લાલન કોલેજમાં કારકિર્દી માર્ગદર્શન અને કાવ્યપઠન સ્પર્ધાનું કરાયું આયોજન
ભુજ : લાલન કોલેજમાં ગુજરાતી વિભાગ અને જ્ઞાનધારાના સંયુક્ત ઉપક્રમે કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમની સાથે કાવ્યપઠન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં વિભાગના મદદનીશ પ્રાધ્યાપક ડો. રાજેન્દ્ર બાંભણિયા દ્વારા કારકિર્દી અંગે વિદ્યાર્થીઓને સરળ અને સુચારરૂપે અવગત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ વિદ્યાર્થીઓએ કાવ્યપઠન સ્પર્ધામાં પોતાની પ્રસ્તુતિ રજૂ કરી હતી. આ કાવ્યપઠન સ્પર્ધામાં નિર્ણાયક તરીકે ઉપસ્થિત રહેલા ગુજરાતી વિભાગના ડો.નીલુ ગોહેલે કાવ્યપઠન અંગે કેટલાક સૂચનો કરી અને સુંદર કાવ્યપઠન રજૂ કરી વિદ્યાર્થીઓને ઉત્તમ કાવ્યપઠન કઈ રીતે રજૂ કરી શકાય તેનો નમૂનો પૂરો પાડ્યો હતો. આ સાથે નિર્ણાયક તરીકે હિન્દી વિભાગના ડો. રંજનબેન પરમાર પણ રહ્યા હતા. સ્પર્ધા બાદ નિર્ણાયકોએ નિર્ણય જાહેર કર્યો હતો. જેમાં પ્રથમ ક્રમે ઇતિહાસ સેમેસ્ટર પાંચના મોહન ગઢવી દ્વિતીય ક્રમે સંસ્કૃત સેમેસ્ટર એકના નિસર્ગ મહેતા તેમજ તૃતીય ક્રમે મનોવિજ્ઞાન સેમેસ્ટર એકના આનંદી મહેશ્વરી રહ્યા હતા. કાર્યક્રમને અંતે આચાર્યએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી અને વિજેતા વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ અને પુસ્તકથી સન્માનિત કર્યા હતા. આ સાથે અને અધ્યાપકોને હસ્તે ભાગ લેનાર સૌ વિદ્યાર્થીમિત્રોને સર્ટિફિકેટથી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમનું સંચાલન તૃતીય વર્ષની ગુજરાતીની વિદ્યાર્થીની આરતી કોઠીવારે કર્યું હતું. અંતે આભારદર્શન વિભાગના અધ્યક્ષ ડો. ચૈતાલી ઠક્કરે કર્યું હતું.
-------------.

Comments