Trending News
સ્થાનિક સમાચાર

અબડાસાના દરિયાકાંઠે તણાઈને આવેલા કન્ટેનરોએ સર્જ્યું રહસ્ય 

10 August

ગંભીરા બ્રીજ પર લટકેલા ટેન્કરને બહાર કાઢતી સરકાર સરહદી વિસ્તારની ઘટના બાબતે અંધારામાં 




ચાર દિવસ અગાઉ સૈયદ સુલેમાનપીર દરિયાકિનારે તણાઈને આવેલા બે કન્ટેનર નીકળ્યા નથી ત્યાં આજે સુથરી પાસે વધુ એક ટેન્ક કન્ટેનર દરિયામાં મળી આવ્યું : આ વિસ્તારમાં સતત ભરતી અને રેતીના કારણે બાઈક લઈ જવી પણ મુશ્કેલ છે ત્યાં કન્ટેનરને બહાર કેમ કાઢવું તેની વિમાસણ : પોલીસ, વહીવટી તંત્ર, કોસ્ટગાર્ડ સહિતના ચાર દિવસથી કન્ટેનરમાં શું છે તે પણ જાણી શક્યા નથી ? 




ભુજ : કચ્છના સરહદી અને નિર્જન એવા દરિયાઈ વિસ્તારોમાં અગાઉ ચરસના પેકેટ તણાઈને આવતા હતા. જોકે, હવે આખે આખા કન્ટેનર તણાઈને આવતા એજન્સીઓ પણ ચોંકી ઉઠી છે. ચાર દિવસ અગાઉ સૈયદ સુલેમાનપીર વિસ્તારમાં બે કન્ટેનર તણાઈ આવ્યા હતા જે હજુ સુધી બહાર નીકળી શક્યા નથી ત્યાં આજે સુથરી પાસે વધુ કન્ટેનર મળી આવ્યું છે. દરિયામાં સતત ભરતી ચાલુ છે ત્યારે આ કન્ટેનરોને બહાર કેમ કાઢવા તેની વિમાસણ જોવા મળી રહી છે. અબડાસા તાલુકાના સૈયદ સુલેમાનપીર અને શિયાળબારી દરિયાઈ વિસ્તારમાં ચાર દિવસ અગાઉ અડધા પાણીમાં અડધા બહાર તણાઈને આવેલા કન્ટેનર જોવા મળતા કોસ્ટગાર્ડ, પોલીસ સહિતની એજન્સીઓ કામે લાગી છે છતાં હજુ સુધી આ કન્ટેનર નીકળી શકયા નથી. તેવામાં આજે સવારે સુથરીના દરિયાકિનારા વિસ્તારમાં વધુ એક કન્ટેનર તણાઈને આવ્યું હતું. સંભવતઃ જહાજમાંથી નીચે પડ્યા બાદ આ ત્રણેય કન્ટેનર તણાઈને અબડાસા પહોંચ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે, પડકાર એ છે કે, હાલમાં આ દરિયાઈ વિસ્તારમાં રેતીનું પ્રમાણ ઘણુ છે જેથી વાહનો જઈ શકે તેવી પરિસ્થિતિ નથી. તેમજ જે જગ્યાએ કન્ટેનર છે ત્યાં આગળ જતા પથ્થરો છે. ભરતીનું પ્રમાણ હોવાથી બોટથી જઈ શકાય તેમ નથી. દરિયામાં ભરતી એટલી છે કે, બાઈક લઈ જવી પણ મુશ્કેલ છે. હાલ કોસ્ટગાર્ડ, પોલીસ, મામલતદાર સહિતના વહીવટી તંત્ર દ્વારા કઈ રીતે આ કન્ટેનરને બહાર કાઢી શકાય તે માટે વ્યાયામ કરી કરવામાં આવી રહ્યો છે. આ ટેન્ક કન્ટેનરોમાં શું છે તે પણ હજુ સુધી સામે આવી શક્યું નથી. સંભવતઃ કોઈ કેમિકલ હોય તેવું માનવામાં આવી રહ્યું છે. જો લિકેજ થાય તો દરિયાઈ જીવસૃષ્ટીને નુકસાન પહોંચે તેમ છે. જેમ ગંભીરા બ્રીજ પર લટકેલા ટેન્કરને બહાર કાઢવામાં આવ્યું તેમ આ કન્ટેનરોને બહાર કાઢવા માટે ગુજરાત સરકાર અંગત રસ લેવામાં આવે તે જરૂરી બની રહે છે. 

Comments

COMMENT / REPLY FROM