Trending News
સ્થાનિક સમાચાર

માળિયા - સુરજબારી પુલ પર ગત રાત્રે ભયાનક ત્રિપલ અકસ્માત 

08 August



તહેવાર ઉજવવા હોસ્ટેલથી ઘરે આવતા મીઠીરોહરના બે વિદ્યાર્થી સહિત ચારનાં મોત

હરીપર પાસે કન્ટેઈનર અને ટ્રક ભટકાતાં આગ લાગી અને તેમાં સીએનજી અર્ટિકા કાર ઘૂસી જતા ગેસનો બાટલો ફાટતા આગ વિકરાળ બની : ગાડીમાં સાત લોકો સવાર હતા : બે વિદ્યાર્થીઓનાં મોત થયા : અન્યોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા : ટ્રકના ડ્રાઈવર-ક્લિનરનું મોત થતા અરેરાટી ફેલાઈ : કરૂણ બનાવને પગલે કચ્છ-મોરબી પંથકમાં અરેરાટી 



ભુજ : માળિયા-સૂરજબારી પુલ પર ગઈકાલે રાત્રે ૧૧ કલાકે ભયાનક ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં બે છાત્રો સહિત ચાર જણના આગ લાગવાના કારણે મોત થતા અરેરાટી ફેલાઈ જવા પામી છે. તહેવારની રજામાં જુનાગઢની હોસ્ટેલમાંથી વિદ્યાર્થીઓ પોતાના વતન મીઠીરોહર આવતા હતા ત્યારે રાત્રે નડેલા અકસ્માતના કારણે દીકરાના ઘરે આવવાની ખુશી પળવારમાં માતમમાં ફેરવાઈ ગઈ હતી. 
મોરબી-કચ્છ હાઇવે પર માળીયા મીયાણા તાલુકાના હરીપર ગામ પાસે સૂરજબારી પુલ નજીક ગઈકાલે રાત્રે ૧૧ વાગ્યાના અરસામાં ગંભીર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. સૌ પ્રથમ એક કન્ટેનર પલટી મારી ગયું હતું. ત્યારબાદ તેની પાછળ આવી રહેલું ટેન્કર કન્ટેનર સાથે અથડાયું હતું. આ અકસ્માતમાં પાછળથી આવી રહેલી અર્ટિકા કાર પણ ટેન્કર સાથે અથડાઈ હતી. દરમિયાન ટેન્કરની ડીઝલની ટાંકી ફાટતા આગ લાગી હતી. તેમાં સીએનજી અર્ટિકા કાર ઘૂસી જતા તેમાં રહેલ ગેસની બોટલ ફાટતા આગ વિકરાળ બની હતી. જેમાં બે વિદ્યાર્થી અને ટ્રકના ડ્રાઈવર અને ક્લીનરના કરુણ મોત થયા હતા. અર્ટિકા કારમાં સવાર અન્ય સાત વ્યક્તિઓને નાની-મોટી ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે સામખિયાળીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મૃતકોમાં અર્ટીકા કારમાં સવાર મૂળ મીઠીરોહરના ૧પ વર્ષિય રુદ્ર ગોપાલભાઈ ગુજરીયા, ૧૭ વર્ષિય જૈમીન જગદીશભાઈ બાબરીયા, બિકાનેરના શિવરામ મંગલરામ નાઈ અને ક્લિનર કે જેની ઓળખ બાકી છે. મૃતકોમાં રુદ્ર ગોપાલભાઈ ગુજરીયા અને જૈમીન જગદીશભાઈ બાબરીયા જૂનાગઢની આહીર બોર્ડિંગમાં અભ્યાસ કરતા હતા અને સાતમ-આઠમના તહેવારને કારણે 
પોતાના વતન ગાંધીધામ જઈ રહ્યા હતા. ત્યારે આ બનાવ બન્યો હતો. જેના કારણે રજાઓમાં ઘરે આવવાની ખૂશી માતમમાં ફેરવાઈ ગઈ હતી. બનાવને પગલે ગામની સાથે સમગ્ર આહિર સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ગત રોજ અકસ્માતની જાણ થતા માળીયા તાલુકા પોલીસ તથા મોરબી જિલ્લા એસપી તાત્કાલિક ઘટના સ્થળ દોડી ગયા હતા અને અકસ્માત થયેલા વાહનોને રોડ સાઈડમાં ખસેડવા માટેની કામગીરી કરવામાં આવી હતી અને કચ્છ મોરબી હાઇવેને ક્લિયર કરવામાં આવ્યો છે. આ અકસ્માતમાં ઘાયલ થયેલા પાંચ વિદ્યાર્થીઓને તાત્કાલિક સારવાર માટે સામખિયાળીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન આ બનાવને પગલે પાંચ કિ.મી. લાંબો ટ્રાફિકજામ થયો હતો. કાર સંપૂર્ણપણે બળી ગઈ હતી, જ્યારે ટ્રકમાં વ્યાપક નુકસાન થયું હતું. વાહનો ખસેડી રસ્તો ક્લિયર કરાવવામાં આવ્યો હતો. દરમિયાન ગઈકાલે રાત્રે અકસ્માત અને આગ બાબતે ૧૦૮ દ્વારા ભચાઉ ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. સતત ત્રણ કલાક જહેમત ઉઠાવ્યા બાદ આગ કાબૂમાં આવી હતી. જેમાં પ્રવીણ દાફડા, કુલદીપભાઈ, શક્તિસિંહ વગેરે જોડાયા હતા. 


 

Comments

COMMENT / REPLY FROM