉનાળાની સ્થિતિએ તેમાં જળસ્તર ૧ એમસીએમ જેટલું ઘટયું હોવાનું સરકારી આંકડા જણાવે છે. નખત્રાણાનો નિરોણા ડેમ ૯૯ ટકા ભરાઈ જતાં ઓવરફલો થવાની અણીએ છે. જયારે ભુખીમાં પ૧ ટકા, મથલમાં ૭૮ ટકા પાણી હોવાનું સામે આવ્યું છે. આ સિવાય ભુજની જો વાત કરીએ તો ૯૬ ટકા સાથે કાયલા ડેમ ઓગનવાને આરે છે, જયારે કાસવતી ડેમ ૧૯ ટકા જળરાશી સાથે હજુ પણ સુકારો અનુભવે છે. મુંદરામાં ગજોડ ડેમ ૩૭ ટકા અને કારાઘોઘા ડેમ ઓવરફલો જયારે માંડવીનો ડોણ ઓવરફલો થયેલો છે. અબડાસાના કંકાવટી ડેમમાં સંપૂર્ણ જળરાશી, જયારે મીઠીડેમ ૯ર ટકા સાથે ઓગનવાને આરે છે. બેરાચિયા પણ ઓવરફલો થયો છે. તો જંગડિયા ડેમ ૩ર ટકા ભરાયેલો હોવાથી આ વિસ્તારમાં વરસાદીની આવશ્કયતા છે. રાપરમાં સુવઈ ડેમ પ૬ ટકા અને ફતેહગઢ ડેમ ર૬ ટકા ભરેલો છે. જિલ્લામાં હજુ પણ વરસાદની આવશ્યકતા છે. આ વચ્ચે ટપ્પર, ગોધાતડ, નરા, ફતેહગઢમાં ઉનાળાની તુલનાએ જળસ્તર આંશિક ઘટયું હોવાનું સરકારી આંકડા દર્શાવે છે. 



......................

કચ્છમાં નાની સિંચાઈના ૧૭૦ પૈકી ૩૯ ડેમ ઓવરફલો થયા 


ભુજ : જિલ્લા પંચાયતના  સિંચાઈ વિભાગ હસ્તક કચ્છમાં નાની સિંચાઈના ૧૭૦ ડેમ આવેલા છે, જે પૈકી ૩૯ ડેમ ઓવરફલો થયા હોવાનું જણાવાયું છે, જેની પર નજર કરીએ તો માંડવી તાલુકાના ખારોડ, રાજડા, વિજયસાગર, વણોઠી, વેગડી, દેઢિયા, ગોદડિયા, વિરાણી, દરશડી, માપર, ઘોડાલખ, ફિલોણ, વાંઢ, કોટડી, મમાયમોરા, લુડવા તો મુંદરામાં શિરઈગેલડા, નખત્રાણા તાલુકાના તરા, અધોછની, ગડાપુઠા, દેવસર, નાના અંગીયા, જોડાય, ઉલટ, થરાવડા, ખારડિયા, ઝાલુ, કોટડા (રોહા), ઉમરાપર, ધાવડા, લખપત તાલુકામાં લખપત, જયારે અબડાસા તાલુકાના કડોલી, બાલા, ચોડસર, ગુઆરા, બાલાપર, બુડધ્રો, ભારાપર, કાલરવાંઢ, મંજલ, રેલડિયા, વમોટી મોટી, સણોસરા, ખારૂઆ, કાપડીસર, ચકુડા, બાંડિયા, પિયોણીનો સમાવેશ થાય છે. ભુજ, અંજાર, રાપર અને ભચાઉના નાની સિંચાઈના એક પણ ડેમ ઓવરફલો થયા નથી. સાર્વત્રિક વરસાદ હોવા છતાં નાની સિંચાઈના પણ ડેમો છલકાયા નથી, જે ખરેખર ઉનાળા દરમિયાન થતાં સુજલામ સુફલામ અને તળાવ ઉંડા કરવાના સરકાર, પંચાયત વિભાગ, વિવિધ સંસ્થાઓના દાવાની પોલ પાધરી કરે છે. હાલે સરેરાશ જોવા જઈએ તો અન્ય ડેમોમાં પ૦ ટકા જળરાશી છે. 

Comments

COMMENT / REPLY FROM