ખાંડેકમાં આવેલા મંદિરમાંથી રોકડા અને ઘંઉના કટ્ટા ચોરાયા
જવાહરનગરના વર્કશોપમાંથી સળીયા ચોરનાર પકડાઈ ગયો
ભુજ : રાપર તાલુકાના ખાંડેક ગામથી વીડીયાવાડી રોડ પર આવેલ દાદા ગોવા મંદિરમાં ચોરીનો બનાવ બન્યો હતો. આ બાબતે રાપર પોલીસ સ્ટેશનેથી જાણવા મળતી વિગતો મુજબ મંદિરનો લોક તોડી દાનપેટીમાં રહેલા રોકડા રૂપિયા ૩ર૦૦ તથા ઘંઉના સાત કટ્ટા કિંમત રૂા.૮,૪૦૦ મળી કુલ ૧૧,૬૦૦ ના મુદ્દામાલની ચોરી કરવામાં આવી હતી. પાંચ તારીખે સાત વાગ્યાથી ૯ તારીખે સાત વાગ્યા દરમિયાન કોઈપણ સમયે આ ચોરી થઈ હતી. જે અંગે ખાંડેક ગામના વેલજીભાઈ અંબારામ ખાંડેકાએ રાપર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો હતો. આ તરફ ગાંધીધામમાં જવાહરનગરમાં મંદિરની બાજુમાં યશ એન્જિનિયરીંગના વર્કશોપમાં ચોરી થઈ હતી. ફરિયાદી હિરેનભાઈ લક્ષ્મીશંકર પંડ્યાના જણાવ્યા પ્રમાણે આરોપી ખારીરોહરના રમઝાન હાજી કોરેજા અને અન્ય બે અજાણ્યા ઈસમો બાઈક પર આવ્યા અને વર્કશોપની દીવાલ કુદી અંદરની લોખંડના ૧પ૦૦ રૂપિયા પાંચ સળીયા ચોરીને ભાગ્યા હતા. જે પૈકી રમઝાનને પકડી સળીયા કબજે કરવામાં આવ્યા હતા. બનાવ અંગે ગાંધીધામ એ-ડિવિઝનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. દરમિયાન રાપર તાલુકાના ગોરાસર જતા રોડ પરથી બાઈક ચોરી થઈ હતી. બાલાસરીના ધલુભાઈ ખેંગારભાઈ કોલીના જણાવ્યા પ્રમાણે ૧પ હજારની બાઈક ચોરાઈ જતા ગાગોદર પોલીસમાં ગુનો દાખલ
કરાવ્યો હતો.

Comments