મુન્દ્રામાં ચાર દિવસમાં બીજી વખત કુરિયર મારફતે આવેલો ગાંજો પકડાયો
મીઠીરોહરમાં રહેતા બિહારી શખ્સને પકડી પ૩ હજારનો ગાંજો કબજે કરાયો : કાર્ગો ઝુપડપટ્ટીમાં રહેતા શખ્સે બિહારથી કુરિયરમાં મંગાવ્યો હતો માલ : ઝડપાયેલા શખ્સને મુન્દ્રાથી ગાંધીધામ ડિલિવરી માટે મળવાનું હતું પ હજારનું કમિશન : પૂર્વ કચ્છમાં ડ્રગ્સ નાબુદી માટેની સખ્ત કાર્યવાહીના પગલે ડ્રગ્સ પેડલરોએ હવે પશ્ચિમ કચ્છ તરફ નજર નાખી
ભુજ : ઔદ્યોગિક વસ્તી ધરાવતા મુન્દ્રામાં હવે ડ્રગ્સનું ચલણ વધી રહ્યું છે. તેમાં કુરિયર મારફતે સતત ગાંજો આવી રહ્યો છે. ચાર દિવસમાં બીજી વખત આ પ્રવૃત્તિ ઝડપાઈ છે. ચાર દિવસ અગાઉ એસઓજીએ શિવશક્તિ હોસ્પિટલવાળી શેરીમાં તપાસ કરીને કુરિયર મારફતે મંગાવેલો પાંચ કિલો ગાંજો પકડી પાડ્યો હતો. જે સાથે બિહારના શખ્સની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે હવે મુન્દ્રા પોલીસે ગઈકાલે રાત્રે પાવાપુરી ચાર રસ્તા પાસે કાર્યવાહી કરીને બિહારના અને હાલે મીઠીરોહરમાં શખ્સને ઝડપી પાડ્યો હતો. પુછપરછમાં સામે આવ્યું કે, બિહારના શખ્સે માલ મોકલ્યો હતો. જે ગાંધીધામમાં રહેતા વ્યક્તિને આપવાનો હતો. ઝડપાયેલો શખ્સ કુરિયરમાં આવેલ પાર્સલ લેવા આવ્યો હતો જે પેટે તેને પાંચ હજાર કમિશન મળવાનું હતું. આ બાબતે મળતી વિગતો મુજબ પોલીસે મૂળ બિહારના હાલે મીઠીરોહરમાં રહેતા મીઠુકુમાર ખ્યાલ રાવની ઝડપી લીધો છે. તેની પાસેથી પ.૩૪૦ કિલો ગાંજો કિંમત રૂા.પ૩,૪૦૦ અને બે મોબાઈલ અને રોકડા મળી ૬ર,પ૦પ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ માલ બિહારથી નવલેશકુમાર ઉર્ફે સંતોષકુમારે કુરિયરમાં મુન્દ્રા ખાતે મોકલાવ્યો હતો. આ માલ ગાંધીધામના કાર્ગો ઝુપડપટ્ટીમાં રહેતા દીપકકુમારે મંગાવ્યો હતો. ઝડપાયેલા મીઠુકુમાર દીપકના કહેવાથી મુન્દ્રા આવ્યો અને પાર્સલ લઈને જતો હતો ત્યારે પકડાઈ ગયો હતો. આ કામ પેટે તેને પાંચ હજાર કમિશન મળવાનું હતું. મુન્દ્રા પોલીસે ત્રણેય સામે એનડીપીએસની કલમો તળે ગુનો દાખલ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પૂર્વ કચ્છમાં અવાર-નવાર બિહાર, ઓરિસ્સા, ઝારખંડથી કુરિયર મારફતે ડ્રગ્સ અને પંજાબના તરનતારન જિલ્લાના શખ્સો ગાંધીધામમાં આવી એમડી, હેરોઈન, કોકેઈન વેંચતા હોય છે. પૂર્વ કચ્છ પોલીસ દ્વારા હોટલો, ઢાબા, કુરિયર ઓફિસોમાં કડક ચેકિંગ કરવામાં આવતું હોય ડ્રગ્સ પેડલરો હવે પશ્ચિમ કચ્છ તરફ વળ્યા હોવાનું પોલીસની કાર્યવાહી પરથી જણાઈ આવે છે.

Comments