Trending News
સ્થાનિક સમાચાર

હવે છછીના દરિયાકાંઠે કન્ટેનર ટેન્ક મળી આવ્યું

11 August



અગાઉ મળી આવેલા ટેન્કમાંથી જીપીસીબીની ટીમે નમૂના એકત્ર કરી ક્યા પ્રકારનું કેમિકલ છે તેનો અભ્યાસ શરૂ કર્યો : જહાજમાંથી ટેન્કરો પડ્યા હોઈ કસ્ટમ વિભાગે તપાસ હાથ ધરી : યુ.કે.ના કન્ટેનર ટેન્ક હોવાનું સામે આવ્યું 


ભુજ : કચ્છના દરિયાકાંઠે ચરસના પેકેટો બાદ હવે એક બાદ એક કન્ટેનર ટેન્ક મળી રહ્યા છે. આજે સવારે અબડાસાના છછીના દરિયાકાંઠેથી કન્ટેનર ટેન્ક મળી આવ્યું હતું.જે દરિયાની વચ્ચોવચ્ચ છે અને પાણી ભરેલા હોવાથી ત્યાં સુધી પહોંચવું મુશ્કેલ બન્યું છે. 
ગત સાત તારીખે સૈયદ સુલેમાનપીર વિસ્તારમાં બે કન્ટેનર તણાઈ આવ્યા હતા જે બાદ ૧૦ ઓગસ્ટના સુથરી પાસે કન્ટેનર મળી આવ્યું હતું ત્યારે આજે સવારે છછીના દરિયાકાંઠે પાણીમાં તણાયેલું ટેન્ક જોવા મળ્યું હતું. હજુ સુધી એક પણ કન્ટેનર નીકળી શકયા નથી. સંભવતઃ કોઈ જહાજમાંથી નીચે પડ્યા બાદ આ કન્ટેનર તણાઈને અબડાસાના વિવિધ દરિયા કિનારે પહોંચ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. જેથી આ બાબતે કસ્ટમને જાણ કરવામાં આવી છે અને તેઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આ વચ્ચે પ્રાંત અધિકારી, મામલતદારને જાણ કરવામાં આવી હોઈ વહીવટી વિભાગ દ્વારા જીપીસીબીને જાણ કરવામાં આવી હતી. જીપીસીબીની ટીમે કન્ટેનરમાંથી નમુના લઈ તપાસ માટે મોકલ્યા છે. જેથી ખ્યાલ આવશે કે આ કન્ટેનરોમાં ક્યા પ્રકારનું કેમિકલ છે. તેના આધારે કસ્ટમ વિભાગ દ્વારા આ કન્સાઈમેન્ટમાં ક્યા જહાજમાંથી પડ્યો હોઈ શકે તે સહિતની તપાસ કરવામાં આવશે. દરિયામાં ભરતી ઓછી થતા ટીમ કન્ટેનર પાસે પહોંચી હતી. જેમાં બનાવટ જોતા યુકેની ફોર્ટ વાલે કંપનીની બનાવટના આ ટેન્ક કન્ટેનર હોવાનું સામે આવ્યું છે. હવે જોવાનું એ છે કે, આ કન્ટેનર ક્યા દેશમાંથી નીકળ્યા હતા અને ક્યા દેશમાં જવાના હતા. સૈયદ સુલેમાનપીર અને સુથરીના દરિયામાં જોરદાર કરંટ અને રેતી વધારે હોવાથી વાહનો જઈ શકે તેવી સ્થિતિ નથી. આજે છછીના દરિયાકાંઠે ટેન્ક મળ્યું હતું ત્યાં ટેકરો હોવાથી વાહન પહોંચી શક્યા હતા. જોકે, કન્ટેનર જ્યાં છે ત્યાં ગળાડૂબ પાણી 
ભરેલા છે. 



..................


હેલિકોપ્ટરથી જ આ ટેન્ક બહાર નીકળી શકશે 


દરિયામાં ભરતીનું પ્રમાણ અને સ્થાનિકેની પરિસ્થિતિ જોઈ વાહન મારફતે આ ટેન્ક બહાર કાઢવા મુશ્કેલ છે. વજન હોવાથી માનવશ્રમ પણ કામ આવે તેમ નથી. હેલિકોપ્ટરથી આ ટેન્કને કિનારા પર બહાર લાવી શકાય તેમ છે. આ માટે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ધ્યાન આપવામાં આવે તો આ કન્ટેનર બહાર નીકળી શકે તેમ છે. 

Comments

COMMENT / REPLY FROM