કચ્છના મોથાળા અને પાન્ધ્રોમાં આવેલ ડીએમએફ ક્લિનિક બંધ કરવાનો આદેશ
સરકારના તઘલખી નિર્ણય સામે જનાક્રોષ
મોથાળા ગ્રામમાં તંત્રના નિર્ણય સામે નારાજગી વ્યાપી : ઉત્તર સારવાર અને ગુણવતાયુકત દવાઓ મળતી હોવાથી મોટી સંખ્યામાં દર્દીઓ લઈ રહ્યા હતા લાભ : સરકારી આરોગ્ય કેન્દ્રોની એમ્બ્યુલન્સ બાદ વધુ એક ઉપયોગી સેવા છીનવાઈ : જિલ્લા આરોગ્ય કેન્દ્રના અભિપ્રાય બાદ લેવાયો નિર્ણય
ભુજ : ગ્રામિણ વિસ્તારમાં રહેતા લોકોને સ્થાનિકે જ સારી આરોગ્ય સુવિધા મળે તે હેતુથી ડીએમએફની ગ્રાન્ટમાંથી કચ્છમાં બે દવાખાનાઓ શરૂ કરવામાં આવ્યા હતા. પશ્ચિમ કચ્છના પાનધ્રો અને મોથાળામાં ડીએમએફ ગ્રાન્ટમાંથી શરૂં કરાયેલ દવાખાનાઓમાં ગ્રામિણ વિસ્તારના રહેવાસીઓને નાની મોટી બિમારી વખતે નિદાન, સારવાર અને ગુણવતાયુક્ત દવાઓનો લાભ ડીએમએફની ગ્રાન્ટ મારફતે અપાતો હતો. રાજય સરકારે અચાનક જ ડીએમએફ ગ્રાન્ટમાંથી ચાલતા દવાખાનાને બંધ કરવાનો આદેશ કરતા મોથાળા અને આસપાસના ગ્રામીણ વિસ્તારના રહેવાસીઓમાં ભારે આક્રોશ ફેલાયો છે.
આ અંગેની વિગતો મુજબ કચ્છમાં પાનધ્રો અને મોથાળા ખાતે કાર્યરત હેલ્થ ક્લિનિક ગ્લોકલ હેલ્થ કેર સિસ્ટમ પ્રા.લિ. દ્વારા ચલાવવામાં આવતા હતા. બન્ને હેલ્થ ક્લિનિકની વર્તમાન સ્થિતિ અને ઉપયોગીતા અંગે જિલ્લા આરોગ્ય વિભાગ પાસેથી રીપોર્ટ મંગાયો હતો. જેમાં બન્ને વિસ્તારોમાં સરકારી આરોગ્ય કેન્દ્રો કાર્યરત હોઈ ડીએમએફ હેલ્થ ક્લિનિકની સેવાઓ સ્થગીત કરવા અભિપ્રાય અપાયો હતો.
સ્થાનીક ગ્રામજનો અને સામાજીક મંડળોએ આક્રોશ વ્યકત કરતા જણાવ્યું હતું કે એક તરફ સરકાર દ્વારા ગ્રામિણ વિસ્તારમાં રહેતા લોકોને સારી આરોગ્ય સેવાઓ પુરી પાડવાના દાવાઓ કરવામાં આવી રહ્યા છે. ત્યાં બીજીતરફ ગ્રામ્ય વિસ્તારના દર્દીઓ માટે ખુબ ઉપયોગી અને આશીર્વાદરૂપ બનેલ સેવા બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તાજેતરમાં સરકારે સરકારી આરોગ્ય કેન્દ્રની એમ્બ્યુલન્સને ૧૦૮ ને સોપવા નિર્ણય કરતા ગ્રામીણ દર્દીઓની ઉપયોગી સેવા છીનવાઈ હતી. તેવામાં ડીએમએફ ગ્રાન્ટમાંથી ચાાલતા અને ખુબ લોક ઉપયોગી બનેલ દવાખાનાને અચાનક જ બંધ દેવાના આદેશથી ભારે જનાક્રોશ ભભુકી ઉઠયો છે. મોથાળાના જાગૃત નાગરીકોના જણાવ્યા અનુસાર સ્થાનીકે કાર્યરત સરકારી આરોગ્ય કેન્દ્રની સરખામણીએ આ દવાખાનાઓમાં દર્દીઓને સારી દવાઓ અને સારવારનો લાભ મળતો હોવાથી લોકો મોટી સંખ્યામાં તેનો લાભ લઈ રહ્યા હતા. સરકાર પોતાના નીર્ણયમાં ફેરફાર કરી લોકોપયોગી સેવાને અવિરત ચાલુ રાખે તેવી માંગ મોથાળા અને આસપાસના ગ્રામજનો કરી રહ્યા છે.
...........
મોથાળા ડીએમએફ ક્લિનિક બંધ કરવા સામે ગ્રામજનોનો વિરોધ
ભુજ : ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન તરફથી જે ડીએમએફ ક્લિનિક મોથાળામાં ચાલી રહ્યું છે તેને જે બંધ કરવાનો તંત્રનો નિર્ણય લેવાયો છે તે તદ્દન અયોગ્ય અને ખોટો છે. કોરોના સમયમાં પણ આ ક્લિનિકની કામગીરી ઉત્કૃષ્ટ રહી હતી. જ્યારથી આ ક્લિનિક ચાલુ થયું છે ત્યારથી અહીં આજુબાજુ મોથાળા ગામ એક દવાખાનાનું સેન્ટર તરીકે ઉપસીને આવેલ છે છતાં તંત્રે આ નિર્ણય લીધો છે. ડીએમએફ ક્લિનિક મોથાળા ખાતે દવાખાનુ બંધ કરવું તે તદ્દન અયોગ્ય છે. ડીએમએફ કિલનિગ બંધ કરવાના નિર્ણય મોથાળા સહિત આજુ- બાજુના ગામમાંથી ઘણો વિરોધ નોંધાયો છે. મોથાળાના અગ્રણી તેમજ ધાર્મિક સંસ્થાઓએ પણ આનો વિરોધ નોધાવ્યો છે. મોથાળાની વિવિધ સંસ્થાઓ જેવી કે મોથાળા શેતર બાવા ટ્રસ્ટ, મા આશાપુરા ટ્રસ્ટ, ભાનુશાલી મહાજન, લોહાણા મહાજન, જાડેજા મહાજન, જૈન મહાજન સહિત મોથાળા સરપંચ વિનેકભાઈ ડાભી, જિલ્લા પંચાયત સદસ્ય મોથાળા સીટ પરસોત્તમભાઈ મારવાડા, દીપુભા, મહેન્દ્ર ભાનુશાલી, ખરાશંકર જોષી પરિવારના મોવડી, શિવજીભાઈ મહેશ્વરી વગેરેએ ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાને પણ આ બાબતે રજૂઆત કરી છે. આ દવાખાનામાં મોથાળાથી બહારગામ વસતા લોકો પણ અહીં દવા લેવા માટે આવતા હતા. હાલમાં આ દવાખાનામાં છેલ્લા એક દોઢ મહિનાથી દવાઓનો જથ્થો થોડો ઓછો મોકલાય છે એવી ફરિયાદ પણ લોકોએ કરી હતી. પરંતુ આ દવાખાનું બહુ ઉપયોગી છે અને તે ચાલુ રહેવું જ જોઈએ એવી રજૂઆત ગ્રામજનોએ કરેલ છે.

Comments