વાલીઓની લડતની જીત : ભુજના ભારતનગરને મળી સ્વતંત્ર શાળા
રાજય સરકારનો શિક્ષણ હિતકારી નિર્ણય : શુક્રવારે ભારતનગર પુલ પાટીયા વિસ્તારમાં અલગ શાળાને અપાઈ મંજૂરી : પખવાડિયા પહેલા ૧૩૪ વિદ્યાર્થીઓએ સામૂહિક રીતે છોડી દીધી હતી શાળા : જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગે નવી શાળા માટે શરૂ કરી પ્રક્રિયા : સોમવારથી છાત્રોની પ્રવેશ પ્રક્રિયા આરંભાશે : ભુપેન્દ્રસિંહ વાઘેલા (જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી)
ભુજ : શિક્ષણ ક્ષેત્રે અનેકવિધ અસુવિધાઓથી લડતા કચ્છ જિલ્લામાં એક નાનકડા વિસ્તારના વાલીઓની લડતે અનુકરણીય દ્રષ્ટાંત પુરૂં પાડયું છે. ભુજ નજીકના ભારતનગર પુલ પાટીયા વિસ્તારમાં સ્વતંત્ર શાળા ન હોવાથી આ વિસ્તારના બાળકોને અભ્યાસ માટે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. વાલીઓ દ્વારા આ વિસ્તારમાં સ્વતંત્ર શાળા શરૂ કરવા માટે અનેકવખત કરવામાં આવેલી રજુઆતો તંત્રના બહેરા કાને અથડાઈને પાછી પડતા છેવટે વાલીઓએ પોતાના બાળકોના અભ્યાસને અટકાવી દઈ લડતને ઉગ્ર બનાવવાનો નિર્ણય કર્યો હતો. ૧૩૪ જેટલા બાળકોએ એકી સાથે અભ્યાસ છોડી દેતા જિલ્લા શિક્ષણ તંત્રમાં હડકંપ મચી ગયો હતો. કચ્છ જિલ્લાના ઈતિહાસમાં પ્રથમ વખત વાલીઓની આવી ઉગ્ર લડતના પડઘા રાજ્ય સરકાર સુધી પહોંચતા આખરે રાજય સરકારે છાત્રોના અને શિક્ષણ હિતને ધ્યાને લઈ ભુજ તાલુકાના પુલ પાટીયા પાસે આવેલ ભારતનગર વિસ્તારમાં સ્વતંત્ર શાળાને શુક્રવારે મંજુરી આપી હતી.
આ અંગેની વિગતો મુજબ ગુજરાત સરકારે વાલીઓની લડત સામે ઝુકીને આખરે કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના ભારતનગરના વિદ્યાર્થીઓ માટે એક સ્વતંત્ર શાળાને મંજૂરી આપી છે. બાળકોના અભ્યાસ માટે સારી સુવિધા અને સ્વતંત્ર શાળાની માંગ સાથે જ્યારે વાલીઓએ શિક્ષણ પ્રણાલીનો બહિષ્કાર કરીને ભારતનગર પુલ પાટિયા ગામની પેટા વર્ગ (પેટા શાળા)માંથી ૧૩૪ બાળકોને પાછા ખેંચી લીધા બાદ રાજય સરકાર દ્વારા આખરે શાળાને મંજુુરી અપાતા વાલીઓને હાશકારો થયો છે. લડતના ભાગરૂપે લગભગ એક પખવાડિયા પહેલા ગામલોકોએ શાળા છોડવાના પ્રમાણપત્રો એકઠા કર્યા હતા. વાલીઓ દ્વારા ગામ માટે સંપૂર્ણ સુવિધાયુક્ત ઇમારત, શિક્ષકોનો સંપૂર્ણ સ્ટાફ અને સંલગ્ન સુવિધાઓ સાથે એક સ્વતંત્ર શાળા મેળવવા માટે વારંવાર પ્રયાસ કર્યા હતા. પરંતુ જિલ્લા કક્ષાએ કરાયેલી રજુઆતો સફળ થઈ ન હતી. વાલીઓએ શિક્ષણ અને વહીવટી વિભાગથી માંડી ચૂંટાયેલા જન પ્રતિનીધિઓ સુધી શ્રેણીબદ્ધ રજુઆતો કરી હતી. પરંતુ કોઈ પરીણામ ન મળતા આખરે વાલીઓએ પોતાના બાળકોનો અભ્યાસ અટકાવી દઈ સરકારને ઢંઢોળવાના આખરી પ્રયાસ કર્યા હતા. વિદ્યાર્થીઓ એક જર્જરિત ટીન-શેડ કોમ્યુનિટી હોલમાં અભ્યાસ કરી રહ્યા હતા, જેમાં મૂળભૂત માળખાકીય સુવિધાઓનો અભાવ હતો, જ્યારે આ પેટા-શાળામાં લગભગ ૨ કિમી દૂર આવેલી આંબેડકરનગર પ્રાથમિક શાળાની મુખ્ય શાળામાં નોંધાયેલા વિદ્યાર્થીઓ કરતા લગભગ બમણા વિદ્યાર્થીઓ હતા. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સત્તામંડળે ભારતનગર, ભુજ ખાતે એક પેટા શાળાને સ્વતંત્ર શાળામાં ફેરવવા માટે મંજૂરી માટે દરખાસ્ત રજૂ કરી હતી. આ સંદર્ભમાં, અગાઉની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી ન હતી. વિદ્યાર્થીઓ એક મદરેસાની લોબીમાં બેસતા હતા. જિલ્લા શિક્ષણ વિભાગે રાજય શિક્ષણ વિભાગને જાણ કરી હતી કે સ્વતંત્ર શાળા ન હોવાને કારણે વિદ્યાર્થીઓના વાલીઓ એલસી લઈ રહ્યા છે. રાજય સરકારે મંજુરી સાથે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ ખાતરી કરવી પડશે કે શાળામાં બધી જરૂરી સુવિધાઓ છે તે સુનિશ્ચિત કરવા તાકીદ કરી છે. આ વિસ્તારમાં સ્વતંત્ર શાળા શરૂ કરવા માટે સ્થાનીક સમુદાય અગ્રણી સિકંદર અલાના સુમરાએ શિક્ષણ વિભાગ દ્વારા માળખાકીય સુવિધાઓ બનાવવામાં આવે ત્યાં સુધી કામચલાઉ શાળા તરીકે કામ કરવા માટે પોતાની કૌટુંબિક મિલકત ઓફર કરી હતી.
આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલાએ કચ્છઉદય સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજય સરકારે શુક્રવારે ભારતનગરમાં એક સ્વતંત્ર શાળા માટે મંજૂરી આપી છે. વાલીઓએ સ્વતંત્ર શાળા મળે તો તેઓ તેમના બાળકોને તેમાં પ્રવેશ આપશે. હવે જયારે મંજૂરી મળી ગઈ છે ત્યારે સોમવારથી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. નવી ઇમારતના બાંધકામ વિશે ડીપીઈઓએ કહ્યું કે, જિલ્લા વહીવટીતંત્રને આ બાબત હાથ ધરવા જણાવ્યું છે. નવી શાળા મંજૂર થયા પછી, અમારે ગામમાંથી જમીન મેળવવાની અને ત્યાં શાળા બનાવવાની જરૂર છે. આ બધી પ્રક્રિયાઓ હાલમાં ચાલી રહી છે.

Comments