કચ્છના વિવિધ ગામો દેશભક્તિના માહોલમાં રંગાયા : ઉમળકાભેર લોકો તિરંગા યાત્રામાં સહભાગી બન્યા
રાષ્ટ્રવાદની ભાવના સાથે ’વંદે માતરમ’ અને ’ભારત માતા કી જય’ના નાદ સાથે ગુંજી ઉઠી કચ્છની ગલીઓ
ભુજ : "હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતાઃ સ્વતંત્રતા સ્વચ્છતા કે સંગ" અભિયાન સાથે રાજ્યમાં હાલમાં ઉત્સાહભેર વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં કચ્છ જિલ્લા કલેક્ટર આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ કચ્છમાં સ્વતંત્રતા સપ્તાહની ઉજવણી અંતર્ગત વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જે અંતર્ગત કચ્છના વિવિધ ગામોમાં અને શાળાઓમાં દેશભક્તિભર્યા વાતાવરણમાં ભવ્ય રીતે તિરંગા યાત્રા યોજાઈ હતી, જેમાં રાષ્ટ્રવાદની ભાવના સાથે ઉમળકાભેર લોકો સહભાગી બન્યા હતાં. વંદે માતરમ્ અને ભારત માતા કી જયના નાદ સાથે કચ્છની ગલીઓ ગુંજી ઉઠી હતી. જે અંતર્ગત લૂણી પ્રાથમિક શાળા મુન્દ્રા, જખૌ પ્રાથમિક શાળા, સરકારી માધ્યમિક શાળા ગુનેરી, જી.એન. ભદ્રા હાઈસ્કૂલ તેરા, પાટીદાર કન્યા વિદ્યાલય ભુજ, મોડેલ સ્કૂલ- નલિયા અને અબડાસા તથા માધાપર, મિરઝાપર, નારાણપર, નલીયા, કુકમા, વાંઢાઈ, બિદડા, મંજલ કપુરાશી સહિતના ગામમાં તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. આ સાથે ખાવડા ખાતે બીએસએફની ૮૫ બટાલિયન અને પોલીસના સંયુક્ત ઉપક્રમે હર ઘર તિરંગા સાયકલ રેલી યોજાઇ હતી.
આ તિરંગા યાત્રામાં બહોળી સંખ્યામાં નાગરિકો, જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાના પદાધિકારીઓ, અધિકારીઓ, શિક્ષકો, વિવિધ કચેરીઓના કર્મયોગીઓ, શાળાના વિદ્યાર્થીઓ, યુવાનો, મહિલાઓ તેમજ નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા.
----------

Comments