માધાપર ખાતે ઘરેલું હિંસા સામે સ્ત્રીઓનું રક્ષણ વિશે જાગૃતિ સેમિનાર યોજાયો
ભુજ : ઘરેલું હિંસા સામે સ્ત્રીઓનું રક્ષણ અધિનિયમ - ૨૦૦૫ કાયદાની જાગૃતી આવે એ માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ઓધવબાગ -૩ માધાપર જુનાવાસ ખાતે જાગૃતી સેમિનારનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી ભરતભાઈ મકવાણાએ કાયદા અંતર્ગત કોણ ફરીયાદ કરી શકે, ક્યાં ફરીયાદ કરી શકાય, કોર્ટ તરફથી શુ દાદ મળવા પાત્ર છે તેમજ કાયદાની જોગવાઇઓ અંગે માહિતી આપી હતી. શી ટીમના એએસઆઇ શિતલબેન શી ટીમની કામગીરી તેમજ મહિલાઓને સક્ષમ થવા તેમજ હિંસા સહન ન કરવા અંગે સમજ આપી હતી.
જિલ્લા મહિલા અને બાળ અધિકારી અવની બેન રાવલે મહિલા અને બાળ વિકાસ વિભાગની યોજનાકિય અને કાયદાકિય માહિતી આપી હતી. ૧૮૧ અભયમ કાઉન્સેલર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, મુશ્કેલ પરિસ્થિતીમાં મુકાયેલ કોઇપણ મહિલા ગમે ત્યારે ૧૮૧ નંબર ડાયલ કરીને સેવા મેળવી શકે છે. સખી વન સ્ટોપ સેન્ટરના સંચાલક ભાવનાબેને હિંસાથી પિડીત મહિલાઓને સેન્ટર પર આપવામાં આવતી નિશુલ્ક સેવા જેવી કે આશ્રય, કાનુનિ સહાય, પોલિસ સહાય, કાઉન્સેલિંગ વિષે વિગતે માહિતી આપી હતી. પોલિસ સ્ટેશન બેઇઝના સપોર્ટ સેન્ટરના કાઉન્સેલર અર્ચનાબેન ભગોરાએ મહિલાઓને ડર રાખ્યા આગળ આવવા જણાવ્યું હતું. ઓધવબાગ મહિલા મંડળના પ્રમુખ લક્ષ્મીબેન પટેલ, ઉપપ્રમુખ તારાબેન ગજ્જર અને ભુજ તાલુકાના પંચાયતના સદસ્ય તુશારીબેને ઉપસ્થિત મહિલાઓને શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. સંચાલન પુજાબેન પરમારે કર્યું હતું.
-------

Comments