માતૃછાયા કન્યા વિદ્યાલયમાં સરસ્વતી સન્માન કાર્યક્રમ યોજાયો
ભુજ : માતૃછાયા કન્યાવિદ્યાલય દ્વારા સરસ્વતી સન્માનનો ભવ્ય કાર્યક્રમ યોજાવામાં આવ્યો હતો. જેમાં શાળાની તેજસ્વી તારિકાઓને પુરસ્કૃત કરી સન્માનવામાં આવી હતી. મંચસ્થ મહાનુભાવોના હસ્તે દિપપ્રાગટ્ય દ્વારા કાર્યર્ક્મનો શુભારંભ કરવામાં આવ્યો હતો. શાળાના આચાર્યા સુહાસબહેન તન્નાએ શાળાના ગૌરવપ્રદ ઇતિહાસને તાજો કરીને સૌનું અભિવાદન કર્યું હતું. શાળાના ટ્રસ્ટી નલિનીબહેન શાહ, ટ્રસ્ટી રજનીભાઈ પટવા તેમજ દાતા પરિવારના સ્વજન નીરુબહેન શાહ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં.
કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને જિલ્લા શિક્ષણ અધિકારી સંજયભાઈ પરમાર ઉપસ્થિત રહી વિદ્યાર્થિનીઓને વક્તવ્ય આપ્યું હતું. ગુજરાતનાં જાણીતા લેખિકા અને કચ્છ યુનિ.ના ગુજરાતી વિભાગના ભૂતપૂર્વ અધ્યક્ષા ડૉ. દર્શનાબેન ધોળકિયા અતિથિ વિશેષ તરીકે પધારી તેમની અનોખી શૈલી દ્વારા વિદ્યાર્થિનીઓને રસતરબોળ કરી અર્જુન જેવા તેજસ્વી બનવા પ્રેર્યા હતાં.
ભુજના અમેરિકા સ્થિત વિદ્યાપ્રેમી શ્રીયુત પ્રાણજીવનભાઈ શાહ તરફથી તેમના સદગત માતાપિતા મૂલચંદભાઈ શાહ તથા મણીબહેન શાહની સ્મૃતિમાં માતૃછાયા કન્યાવિદ્યાલયમાં ધોરણ-૧૨માં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થિનીને અને ભુજની શાળાઓમાંથી ધોરણ ૧૨માં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર કુમારને વર્ષ ૨૦૨૫નું રૂા.સાત-સાત હજારનું પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું. જૈન મેડિકલ અને એજ્યુકેશનલ ટ્રસ્ટ તરફથી ધોરણ દસ અને બારમાં ઉચ્ચ ગુણાંક મેળવનાર વિદ્યાર્થિનીઓને રૂા. ૧૧૦૦ થી ૨૫૦૦ના પારિતોષિક અર્પવામાં આવ્યા હતા.
શાળાના પ્રાથમિક વિભાગના આચાર્યા પંકજબહેન રામાણી અને પૂર્વ પ્રાથમિક વિભાગના આચાર્યા અનિલાબહેન ગોરે પોતાની સક્રિય ઉપસ્થિત દ્વારા કાર્યક્રમ શોભાવ્યો હતો. ઉક્ત પ્રસંગે માતૃછાયા અંગ્રેજી માધ્યમ શાળાના નિયામક પ્રેમલતાબેન નિહલાણીએ પણ હાજરી આપી હતી. જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાંથી પરેશભાઈ અજાણી અને અમિતભાઇ ધોળકિયા ઉપસ્થિત રહ્યા હતા. સર્વમંગલ આરોગ્યધામના ચીફ મેડિકલ ઓફિસર આલાપભાઈ અંતાણી પણ હાજર રહ્યા હતા.
શાળાના સુપરવાઇઝર બીનાબહેન માનસાતાએ આભારવિધિ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નિરાલીબહેન ગોર અને નીરજભાઈ મચ્છરે કર્યું હતું. આ કાર્યક્રમ માટેની પ્રેરણા શાળાના આચાર્ય સુહાસબહેન તન્ના ગોસ્વામી આપી હતી. આ આયોજન બદલ સમગ્ર ટ્રસ્ટી મંડળે અભિનંદન પાઠવ્યા હતા.
----------

Comments