પશ્ચિમ કચ્છના અબડાસા, લખપત અને નખત્રાણા તાલુકા પર મેઘો મહેરબાન : અમુક વિસ્તારમાં એકથી બે ઈંચ
કચ્છમાં વધુ ચાર દિવસ વરસાદનો વર્તારો : ગુરુવાર, શુક્રવારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું
નખત્રાણા : કચ્છમાં વધુ ચાર દિવસ વરસાદનો વર્તારો હવામાન વિભાગે આપ્યો છે. આજે અને આવતીકાલે વરસાદના યલો એલર્ટ સાથે ગુરુવાર, શુક્રવારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. તાલુકાના વિવિધ ગામોમાં આજે બપોરે ૧રથી ૧ વાગ્યા દરમિયાન મેઘકૃપા જારી રહી છે. બિબ્બરના સરપંચ નરેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું કે, સવારથી બપોર સુધી દોઢથી ર ઈંચ ધોધમાર વરસાદ પડ્યો છે. ડાડોરના સરપંચ હાસમ થેબાએ કહ્યું કે, ર ઈંચ જેટલા વરસાદથી નદી-તળાવામાં નવા નીર આવ્યા છે. નિરોણાના સરપંચ એન.ટી.આહિરે સવારથી જ મેઘરાજા મહેરબાન રહ્યા છે તેવા વાવડ આપ્યા છે. તરા મંજલથી તા.પં ચેરમેન લીલાબેન મનીષભાઈ મહેશ્વરીએ ૧થી ર ઈંચ વરસાદના સમાચાર આપ્યા હતા. ભડલી, વિથોણ, દેવપરમાં વરસાદ ચાલુ છે. મંગવાણાથી ધર્મેન્દ્ર ગોસ્વામીએ ઝરમર ઝાપટા ચાલુ છે તેવા વરસાદના વાવડ આપ્યા હતા. ભીટારાથી જીતેન્દ્ર રાજગોર સારા વરસાદના અહેવાલ આપ્યા હતા. વાલ્કા, રવાપર, ઘડાની, હરીપર, નેત્રા, ખોંભડી સહિતના વિસ્તારમાં વરસાદ ચાલુ છે. વિગોડીથી ભરત વાઘેલા વરસાદના સારાના અહેવાલ આપ્યા છે. નખત્રાણામાં ઘોર અંધકાર વચ્ચે વરસાદી ઝાપટું પડી રહ્યો છે. સમગ્ર તાલુકામાં આજે ૧થી ર ઈંચ વરસાદ ખાબક્યાના અહેવાલ છે. પિયોણીથી મહંત હંસગીરીજી બાપુએ સારા વરસાદ પડ્યાના સમાચાર આપ્યા છે. તો આજે સવારે બફારા વચ્ચે અબડાસા તાલુકાના નલિયાના ધફી, તેરા સહિતના વિસ્તારોમાં વરસાદનું આજે ફરી આગમન થયું છે.

Comments