દેશી ગાયના પંચગવ્ય યુક્ત પવિત્ર ગોબર સ્નાન ના અસંખ્ય લાભ છે
૧૧ સંતો સહિત ૧૦૮ લોકોએ ઉત્સાહભેર આ સ્નાનનો લાભ લીધો
રામપર વેકરા : સવારનો પહોર હોય, આજુબાજુ એકસોથી વધુ જાતવાન દેશી કાંકરેજ ગાયોના ભાંભરવાનો મધુર અવાજ આવતો હોય અને ૧૦૮ લોકો કતારમાં બેસીને તાજાં ગોબરને પોતાના શરીરે રગડોને હોંશે હોંશે સ્નાન કરતા હોય એ દ્રશ્ય કેવું હશે?
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ગૌ સેવા ગતિવિધિ- પશ્ચિમ કચ્છ અને રામપર વેકરા સ્થિત તપોવનધામના સંયુક્ત આયોજનથી આવો જ અનોખો પ્રયોગ થયો અને તપોવનધામના સંચાલક દેવચરણદાસજી સ્વામી અને ગૌ સેવા ગતિવિધિના સૌરાષ્ટ્ર પ્રાંત સંયોજક મેઘજીભાઈ હીરાણી દ્વારા શાસ્ત્રોના શ્લોક અને તેના લાભની વાતો સાથે ૮ વર્ષના બાળકથી લઈને ૬૦ વર્ષની વય અને વિદ્યાર્થિ, વૈજ્ઞાનિક, વેપારી, સરપંચ, શિક્ષક, મજૂર, ખેડૂત, ગોપાલક સાથે સામાજિક અને ધાર્મિક આગેવાનો સહિતના ૧૦ સંતો અને ૯૮ અન્ય લોકોની કુલ ૧૦૮ જેટલી મોટી સંખ્યાએ જ્યારે શરીરમાં એકાદ કલાક સુધી આ મિશ્રણને બરોબર રગડ્યા પછી સાદા પાણીથી સ્નાન કરીને પોતાના અનુભવ વર્ણવ્યા તેમાં જાણવા મળ્યા મુજબ આવા પ્રયોગોથી વર્તમાન યુવા અને નવી પેઢીનું ગાય સાથેનું જોડાણ વધે છે અને શાસ્ત્ર તથા વિજ્ઞાન પ્રમાણિત ગોબરના લાભ જાણીને સુગ પણ દુર થાય છે.
બે મહિના પહેલાં માત્ર ૨૯ લોકો સાથે અંજારના રાયમલધામ ખાતે થયેલ આ પ્રયોગની સફળતાથી પ્રેરાઈને તપોવનધામ ખાતે આ વધુ સફળ આયોજન થયું અને લાભ લેનાર સૌએ દર મહિને આવું આયોજન કરવાનો આગ્રહ કર્યો એટલે આગામી ૭ સપ્ટેમ્બર રવિવારનો દિવસ નિશ્ચિત પણ થઈ ગયો છે. સેંટ અને પરફ્યુમની કુત્રિમ અને નુકસાનકારક સુગંધના આ યુગમાં ગોબર સ્નાનનું બીડું ઝડપનાર આવડી મોટી સંખ્યામાં બાળકો અને યુવાનો જોડાય તેને સાહસિક અને પ્રેરણારૂપ પગલું ગણાવીને દેવચરણ સ્વામીએ સૌને અભિનંદન આપ્યા હતા અને આગામી સમયમાં ડોક્ટર અને વૈદ્યો તથા બહેનો માટે પણ આવું વિશેષ આયોજન કરવાની વિચારણા છે એવું ગૌ સેવા ગતિવિધિ પશ્ચિમ કચ્છના સંયોજક નવીન ભુડીયાએ જણાવ્યું છે.
---

Comments