અબડાસાની ગુમ યુવતીને શોધવામાં પોલીસ નિષ્ફળ રહેતા રેલી યોજી કલેક્ટરને રજૂઆત કરાઈ
અંજાર અને સુમરાસર શેખના બનાવમાં પણ ગુમ યુવતીઓની હજી સુધી ભાળ ન મળતા કલેક્ટર સમક્ષ ધા નખાઈ
ભુજ : અબડાસા તાલુકાના એક ગામમાં રહેતી યુવતી એક મહિનાથી ગુમ થઈ ગઈ છે. પરિવાર દ્વારા નામજોગ રજૂઆત કરવામાં આવી છે. એક મહિનો વીતી જવા છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. પરિવાર દ્વારા કલેક્ટર કચેરી બહાર ધરણા કરવામાં આવ્યા છે. તેમજ બુધવારે મોટી સંખ્યામાં લોકોએ હાજર રહી હિન્દુ જન આક્રોશ મહારેલી યોજી કલેક્ટર સમક્ષ રજૂઆત કરી હતી.
ટાઉન હોલ ખાતે ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે લોકો ભેગા થયા હતા. બાદમાં રેલી સ્વરૂપે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. અબડાસાની ગુમ યુવતીને શોધી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આ ઉપરાંત અંજારના વ્યક્તિ દ્વારા લવ-જેહાદના કિસ્સામાં બે વર્ષથી ગુમ થયેલ માતા-પુત્રી અંગે તાત્કાલિક કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું. અંજાર પોલીસમાં આરોપી સામે નામજોગ ફરિયાદ નોંધાવી છે અને રજૂઆત કરવા છતાં કોઈ પગલાં લેવાયા નથી. પીડિત પરિવાર પોતાની પત્ની-પુત્રી વગર માનસિકતામાં પીડાય છે. પરિવારને સ્થાનિકે ન્યાય ન મળતા હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી આપેલ જે પેન્ડિંગ છે. પરિવાર ન્યાય મેળવવા માટે કાનૂની માર્ગ અપનાવી રહ્યો છે. છતાં પણ સ્થાનિક સ્તરે તપાસમાં કોઈ ગતિ દેખાતી નથી.
આ મામલે જિલ્લાસ્તેરથી તપાસ કરવામાં આવે અને પીડિત પરિવારને ૧પ દિવસે તપાસની પ્રગતિ અંગે લેખિતમાં માહિતી આપવામાં આવે, જવાબદાર આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરી ઝડપી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ છે, જ્યારે ભુજ તાલુકાના સુમરાસર શેખ ગામે રહેતા વ્યક્તિએ આપેલ રજૂઆત મુજબ તેમની ૧૯ વર્ષિય પુત્રી ગુમ થતા તા.૧પ/પના માધાપર પોલીસ મથકમાં ગુમ નોંધ દાખલ કરાવી હતી. ગામમાં બે યુવાનો જોવા ન મળતા તેમના પર શકવહેમ રાખી તમામ પ્રકારની માહિતી આપવા છતા આજદિન સુધી પોલીસ આ યુવતીનો પતો મેળવી શકવામાં નિષ્ફળ સાબિત થઈ છે એક તરફ સ્ત્રી સુરક્ષાના દાવાઓ કરવામાં આવે અને બીજી તરફ પોલીસ ગુમ યુવતીને શોધવામાં નિષ્ફળ સાબિત થઈ છે. નામજોગ રજૂઆત કરવા છતાં અને માહિતી આપવા છતાં આરોપીને પકડી પાડવા બાહોશ કહેવાતી પોલીસ નિષ્ફળ સાબિત થઈ છે. કચ્છ કલેકટરને આવેદન પત્ર વેળા હિન્દુ સંગઠનો, દલીત સંગઠનો પણ આ રેલીમાં જોડાઈને પોલીસ સહીત તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી. આ વેળાએ મહેશ્વરી સમાજના ધર્મગુરૂ, નરેશભાઈ મહેશ્વરી, રઘુવીરસિંહ જાડેજા, જયપાલસિંહ, હિતેશ મહેશ્વરી, રમેશભાઈ ગરવા, પરસોત્તમ મારવાડા, કેશવજીભાઈ રોશિયા, અશોકભાઈ હાથી અને નરેશ મહેશ્વરી હાજર રહ્યા હતા.
...........
કલેક્ટર કચેરી સામે ધરણા પર બેઠેલા માતા-પિતાની તબીયત લથડી
ભુજ : અબડાસા તાલુકાના ખારૂઆ ગામે રહેતી યુવતીની મહિનાથી કોઈ ભાળ મળી નથી. જેથી તેના માતા-પિતા દ્વારા કલેક્ટર કચેરી સામે છેલ્લા ચાર દિવસથી ન્યાય માટે ધરણા કરવામાં આવ્યા છે. જેમાં પરિવારજનો અને સમાજના આગેવાનો પણ જોડાયા છે. આજે ગુરુવારે ધરણા પર બેઠેલા યુવતીના માતા-પિતાની તબીયત લથડતા તેમને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ૧૦૮ મારફતે ખસેડવામાં આવ્યા હતા.
..........

Comments