વસઈમાં કચ્છી ભાનુશાલીના ઘરે થયેલી બે કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો
મોટા દિકરાની પુત્રવધુની બહેને યુવકનો પહેરવેશ ધારણ કરી ચોરી - લૂંટના બનાવને આપ્યો અંજામ : શેર બજારમાં ૩૦ લાખ હારી જતા તે રિકવર કરવા સોશિયલ મીડિયામાં રીલ જોઈ બનાવને અંજામ આપવાનું કર્યું નક્કી : રેલવે સ્ટેશને ખોટી દાઢી અને કેપ ઉતારતા પકડાઈ ગઈઃ મુંબઈ પોલીસે નવસારીથી યુવતીની ધરપકડ કરી ગણતરીના કલાકોમાં દાગીના રિકવર કર્યા
મુંબઈ : મહારાષ્ટ્રના વસઈ-વેસ્ટમાં શાસ્ત્રીનગરમાં આવેલા કિશોરકુંજ બિલ્ડિંગમાં ત્રીજા માળે રહેતા ૬૦ વર્ષના ઓધવ ભાનુશાલીના ઘરે ચોરી કરવામાં આવી હતી. જે બનાવમાં પોલીસે આરોપીને ઝડપી લીધા છે.
પુરુષનાં કપડાંમાં પ્રવેશી સોમવારે બપોરે બે કરોડ રૂપિયાના દાગીના લઈને નાસી જનારી ૨૭ વર્ષની જ્યોતિ ભાનુશાલીની મીરા-ભાઈંદર-વસઈ-વિરારની સેન્ટ્રલ યુનિટ ક્રાઇમ બ્રાન્ચે નવસારીથી ધરપકડ કરી હતી.
આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ તહેવારો અનુસંધાને પરિવારજનો બહાર ગયા હતા ત્યારે ઘરે વૃદ્ધ એકલા હતા, કચ્છી ભાષામાં નાંદેડથી આવ્યો છું એમ કહીને પુરુષના વેશમાં એક યુવાન કચ્છી ભાનુશાલી પરિવારના ઘરે બપોરે સાડાબાર વાગ્યાની આસપાસ પ્રવેશ્યો અને વાતોમાં ભોળવીને બાથરૂમમાં લીકેજ હોવાનું કહી ઓધવભાઈને બાથરૂમમાં બંધ કરીને તમામ દાગીના તફડાવીને નાસી ગયો હતો. જે અંગે માણિકપુર
પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતાં પોલીસ સહિત ક્રાઇમ બ્રાન્ચ તપાસમાં લાગી હતી. સેન્ટ્રલ યુનિટ ક્રાઇમ બ્રાન્ચના સિનિયર ઇન્સ્પેક્ટર અવિનાશ કુરાડેએ જણાવ્યું કે, પ્રાથમિક માહિતીના આધારે સીસીટીવી કૅમેરાનાં ફુટેજ ભેગાં કરીને તપાસ હાથ ધરી હતી.

Comments