સુખપરથી ગાય આધારીત પ્રાકૃતિક જીવનશૈલીનો અપાયો સંદેશ
સુખપર : દેશી ગાયનાં દુધનું મહત્ત્વ તો સૌ જાણે જ છે. અને હવે ખેતીમાં ગોબર અને ગોમુત્રની કિંમત પણ સમજાઈ જ ગઈ છે અને તેને મુખ્ય આધાર બનાવીને કચ્છના અસંખ્ય ખેડૂતો સંપૂર્ણ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવીને સફળતાપૂર્વક ઝેર મુક્ત ખેત ઉત્પાદનો પકવી રહ્યા છે. તેની સાથે છેલ્લાં ત્રણ ચાર વર્ષથી કચ્છની પટેલ ચોવીસી અને આહીરપટ્ટીના અનેક ગામોમાં નવવધૂઓ પરિવાર સાથે મળીને પોતાના હાથે ગોબરનાં લીંપણથી લગ્ન મંડપ સજાવતી થઈ છે અને લોકોમાં તેની ખુબ જ પ્રશંસા થવાથી એક બે ગો પ્રેમીઓ ગોબરના આવા કલાત્મક લગ્ન મંડપો તૈયાર કરીને વ્યવસાયિક રીતે ભાડે આપવાનું પણ વિચારી રહ્યા છે.
તેવી જ રીતે ગણેશોત્સવમાં પૂજન અને વિસર્જન માટે ગોબરના ઇકોફ્રેન્ડલી ગણપતિ, દીવાળી ઉપર ગોબરના દીવડા, ઘર સજાવટ સાથે પવિત્રતા અને સકારાત્મક ઊર્જા વધારવા માટે તોરણ સહિતનાં અસંખ્ય ગોબર ક્રાફ્ટ, મોબાઇલ માટે એન્ટી રેડિએશન ગોબર ચિપ્સ વગેરેનાં ઉત્પાદનોને પસંદ કરીને આગ્રહ સાથે ખરીદનાર એક વર્ગ ઉભો થઈ ગયો છે ત્યારે છેલ્લે ગત ૧૦ ઓગસ્ટના રામપર વેકરા ખાતે તપોવન ધામમાં સંતો સહિત ૧૦૮ વ્યક્તિઓના સામુહિક ગોબર સ્નાનના સમાચારે પણ લોકોમાં દેશી ગોબરના લાભ જાણવા માટેનું આકર્ષણ અને ઉત્કંઠા વધારી દીધી છે.
હિદુ શાસ્ત્રોમાં ધાર્મિક વિધિ માટે અગરબત્તીનો ક્યાંય ઉલ્લેખ નથી પરંતુ ગેરસમજ કે કોઈપણ કારણસર મોટાભાગના ધાર્મિક સ્થળે અને ઘરોઘર સ્વિકાર્ય બની ગયેલ વિવિધ કુત્રિમ સુગંધો સાથેની અગરબત્તીની વાત કરીએ તેમાં વપરાતી વાંસની સળી અને કેમિકલયુક્ત ધુમાડાથી થતું પ્રદૂષણ અને શારીરિક નુકસાન ટાળવા નાનાં મોટાં અનેક મંદિરો સાથે કચ્છના ઉગમણા કોટડા, ખેંગારપર, કનકપર, પાતિયા અને જવાહર નગર જેવાં ગામો પણ સો ટકા અગરબત્તી મુક્ત બની ગયાં છે અને અમુક ગામની મહિલાઓ તો ગાયના ગોબર, મેંદા લકડી પાવડર અને અમુક પ્રાકૃતિક સુગંધી પદાર્થો સાથે એકદમ સરળતાથી બનતી ધુપબત્તિનું પ્રશિક્ષણ લઈને જાતે જ સામુહિક રીતે ઉત્પાદન કરીને પોતાનાં ગામની જરૂરિયાતો પૂરી કરી લે છે.
કચ્છમાં રામકૃષ્ણ ટ્રસ્ટ- કુકમા, નીલકંઠ ગો વિજ્ઞાન કેન્દ્ર નાની નાગલપર, અંજાર અને તપોવનધામ રામપર વેકરા ધુપબત્તિના મુખ્ય અને જથ્થાબંધ ઉત્ત્પાદક છે જે ન માત્ર કચ્છ પરંતુ ગુજરાત સહિત સમગ્ર ભારત સાથે વિદેશ સુધી પોતાનાં ઉત્પાદનો પહોંચાડે છે. અને ગૃહઉદ્યોગ તરીકે બીજા અનેક ગોપાલકો નાનાપાયે આ ધુપબત્તીનું ઉત્પાદન કરે છે. તેનાં કારણે અસંખ્ય પરિવારો અતિ નુકસાનકારક અગરબત્તીનો સંપુર્ણ ત્યાગ કરીને ગોબરની ધુપબત્તિનો સ્વીકાર કરી લીધો છે. હવે દરેક ધાર્મિક પ્રસંગોમાં મહાઆરતીનું ચલણ ખુબ વધ્યું છે. અને શાસ્ત્રોક્ત વિધાન પ્રમાણે દીવા આરતી માટે દેશી ગાયનું જ શુદ્ધ ઘી વાપરવાનો નિયમ છે ત્યારે એકાદ ટકો ધાર્મિક સ્થળોને બાદ કરીને બાકીની દરેક મહાઆરતીની વાટમાં વપરાતું ઘી પણ સાવ સસ્તું વનસ્પતિ અથવા ચરબીની ભેળસેળ યુક્ત નકલી ઘી હોવાથી તે પણ દેવના અપરાધ સાથે આરતી કરનાર શ્રદ્ધાળુઓના શરીર અને પર્યાવરણ માટે પણ અતિ હાનિકારક સાબિત થાય છે. આ નુકસાન ટાળવા ભુજ તા. ના સુખપર ગામે કેસરીનંદન હનુમાનજીના સંચાલકોએ સરસ પહેલ કરીને તાજેતરમાં જ મંદિરના પાટોત્સવ નિમિત્તે ચંદનની સુગંધયુકત ગાયના ગોબરથી બનેલ ધુપબત્તીના પવિત્ર ધુમાડા વચ્ચે પાંચસો જેટલા ભાવિકોની હાજરીમાં મહાઆરતીનો સફળ પ્રયોગ કર્યો હતો.
આ રીતે દેશી ગાયના અમૃતતુલ્ય દૂધ સાથે જે ગાયો સીમમાં ચરતી હોય અને ગોશાળામાં ચારા અને દાણખાણ સાથે જેમનું યોગ્ય રીતે પાલન પોષણ થતું હોય તે ગાયોનું શુદ્ધ ગોબર પણ અતિ કિંમતી અને માનવ શરીર સાથે પ્રકૃતિ અને પર્યાવરણ માટે પણ લાભદાયી છે તેવું સમજાઈ રહ્યું છે તેમ નાનાં મોટાં સૌ માં ગોબર પ્રત્યેની સુગ પણ દુર થઈ રહી છે.
---------

Comments