Trending News
સ્થાનિક સમાચાર

જીગર મહેતાની સંયમ યાત્રા માટે ભુજમાં મંગલ ભાવના 

11 August



ભુજ : યુગપ્રધાન આચાર્ય મહાશ્રમણજીના સુશિષ્યા સાધ્વીજી હેમલતાજી ભુજ ખાતે બિરાજી રહ્યાં છે ત્યારે પરિવાર વતીથી દિક્ષાર્થિ જિગર મહેતાની મંગલ ભાવના સમારોહનું ભવ્ય આયોજન નિજાનંદ ફાર્મ મધ્યે કરવામાં આવ્યું હતું. પરિવારના મોભી એવાં તથા જિગરભાઈને ધાર્મિક શિક્ષણ આપનાર ઉપાસક પ્રભુલાલ નાગજીભાઈ મહેતાએ જણાવ્યું હતું કે પોતાના-સંયમ તરફના પથ પર આગળ વધવું એટલે સંસારિક જીવનમાંથી સંન્યાસના માર્ગે એક ઉત્કૃષ્ટ કૂદકો લગાવવો છે. આપણી આત્મા અનાદિ સમયથી જન્મ અને મરણના ચક્રમાં ફસાઈ ગઈ છે, અને એ ચક્રમાંથી મુક્તિ મેળવવાનો શ્રેષ્ઠ માર્ગ સંયમ એટલે કે દીક્ષા છે. 
દિક્ષાર્થિ જિગર મહેતા, જે આવનારા વીસ જ દિવસમાં આચાર્ય મહાશ્રમણજીના ચરણોમાં પોતાના જીવનની નવી પવિત્ર યાત્રા શરૂ કરવા જઈ રહ્યા છે તેમના માટે પરિજનોએ મંગલકામનાઓ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ભગવાન મહાવીરની વાણી “જાય સદ્ધાયે નીખ્ખંતો પર્યાયઠાણમુતમં - તમેવ અણુપાલેય્ય”ને આધાર બનાવીને, જેમ ઉત્સાહ અને શ્રદ્ધાથી તમે આ સંન્યાસના માર્ગે આગળ વધવા માટે પ્રેરાયા છો, તેમ સમગ્ર સાધનાયાત્રા દરમિયાન એ જ ઉત્સાહ અને શ્રદ્ધાને જીવનમાં ધારણ કરો,જીવનમાં સતત આત્મવિકાસ કરતા રહીને, આત્મકલ્યાણની દિશામાં સતત પ્રયત્નશીલ રહો. 
તમે તમારા કુટુંબ અને સમાજનું ગૌરવ વધારો તથા તપોભૂમિ તેરાપંથ ધર્મસંઘ અને ગુરુપદે પરમ સમર્પણ ભાવથી જીવન પસાર કરો એવી પવિત્ર શુભેચ્છાઓ પણ પરિવાર વતીથી અર્પણ કરી હતી. મંગલ ભાવના કાર્યક્રમમાં મહેશ પ્રભુલાલ મહેતા, જિતેન્દ્ર ખંડોલ, મયૂરી મોરબીયા, પ્રિયા મહેતા, મમતા મહેતા, નંદિની મહેતા, અર્પણ દોશી તથા બહેનો સહિતે દિક્ષાર્થિ જિગર મહેતાની યાત્રા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. બહેનો દ્વારા ભાવસભર ભક્તિ ગીત રજૂ કરીને દીક્ષા માર્ગે આગળ વધતા જિગર માટે આશીર્વચનરૂપ ભાવનાઓ વ્યક્ત કરવામાં આવી હતી. 
અંતે જિગર મહેતાએ પોતાના ભાવ વ્યક્ત કરતાં કહ્યું હતું કે “મારું પરમ સૌભાગ્ય છે કે મને ધર્મપરાયણ કુટુંબમાં જન્મ મળ્યો અને આપણાં ભુજ શહેર મધ્યે બીરાજમાન સાધ્વીજી હેમલતાજીના આશિર્વાદ લઈને સંયમ માર્ગે આગળ જઈ રહ્યો છું. હવે હું મારા તથા આપણાં સૌના ગુરુ આચાર્ય મહાશ્રમણજીના ચરણોમાં જીવન સમર્પિત કરવા જઈ રહ્યો છું ત્યારે આપ સૌ પણ જીવનમાં ત્યાગ અને સંયમ દ્વારા આધ્યાત્મિક વૃદ્ધિ તરફ પ્રયાણ કરો તેવી ઉપસ્થિત સૌ પ્રત્યે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.” પરિવારજનો તરફથી જિગર મહેતાનું સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સુવ્યવસ્થિત સંચાલન મહેશ મહેતાએ કર્યુ હતું તેવું એક યાદીમાં અણુવ્રત સમિતિના અધ્યક્ષ તથા રાષ્ટ્રીય કાર્યકારિણી સદસ્ય મહેશ પ્રભુલાલ મહેતાએ જણાવ્યું હતું.
---------

Comments

COMMENT / REPLY FROM