નખત્રાણામાં અટલ ભૂજલ યોજના હેઠળ ખેડૂતોને અપાઈ તાલીમ
નખત્રાણા : અટલ ભૂજલ યોજના હેઠળ નખત્રાણા તાલુકાના રામપર (રોહા) ગામે લક્ષ્મીનારાયણ સમાજવાડી ખાતે બે પાળીમાં તાલીમ આપવામાં આવી હતી, જેમાં ૬૦ ખેડૂતો ભાઈઓ તથા બહેનોએ ભાગ લીધો હતો. આ ખેડૂત તાલીમમાં અટલ ભૂજલ યોજનામાંથી આવેલ હરેશ કાનજી વાઘેલા અને ગૌરવ સતીષ પાટીલ દ્વારા અટલ ભૂજલ યોજનાની શરૂઆત, અટલ ભૂજલ યોજના હેઠળ કરવામાં આવેલ કામ, ગ્રામ પંચાયતને ફાળવામાં આવેલ સાધન પાણીના સ્તર ઊંચા કઈ રીતે લાવવા તે બાબતે માહિતી અપાઈ હતી. એસીટીમાંથી અમૃતભાઈ ગરવા દ્વારા યોજના અંતગર્ત વિવિધ પ્રવૃત્તિ અને કાર્યોની ચર્ચા કરવામાં આવી હતી. સમીર વિઠલભાઈ ગજેરાએ સુક્ષ્મ પિયત પધ્ધતિ અંગે માહિતી આપી હતી. ખેતીવાડી ખાતામાંથી આવેલ ગ્રામસેવક સંદીપ પટેલ ખેતીવાડી ખાતાની વિવિધ કામગીરીની માહિતી આપી તેમજ મદદનીશ ખેતી નિયામક (તાલીમ) તરીકે ફરજ બજાવતા દિનેશભાઈ ચૌધરીએ ખેતીવાડી ખાતાના તાલીમ વર્ગો અંગેનીં માહિતી આપી હતી.
આ કાર્યક્રમમાં વિપુલ પટેલે પ્રકૃતિ ખેતીની સમજ આપી હતી. ભુપતભાઈ લકુમ (વેલસ્પન ફાઉન્ડેશન- મેનેજર)એ ખેતીમાં પાણીનો કાર્યક્ષમ ઉપયોગ અને ટકાઉ ખેતી અંગે માર્ગદર્શન આપ્યું હતું. જીવરાજભાઈ નાનજીભાઈ રામાણી અને ખીમજીભાઈ ગોવિંદભાઈ રામાણીએ ભૂગર્ભ જળ બચાવવા તેમજ ગામમાં પાણીનો સંગ્રહ વધે તે અંગે સમજ આપી હતી. પરસોત્તમભાઈ પ્રેમજીભાઈ રૂડાણીએ પાણી બચાવવા માટે ગામ લોકોને અપીલ કરી હતી. ગામના સરપંચ બુધ્ધાભાઈ સોમાભાઈ રબારી દ્વારા આભાર વિધિ કરી ખેડૂતોને પાણી બચાવવા માટે આહવાન કરવામાં આવ્યું હતું.
-----

Comments