અંજાર નગરપાલિકાના પ્રમુખના અધ્યક્ષસ્થાને મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ
રોજગાર મેળામાં ભાગ લેનાર ૪૮૩માંથી ૧૮૧ લાભાર્થીની નોકરીમાં પ્રાથમિક ધોરણે પસંદગી કરવામાં આવી
અંજાર : કચ્છ જિલ્લામાં નારી વંદન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત મહિલા બાળ વિકાસ વિભાગના ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લી. ગાંધીનગર દ્વારા મહિલા બાળ અધિકારીની કચેરી અને રોજગાર કચેરી તેમજ શ્રધ્ધા મહિલા વિકાસ ટ્રસ્ટ-ભુજના સંયુક્ત ઉપક્રમે અંજાર નગરપાલિકાના પ્રમુખ વૈભવ કોડરાણીના અધ્યક્ષસ્થાને “મહિલા સ્વાવલંબન દિવસ”ની ઉજવણી અન્વયે મહિલા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલાઓને રોજગાર અને સ્વ રોજગાર મળી રહે તે માટે વિવિધ કંપનીઓ અને ઘરે બેસીને કામ આપી શકે તેવા નોકરી દાતાઓને આમંત્રિત કરવામાં આવેલ હતા તેમજ લોન અને તાલીમ આપતા વિવિધ સરકારી વિભાગો પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ રોજગાર મેળામાં મુખ્ય મહેમાનો દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગની વ્હાલી દિકરી યોજનાના કુલ ૫ મંજુરી હુકમ તેમજ ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના ૫ હુકમ વિતરણ કરવામાં આવ્યા હતા. મેળામાં રોજગાર મળી રહે તે માટે કુલ ૫૨૨ લાભાર્થીઓ હાજર રહ્યા હતા. વિવિધ કંપનીઓમાં કુલ ૧૮૧ લાભાર્થીઓની પ્રાથમિક ધોરણે પસંદગી કરવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા મહિલા અને બાળ અધિકારી અવનીબેન રાવલ, રોજગાર અધિકારી મનીષાબેન સાવનિયા, શ્રદ્ધા મહિલા વિકાસ ટ્રસ્ટના પ્રમુખ મીતાબેન ગોર, મિલાપભાઈ તેમજ ભુજ નગરપાલિકા પ્રમુખ રશ્મિબેન સોલંકી વગેરે મુખ્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીની ટીમ તેમજ મીતાબેન ગોરે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
-----

Comments